કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના MLA બાખડ્યા: મહિલા ધારાસભ્યે ટેબલ પછાડી કહ્યું- 'તમને જોઈ લઈશ!'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Assembly Dispute: કર્ણાટક વિધાનસભા સત્ર દરમિયાન શાસક પક્ષ કોંગ્રેસની અંદર ચાલી રહેલો આંતરિક વિવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. બાંગરપેટથી કોંગ્રેસના ધારાસભ્ય એસ.એન. નારાયણસ્વામીએ પોતાની જ પાર્ટીના મહિલા ધારાસભ્ય રૂપકલા શશિકિરણ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે સત્રની કાર્યવાહી દરમિયાન મહિલા ધારાસભ્યએ તેમને ગંભીર ધમકી આપી છે.
ટેબલ પછાડીને આપી ધમકી
ધારાસભ્ય એસ.એન. નારાયણસ્વામીના જણાવ્યા અનુસાર, વિધાનસભામાં તેમની પાછળ બેઠેલાં રૂપકલા અચાનક તેમની પાસે આવ્યા અને તેમની સામે રાખેલું ટેબલ જોરથી પછાડ્યું હતું. નારાયણસ્વામીએ આરોપ મૂક્યો કે, 'રૂપકલાએ મારી સામે આંગળી ચીંધીને ચેતવણી આપી હતી કે તેઓ મને જોઈ લેશે.' આ કથિત ધમકી બાદ નારાયણસ્વામીએ પોતાની સુરક્ષાને લઈને ડર વ્યક્ત કર્યો છે.
કયા મુદ્દા પર ચાલી રહી હતી ચર્ચા?
આ ઘટના ત્યારે બની જ્યારે વિધાનસભામાં ઈંડી અને ચાડચન તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત યાદીમાંથી બહાર રાખવાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય યશવંતરાયગૌડા પાટીલ દ્વારા સોંપવામાં આવેલા રાજીનામા પર ચર્ચા ચાલી રહી હતી.
નારાયણસ્વામીએ સ્પષ્ટ કર્યું કે, 'હું અને ધારાસભ્ય એસ.એન. સુબ્બારેડ્ડી માત્રસાદી વાતચીત કરી રહ્યા હતા અને અમે રૂપકલા વિશે કોઈ ચર્ચા સુદ્ધાં નહોતી કરી, છતાં તેઓ અચાનક ગુસ્સે થઈને અમારી પાસે આવી ગયા હતા.' ઉલ્લેખનીય છે કે રૂપકલા શશિકિરણ, નારાયણસ્વામી અને સુબ્બારેડ્ડી ત્રણેય કોલાર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે.
રાજકીય મતભેદો અને પરિવારની પૃષ્ઠભૂમિ
રૂપકલા શશિકિરણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી કે.એચ. મુનિયપ્પાના પુત્રી છે. બીજી બાજુ, નારાયણસ્વામી અને આ વિસ્તારના અન્ય કેટલાક નેતાઓ લાંબા સમયથી મુનિયપ્પાનો વિરોધ કરતા આવ્યા છે.
પોતાની અસલામતી વ્યક્ત કરતા નારાયણસ્વામીએ જણાવ્યું હતું કે, 'હું સામાન્ય પરિવારથી આવું છું અને મારા પિતા કોઈ ધારાસભ્ય નહોતા. મને ખબર નથી કે તે કેમ ભડકી ગયા. મારી એટલી હેસિયત નથી કે તેમના વિશે વાત કરું. હું ડરેલો છું કારણ કે તેમના પિતા કે.એચ. મુનિયપ્પા અગાઉ પણ આપણને નુકસાન પહોંચાડી ચૂક્યા છે અને હવે તેમના મોઢેથી આવી વાતોસાંભળવા મળી રહી છે.'




