Explainer: કેન્દ્રીય કર્મચારીઓ માટે HRAના નવા નિયમો, જો કઈ વિગતો છુપાવશો તો નહીં મળે ભથ્થું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Central Govt Employees HRA Rules 2026: કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં HRA (House Rent Allowance) એટલે કે મકાન ભાડા ભથ્થું ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ ભથ્થું મેળવવા માટે સરકારે કેટલાક કડક નિયમો બનાવ્યા છે? જો તમે HRAનો દાવો કરતી વખતે નાની પણ ભૂલ કરશો, તો તમારા પૈસા રોકાઈ શકે છે. જો ખોટી માહિતી આપી હશે, તો અગાઉ ચૂકવાયેલા પૈસાની કડક વસૂલાત (Recovery) પણ થઈ શકે છે. તાજેતરમાં નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા HRAના દાવા, પ્રમાણપત્રો અને ચુકવણીને લગતી સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
ચાલો, સમજીએ કે આ નિયમો શું છે અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
પ્રથમ વાર HRA ક્લેમ માટે Annexure-II પ્રમાણપત્ર છે ફરજિયાત
નાણા મંત્રાલયના નિર્દેશો મુજબ, જ્યારે કોઈ કેન્દ્રીય કર્મચારી પ્રથમ વખત HRA માટે દાવો કરે છે, ત્યારે તેણે પરિશિષ્ટ-II (Annexure-II) ફોર્મેટમાં એક પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત છે. આ પ્રમાણપત્ર સબમિટ કર્યા વિના HRAની ચુકવણી થઈ શકતી નથી.
શું દર મહિને આ પ્રમાણપત્ર આપવું પડશે?
ના, નિયમોમાં સ્પષ્ટપણે ‘પ્રથમ દાવો’ (First Claim)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે એકવાર તમારું HRA ચાલુ થઈ જાય પછી તમારે દર મહિને કે નિયમિત અંતરાલે આ પ્રમાણપત્ર ફરીથી જમા કરાવવાની જરૂર રહેતી નથી.
જો તમારી સ્થિતિમાં ફેરફાર થાય તો શું કરવું?
ભલે દર મહિને ફોર્મ ભરવાનું નથી, પરંતુ જો તમારી રહેઠાણની સ્થિતિમાં કોઈ એવો ફેરફાર થાય કે જેનાથી HRAની પાત્રતા પર અસર પડતી હોય, તો તમારે તરત જ તમારી ઓફિસને તેની જાણ કરવી પડશે. જેમ કે…
- જો તમને સરકારી આવાસ મળી જાય.
- જો તમારા પતિ કે પત્નીને તે જ સ્ટેશન(શહેર)માં સરકારી રહેઠાણ ફાળવવામાં આવે.
- પરિવારના કોઈ સભ્યના રહેઠાણ કે HRA દરજ્જામાં ફેરફાર થાય.
જો તમે આવી માહિતી છુપાવશો, ખોટી માહિતી આપશો અથવા પાત્રતા પૂરી થયા પછી પણ HRA મેળવવાનું ચાલુ રાખશો, તો નિયમો અનુસાર તમારી પાસેથી વધારાના ચૂકવાયેલા પૈસાની વસૂલાત કરવામાં આવશે.
ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ અધિકારી કર્મચારી માટે જુદા નિયમો
HRA પ્રમાણપત્ર કોને જમા કરાવવું તે કર્મચારીના હોદ્દા પર આધાર રાખે છે.
- બિન-રાજપત્રિત કર્મચારીઓ (Non-Gazetted): આ કર્મચારીઓએ પોતાનું Annexure-II પ્રમાણપત્ર તેમના કાર્યાલયના વડા (Head of Office)ને સબમિટ કરવાનું રહેશે.
- રાજપત્રિત અધિકારીઓ (Gazetted): આ અધિકારીઓએ પોતાનું પ્રમાણપત્ર સંબંધિત એકાઉન્ટ્સ અધિકારી (Accounts Officer)ને સબમિટ કરવાનું રહેશે.
આ બંને કિસ્સામાં પ્રમાણપત્ર પર કર્મચારીનું નામ, હોદ્દો અને સહી હોવી ફરજિયાત છે. જે ઘોષણાઓ કર્મચારીને લાગુ ન પડતી હોય, તેને નિર્ધારિત ફોર્મેટ મુજબ રદ (Strike-off) કરવાની રહેશે.
