India

પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ, ગાઝિયાબાદની હચમચાવતી ઘટના

By GS Team
12 Jul 20263 mins read
TukuTouch Logo
ગાઝિયાબાદના રાજનગર એક્સ્ટેન્શનમાં એક નિર્માણાધીન મોલમાંથી 7 વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. પરિવારનો આરોપ છે કે, બાળકીને લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારી હત્યા કરાઈ છે. પોલીસે 1 પુખ્ત આરોપીની ધરપકડ કરી છે અને 1 સગીરને કસ્ટડીમાં લીધો છે. CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરાઈ છે. આ ઘટનાએ બાળકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ, ગાઝિયાબાદની હચમચાવતી ઘટના

POCSO Act Ghaziabad: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રાજનગર એક્સ્ટેન્શન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન મોલના બેઝમેન્ટમાંથી 7 વર્ષની માસૂમ બાળકીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારનો આરોપ છે કે બાળકીને લાલચ આપીને અંદર લઈ જવામાં આવી હતી અને સામૂહિક દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી દેવાઈ છે. આ મામલે પોલીસે એક પુખ્ત વયના આરોપીની ધરપકડ કરી છે અને એક સગીરને કસ્ટડીમાં લીધો છે.

'હમણાં તો અહીં જ રમતી હતી…' અને બાળકી ગાયબ થઈ ગઈ

શુક્રવારે સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ આ ઘટનાની શરૂઆત થઈ હતી. બાળકીના માતા-પિતા આ જ નિર્માણાધીન મોલમાં મજૂરી કામ કરે છે. દિવસભરનું કામ પૂરું થવા આવ્યું હોવાથી બાળકી રોજની જેમ આસપાસ જ રમી રહી હતી. પરંતુ અચાનક તે નજરે પડતી બંધ થઈ ગઈ. શરૂઆતમાં પરિવારે વિચાર્યું કે તે અન્ય બાળકો સાથે રમતી હશે, પરંતુ લાંબી શોધખોળ અને બૂમો પાડવા છતાં પણ જ્યારે તેનો કોઈ પતો ન લાગ્યો ત્યારે પરિવારની ચિંતા વધી ગઈ.

મોડી રાત્રે બેઝમેન્ટ-2માંથી મળી આવ્યો મૃતદેહ

બાળકી ન મળતા આખરે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, મોડી રાત્રે આશરે 1 વાગ્યે ડાયલ-112 પર પોલીસને માહિતી મળી કે નિર્માણાધીન મોલના બેઝમેન્ટ-2માં એક બાળકીનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતાની સાથે જ નંદગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર બેઝમેન્ટને કોર્ડન કરી લીધું હતું અને પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) તેમજ ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી.

પડીકાની લાલચ આપી આચરવામાં આવ્યું પાપ

બાળકીના પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓએ માસૂમને પડીકાની લાલચ આપીને મોલની અંદર બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે ગેંગરેપ આચરી, હત્યા કરીને લાશને બેઝમેન્ટમાં ફેંકી દીધી હતી. પરિવાજના સભ્યોએ જણાવ્યું કે જ્યારે તેમણે બાળકીનો મૃતદેહ જોયો ત્યારે તે લોહીથી લથપથ હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હતા. પીડિત પરિવારે ન્યાયની અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માગ કરી છે.

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ

નંદગ્રામના કાર્યકારી એસીપી પ્રિયાશ્રી પાલે જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે તાત્કાલિક ટેકનિકલ પુરાવા અને મોલ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. ફૂટેજના આધારે બે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ થઈ હતી, જેમાંથી એક પુખ્ત વયના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક સગીર વયના કિશોરને પકડવામાં આવ્યો છે. બંને વિરૂદ્ધ હત્યા, દુષ્કર્મ અને પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા મોટા સવાલ

આ ઘટનાએ નિર્માણાધીન સાઇટ્સ પર રહેતા મજૂર પરિવારોના બાળકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. જ્યાં સેંકડો મજૂરો કામ કરે છે અને તેમના પરિવારો ત્યાં જ રહે છે, ત્યાં બાળકોની સુરક્ષાની જવાબદારી કોની? શું મોલમાં આવતા-જતા લોકો પર કોઈ દેખરેખ નહોતી? બેઝમેન્ટ જેવા અવાવરુ અને સુનસાન હિસ્સા સુધી કોઈ પણ વ્યક્તિ આટલી સરળતાથી કેવી રીતે પહોંચી શકે? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેનાથી બાળકીના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.