મક્કા પેક્ટની ચર્ચા વચ્ચે ભારતે UAE સાથે કરી ડિફેન્સ ડીલ, નેક્સ્ટ જેન હથિયારો સાથે 3 મોટી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India UAE defense ties: પશ્ચિમ એશિયાની રાજનીતિમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ પ્રાદેશિક સુરક્ષા ગઠબંધનો અને 'મક્કા પૅક્ટ' જેવી ચર્ચાઓ તેજ બની છે, તો બીજી તરફ ભારત અને સંયુક્ત આરબ એમિરેટ્સ (UAE)એ પોતાના સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. ગુરુવાર, 26 નવેમ્બરના રોજ અબુ ધાબી ખાતે યોજાયેલી ભારત-UAEની 14મી જૉઇન્ટ ડિફેન્સ કો-ઑપરેશન કમિટી (JDCC)ની બેઠકમાં બંને દેશો માત્ર હથિયારોની ખરીદ-વેચાણ પૂરતા સીમિત ન રહેતા હવે સાથે મળીને આધુનિક હથિયારો અને ડિફેન્સ સિસ્ટમ બનાવવા પર સહમત થયા છે.
'નો વૉર, નો પીસ'ના માહોલમાં નવી વ્યૂહનીતિ
અબુ ધાબીમાં યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને UAEના સંરક્ષણ મંત્રાલયના અંડર સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ નાસિર એમ. અલ અલાવીએ કરી હતી. ભારતીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં વર્તમાન 'નો વૉર, નો પીસ' એટલે કે ન તો સંપૂર્ણ યુદ્ધ અને ન તો સંપૂર્ણ શાંતિ જેવા જટિલ વૈશ્વિક માહોલ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી.
જુલાઈ 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી 13મી JDCC બેઠક અને મે 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAE મુલાકાત દરમિયાન થયેલા 'ઇન્ડિયા-UAE સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ ફ્રેમવર્ક'ને જમીની સ્તરે ઝડપથી અમલમાં મૂકવા પર ભાર મુકાયો હતો. ખાડી દેશો હવે કોઈ એક જૂના જૂથ પર નિર્ભર રહેવાને બદલે ભારતની ટેક્નોલોજી અને વિશ્વસનીય ઉત્પાદન ક્ષમતા સાથે ભાગીદારી કરીને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છે.
સંરક્ષણ ક્ષેત્રે ત્રણ મોટા નિર્ણયો
આ બેઠકમાંથી ભારત અને UAEના સંરક્ષણ સહયોગને મજબૂત કરતા ત્રણ મુખ્ય પાસાઓ સામે આવ્યા છે. પ્રથમ, બંને દેશો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ-જનરેશનના આધુનિક હથિયારો અને સંરક્ષણ ઉપકરણોનું સહ-વિકાસ (કો-ડેવલપમેન્ટ) અને સહ-ઉત્પાદન (કો-પ્રોડક્શન) કરવાની પ્રક્રિયા ઝડપી બનાવશે.
બીજું, આધુનિક યુદ્ધમાં ટેક્નોલોજી અને ડેટાનું મહત્ત્વ જોતા બંને દેશો ઇનોવેશન, એડવાન્સ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સુરક્ષા, સૈન્ય તાલીમ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારશે.
ત્રીજું, આ યોજનાઓ માત્ર કાગળ પર ન રહી જાય તે માટે બંને સહ-અધ્યક્ષો આગામી JDCC બેઠક પહેલા નિયમિત સમયાંતરે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા અને દેખરેખ રાખશે.
સંરક્ષણ કંપનીઓ વચ્ચે સીધો સંવાદ અને શહીદોને શ્રદ્ધાંજલિ
સરકારી સ્તરની સમજૂતીને વાસ્તવિક રૂપ આપવા માટે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે ભારતીય સંરક્ષણ ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ પણ અબુ ધાબી પહોંચ્યું હતું. બંને દેશોની કંપનીઓ વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠકો યોજાઈ હતી, જેમાં સંયુક્ત સાહસોની તકો તપાસવામાં આવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળે UAEના તવાઝુન ઇન્ડસ્ટ્રિયલ પાર્કની મુલાકાત લઈને તવાઝુન ઇકોનોમિક કાઉન્સિલના અધિકારીઓ સાથે સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજેશ કુમાર સિંહે UAEના સંરક્ષણ રાજ્ય મંત્રી મોહમ્મદ બિન મુબારક ફાદેલ અલ મઝરૂઈ સાથે મુલાકાત કરીને પ્રાદેશિક ભૂ-રાજકીય સ્થિતિ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વતી શુભેચ્છાઓ પાઠવી હતી. અગાઉ તેમણે અબુ ધાબીના રાષ્ટ્રીય સ્મારક 'વહત અલ કરામા' ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
પહાડથી લઈને સમુદ્ર સુધી મજબૂત થતો સૈન્ય તાલમેલ
ભારત અને UAE વચ્ચેનો આ સંરક્ષણ સહયોગ જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય મોરચે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઑક્ટોબર 2026માં ઉત્તરાખંડના ચૌબટિયા ખાતે 5થી 18 ઑક્ટોબર દરમિયાન બંને દેશોની સેનાઓએ 'માઉન્ટેન ગાર્જિયન 2026' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો હતો. તેમાં ભારતીય સેનાની ભૈરવ બટાલિયન અને UAEની માઉન્ટેન ઇન્ફૅન્ટ્રી બટાલિયનના 92 જવાનોએ પહાડી વિસ્તારોમાં યુદ્ધ, ડ્રોન ઓપરેશન અને નિરીક્ષણની તાલીમ લીધી હતી. તે પહેલા સપ્ટેમ્બર 2026માં અબુ ધાબીમાં 10મી 'નેવી સ્ટાફ ટોક્સ' પણ યોજાઈ હતી. વેપાર અને સાંસ્કૃતિક સંબંધોથી શરૂ થયેલી બંને દેશોની મિત્રતા હવે ભવિષ્યના સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી બની ચૂકી છે.




