India

દિલ્હીમાં ફરી CJP મેદાને ઉતરી, પાર્લામેન્ટ રોડ પર પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યાં, હોબાળાનું કારણ શું?

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શન દરમિયાન નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર થયેલા હુમલાનો મામલો ફરી ચર્ચામાં છે. સ્વતંત્ર ભારદ્વાજે પોડકાસ્ટમાં હુમલો કર્યાનો દાવો કરતા CJPના નેતાઓ અને નિશુ આઝાદ પાર્લામેન્ટ રોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા. તેમણે આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને હત્યાના પ્રયાસ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ કરી. કોંગ્રેસની લીગલ ટીમ પણ મદદ માટે આગળ આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં ફરી CJP મેદાને ઉતરી, પાર્લામેન્ટ રોડ પર પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યાં, હોબાળાનું કારણ શું?
IMAGE - IANS

Jantar Mantar Attack: દિલ્હીના જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના પ્રદર્શન દરમિયાન નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર થયેલા હુમલા અને મારપીટનો મામલો ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક પોડકાસ્ટ ક્લિપમાં સ્વતંત્ર ભારદ્વાજ નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે જ સંજય કુમારના માથા પર હુમલો કર્યો હતો. આ વીડિયોમાં તેણે રાજકીય પ્રભાવના કારણે પોતાના પર કોઈ મોટી કાનૂની કાર્યવાહી ન થઈ હોવાની વાત પણ કહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ CJPના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસ સ્ટેશને પહોંચ્યા CJP નેતાઓ અને નિશુ આઝાદ

વાઇરલ વીડિયો સામે આવ્યા બાદ CJPના પ્રવક્તા સૌરવ દાસ, સહ-સંયોજક આશુતોષ રાંકા અને નિશુ આઝાદ સહિતના અન્ય અગ્રણીઓ પટેલ ચોકથી પાર્લામેન્ટ રોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તેમની સાથે ચંદ્રશેખર આઝાદ પણ સંસદ માર્ગ થાણે પહોંચ્યા છે. CJPના આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, જંતર-મંતર ખાતે પ્રદર્શન દરમિયાન તેમના સમર્થકના પિતા સંજય કુમાર પર હુમલો થયો હતો, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓ શરૂઆતથી જ દિલ્હી પોલીસ પાસે આરોપીઓની ધરપકડ અને હત્યાના પ્રયાસનો કેસ નોંધવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.

હત્યાના પ્રયાસ અને કડક કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ

સીજેપીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ઘટનામાં સામેલ લોકો હવે પોતે જ સંજય કુમાર પર હુમલો કરવા અને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી રહ્યા છે. આમ છતાં, ભાજપના નેતા કપિલ મિશ્રા અને ભાજપના કાર્યકરોના દબાણને કારણે દિલ્હી પોલીસ આરોપીઓ સામે કોઈ જ કાનૂની કાર્યવાહી કરી રહી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને સીજેપીએ માંગ કરી છે કે વાઇરલ વીડિયોમાં હુમલો કર્યાનો સ્વીકાર કરનારા તમામ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમની સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે.

કોંગ્રેસની લીગલ ટીમ પણ મદદ માટે આગળ આવી

આ મામલે કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે અને તેની લીગલ ટીમ નિશુ આઝાદની મદદ માટે આગળ આવી છે. રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ નિશુ આઝાદે તેમની પાસે કાનૂની મદદ માંગી હતી, જેને પગલે કોંગ્રેસની લીગલ ટીમ પાર્લામેન્ટ રોડ પોલીસ સ્ટેશને પહોંચી હતી. દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ અક્ષય લકડા, નિશુ આઝાદ અને લીગલ સેલના વકીલોએ સવારે પોલીસ સ્ટેશન જઈને આરોપી સ્વતંત્ર ભારદ્વાજની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસની ટીમ એફઆઈઆરમાં હેટ સ્પીચ, ટેવાયેલા ગુનેગાર (Habitual Offender) અને SC-ST અત્યાચાર નિવારણ કાયદા (Atrocities Act) હેઠળની ગંભીર કલમો ઉમેરવાની માંગ કરી રહી છે.