India

RAC ટિકિટવાળા યાત્રીઓ માટે રેલવેની મોટી જાહેરાત, AC કોચમાં પડતી મોટી તકલીફ દૂર!

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય રેલવેએ AC કોચમાં RAC ટિકિટ પર મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે દરેક RAC મુસાફરને અલગથી સંપૂર્ણ બેડરોલ કિટ (ચાદર, તકિયો, ધાબળો) મળશે. રેલવે બોર્ડે ફરિયાદોને પગલે 4 ઑગસ્ટ, 2026ના રોજ આ આદેશ તમામ ઝોનલ રેલવેને જારી કર્યો છે. આ નિયમનો તાત્કાલિક અમલ થશે, જેથી લાખો પ્રવાસીઓને રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

RAC ટિકિટવાળા યાત્રીઓ માટે રેલવેની મોટી જાહેરાત, AC કોચમાં પડતી મોટી તકલીફ દૂર!
IMAGE - IANS

Indian Railways RAC bedroll rule: ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સમયસમય પર નિયમોમાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવે છે. આ જ શ્રેણીમાં રેલવે બોર્ડ તરફથી એસી(AC) કોચમાં આરએસી(RAC) ટિકિટ પર મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સૂચના મુજબ, હવે RAC ટિકિટ ધરાવતા દરેક મુસાફરને અલગથી પૂરી બેડરોલ કિટ આપવામાં આવશે.

શા માટે લેવાયો આ મહત્ત્વનો નિર્ણય?

અત્યાર સુધી એસી કોચમાં કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ પૂરી બેડરોલ કિટ (ચાદર, તકિયો અને ધાબળો) મળતી હતી, જ્યારે RAC ટિકિટવાળા મુસાફરોને માત્ર ચાદર અને તકિયો જ આપવામાં આવતા હતા. ઘણીવાર બે RAC મુસાફરો વચ્ચે એક જ બેડરોલ કિટ શેર કરવી પડતી હતી, જેના કારણે ધાબળો ન મળવાની ફરિયાદો રેલવે હેલ્પલાઇન પર સતત નોંધાઈ રહી હતી. આ મુશ્કેલી અને મુસાફરોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે આ નિર્ણય લીધો છે.

રેલવે બોર્ડે તમામ ઝોનને આપ્યા કડક આદેશ

રેલવે બોર્ડ દ્વારા 4 ઑગસ્ટ, 2026ના રોજ તમામ ઝોનલ રેલવેને નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, એસી ચેર કાર(AC Chair Car) સિવાયની તમામ એસી શ્રેણીઓમાં સફર કરી રહેલા દરેક RAC મુસાફરને અલગથી ચાદર, ધાબળો અને તકિયા સહિતની પૂરી બેડરોલ કિટ પૂરી પાડવામાં આવશે. આ નિયમની તુરંત અસરથી કડક અમલ કરવા માટે અધિકારીઓ, કર્મચારીઓ તેમજ IRCTCને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

લાખો મુસાફરોને મળશે મોટી રાહત

રેલવેના આ નિર્ણયથી દેશભરમાં રોજિંદા ધોરણે એસી કોચમાં RAC ટિકિટ પર મુસાફરી કરતા લાખો પ્રવાસીઓની મોટી સમસ્યા દૂર થશે અને તેમની મુસાફરી વધુ આરામદાયક બનશે.