રીલ્સ બનાવો અને 3 લાખ મેળવો! બિહાર ટુરિઝમ વિભાગે ઈન્ફ્લુએન્સર માટે લોન્ચ કરી અનોખી સ્પર્ધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shravani Mela video competition: બિહારના પ્રખ્યાત અને ઐતિહાસિક શ્રાવણી મેળાને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપવા માટે બિહાર ટુરિઝમ વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ વર્ષે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મેળાની ભવ્યતાને લોકો સુધી પહોંચાડવા માટે દેશભરના સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે એક રાષ્ટ્રવ્યાપી વીડિયો મેકિંગ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કાવડિયા પરંપરા અને શ્રાવણી મેળાની આધ્યાત્મિક સુંદરતાને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા પાયે લોકો સમક્ષ રજૂ કરવાનો છે. ટુરિઝમ સચિવ લોકેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ કોમ્પિટિશનનું નામ 'શ્રાવણી મેળા 2026: એન ઇન્ફ્લુએન્સર્સ પર્સ્પેક્ટિવ' રાખવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રવાસન વિભાગ દ્વારા કેટલીક મહત્ત્વની શરતો પણ નક્કી કરવામાં આવી છે.
સ્પર્ધામાં ભાગ લેવા માટેની જરૂરી લાયકાત
આ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં માત્ર એવા જ ક્રિએટર્સ ભાગ લઈ શકશે જેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, x અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કુલ મળીને ઓછામાં ઓછા 25,000 ફોલોઅર્સ હોય. આ ઉપરાંત, અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી અનિવાર્ય છે.
વિજેતાઓ માટે લાખો રૂપિયાના ઇનામોની જાહેરાત
સ્પર્ધામાં ભાગ લેનારા ક્રિએટર્સ માટે પ્રવાસન વિભાગે આકર્ષક રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ સ્પર્ધા અંતર્ગત આપવામાં આવનારા ઇનામોની વિગત નીચે મુજબ છે:
પ્રથમ પુરસ્કાર: ₹3,00,000 લાખ
દ્વિતીય પુરસ્કાર: ₹2,00,000 લાખ
તૃતીય પુરસ્કાર: ₹1,00,000 લાખ
ચોથો પુરસ્કાર: ₹50,000-₹50,000 (બે વિજેતાઓ માટે)
સાંત્વના પુરસ્કાર: ₹25,000-₹25,000 (પાંચ વિજેતાઓ માટે)
વીડિયો સબમિશન માટેના નિયમો અને મહત્ત્વની તારીખો
સ્પર્ધા માટે બનાવવામાં આવનાર વીડિયો અથવા રીલ્સનો સમયગાળો 30 સેકન્ડથી લઈને 2 મિનિટ વચ્ચેનો હોવો જોઈએ. આ વીડિયો સંપૂર્ણપણે શ્રાવણી મેળા અને મુંગેર, બાંકા તથા ભાગલપુરથી પસાર થતા કાવડિયા રૂટ પર જ કેન્દ્રિત હોવો જરૂરી છે.
આ વર્ષે શ્રાવણી મેળો 30 જુલાઈથી 28 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાશે. સ્પર્ધાના નિયમ મુજબ, તમામ સ્પર્ધકોએ મેળાની પહેલા સોમવાર (3 ઓગસ્ટ, 2026) પછી આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવાનો રહેશે. ત્યારબાદ, બીજા સોમવારના બે દિવસની અંદર આ વીડિયોને પ્રવાસન વિભાગના સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. વીડિયો સબમિટ કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ, 2026 નક્કી કરવામાં આવી છે.
AIનો ઉપયોગ કરનારા ક્રિએટર્સ થશે ડિસક્વોલિફાય
પ્રવાસન વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે સ્પર્ધા માટે સબમિટ કરવામાં આવેલો વીડિયો સંપૂર્ણપણે ઓરિજિનલ અને એચડી (HD) ક્વોલિટીમાં જિયો-ટેગ સાથે હોવો જોઈએ. વીડિયોમાં કોઈ પણ પ્રકારનું વાંધાજનક કન્ટેન્ટ, વોટરમાર્ક કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
જો કોઈ વીડિયોમાં AIનો ઉપયોગ થયેલો જોવા મળશે, તો તે એન્ટ્રીને તરત જ રદ કરવામાં આવશે. વિજેતાઓની પસંદગી વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ખાસ જ્યુરી અને સોશિયલ મીડિયા પર 45 દિવસ સુધી મળનારા રીચ, લાઈક્સ અને શેર્સના આધારે કરવામાં આવશે.









