ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Elon Musk Starlink India: અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પરના દાવાને કેન્દ્ર સરકારે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ઈલોન મસ્કે ભારતની સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસિસની નિયમનકારી પ્રણાલી પર પક્ષપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકારે આ ટિપ્પણીઓને પાયાવિહોણી અને ગેરસમજથી ભરેલી ગણાવી છે.
'સ્ટારલિંક' અંગે ઈલોન મસ્કના દાવા અને સરકારનો જવાબ
સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે દેશમાં 'અમુક અબજોપતિઓ' દ્વારા ઇરાદાપૂર્વક સ્ટારલિંકને બ્લોક કરવામાં આવી રહી છે, જેથી તેઓ દેશ પર પોતાની મોનોપોલી જાળવી શકે. આ આક્ષેપોના જવાબમાં કેન્દ્રીય સંચાર મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશે તમામ ટેલિકોમ સેવાઓ માટે સમાન અને બિન-પક્ષપાતી અધિકૃતતા માળખું તૈયાર કર્યું છે.
સુરક્ષા ધોરણો અને લાઇસન્સની પ્રક્રિયા
સત્તાવાર નિવેદન અનુસાર, ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ શરૂ કરવા માટેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે અત્યાર સુધીમાં ત્રણ ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન (GMPCS) કંપનીઓને ટેલિકોમ લાઇસન્સ આપવામાં આવ્યા છે. તમામ લાયસન્સ ધારકો માટે સુરક્ષા શરતોનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી વપરાશકર્તાઓ અને તેમના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. હાલમાં આ ત્રણેય લાયસન્સ ધારકો માટે સુરક્ષા મૂલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે.
તમામ કંપનીઓ માટે સમાન નિયમો લાગુ
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પેક્ટ્રમ ફાળવણી માટે આગળ વધી શકાશે. હાલમાં તમામ ત્રણ સંસ્થાઓ નિયમનકારી સ્તરે સમાન તબક્કે છે. આથી, ભારતનું નિયમનકારી માળખું અન્યાયી કે પક્ષપાતી છે તેવું સૂચન કરવું સંપૂર્ણપણે આધારહીન છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ સેવાઓ શરૂ કરવા માટે અંતિમ મંજૂરીઓની રાહ જોઈ રહેલી સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને લઈને આ વિવાદ સામે આવ્યો હતો.