HRA પ્રમાણપત્ર (Annexure-II)માં કઈ 4 મુખ્ય જાહેરાત હોય છે?
આ નવા પરિશિષ્ટ-IIમાં કર્મચારીએ મુખ્યત્વે 4 બાબતોની ઘોષણા કરવાની રહેશે.
1) કર્મચારી અથવા તેનો પરિવાર પોતાનું ઘર ધરાવે છે કે ભાડાના મકાનમાં રહે છે.
2) પરિવારનો કોઈ સભ્ય તેને ફાળવવામાં આવેલા સરકારી રહેઠાણમાં રહે છે કે નહીં.
3) પરિવારનો કોઈ અન્ય સભ્ય (જેમ કે માતા-પિતા, પતિ કે પત્ની) બીજે ક્યાંયથી HRA મેળવી રહ્યો છે કે નહીં.
4) કર્મચારીના પતિ અથવા પત્નીને એક જ સ્ટેશન (શહેર) પર સરકારી રહેઠાણ મળેલું છે કે નહીં.
જૂના ફોર્મને બદલે હવે નવું ફોર્મેટ (2022) જ ચાલશે
દેશભરમાં અનેક સરકારી કચેરીઓમાં હજુ પણ 23 સપ્ટેમ્બર, 1986ના જૂના નિયમો વાળા ફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં સરકારી આવાસની અરજી, ફાળવણી અને ભાડા અંગે ઘણી વધારાની વિગતો માંગવામાં આવતી હતી. પરંતુ, 30 ડિસેમ્બર, 2022ના રોજ નવી સંકલિત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે કચેરીઓએ આ નવા Annexure-II ફોર્મેટનો જ ઉપયોગ કરવાનો રહેશે, જેમાં માત્ર ઉપર જણાવેલી 4 મુખ્ય ઘોષણાઓ જ છે.
આ ઉપરાંત 5 માર્ચ, 2019ના સૂચનો હેઠળ GPRA અરજી અને HRAનો દાવો કરતી વખતે 'નો રહેઠાણ પ્રમાણપત્ર' (No Accommodation Certificate) આપવાની જરૂરિયાત પણ નાબૂદ કરવામાં આવી છે.
DDO અને એકાઉન્ટિંગ અધિકારીની મહત્ત્વની જવાબદારીઓ
HRAની ચુકવણી કરવામાં DDO (Drawing and Disbursing Officer)ની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. ફકરા 7.2.3 મુજબ…
- HRAની રકમ વિતરિત કરતા પહેલા DDO એ ખાતરી કરવી પડશે કે કર્મચારીની પાત્રતા લાગુ નિયમો અનુસાર ચકાસાઈ છે અને યોગ્ય પ્રમાણપત્ર અપાયું છે.
- પગાર બિલમાં DDO એ પ્રમાણિત કરવું પડશે કે તેઓ કર્મચારીની HRA પાત્રતાથી સંતુષ્ટ છે અને ચુકવણી નિયમો અનુસાર જ થઈ રહી છે.
- ઓફિસ હેડ અને એકાઉન્ટિંગ અધિકારીએ પણ ચકાસવું પડશે કે પ્રમાણપત્ર સંપૂર્ણ રીતે ભરેલું છે અને પાત્રતા સંબંધિત તમામ હકીકતો સાચી છે.
7મા પગાર પંચ મુજબ વર્તમાન HRAના દરો
જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું (DA) 50%ને પાર કરી ગયું હોવાથી, 7મા પગાર પંચ મુજબ HRAના દરોમાં પણ વધારો થયો છે. વર્તમાન HRAના દરો આ પ્રમાણે લાગુ છે.
- X ક્લાસ શહેરો (વસ્તી 50 લાખ કે તેથી વધુ): બેઝિક પગારના 30%
- Y ક્લાસ શહેરો (વસ્તી 5 લાખથી વધુ અને 50 લાખથી ઓછી): બેઝિક પગારના 20%
- Z ક્લાસ શહેરો (વસ્તી 5 લાખથી ઓછી): બેઝિક પગારના 10%.




