અમરનાથ યાત્રા અનિશ્ચિતકાળ માટે મોકૂફ, ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓને કારણે મોટો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amarnath Yatra 2026 suspended: ઉત્તર કાશ્મીરના બાલતાલ અને દક્ષિણ કાશ્મીરના પહલગામ—બંને રૂટ પરના ટ્રેક ક્ષતિગ્રસ્ત થવાને કારણે તથા હવામાન વિભાગની પ્રતિકૂળ આગાહીને પગલે અમરનાથ યાત્રા (SANJY-2026) અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેઝ કેમ્પ તરફ જતા બંને રસ્તાઓને પહોંચેલા નુકસાનનું સમારકામ કરવામાં લાંબો સમય લાગશે. આથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ અને બેઝ કેમ્પમાં રહેલા તમામ શ્રદ્ધાળુઓને પોતપોતાના ઘરે પરત ફરવાની વિનંતી કરવામાં આવી છે.
રજિસ્ટ્રેશન બંધ અને 'છડી મુબારક' અંગે નિર્ણય
યાત્રા સ્થગિત થતાં જ આ વર્ષ માટેનું નવું રજિસ્ટ્રેશન પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયું છે. હવે શ્રદ્ધાળુઓને કાશ્મીર ઘાટી તરફ આગળ વધવા દેવામાં આવશે નહીં, પરંતુ પરંપરાગત પહલગામ માર્ગેથી ભગવાન શિવની પવિત્ર 'છડી મુબારક' ગુફા મંદિર પહોંચશે અને 28 ઓગસ્ટે યાત્રાનું વિધિવત સમાપન થશે. આ ઉપરાંત, હાલ જમ્મુ-કાશ્મીરમાં માત્ર ઘાટીમાંથી યાત્રિકોને સુરક્ષિત રીતે પરત લાવતા વાહનોના કન્વોયને જ મંજૂરી આપવામાં આવી રહી છે.
4.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બરફાનીના દર્શન
3 જુલાઈથી શરૂ થયેલી 57 દિવસીય અમરનાથ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 4.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સમુદ્ર સપાટીથી 3880 મીટરની ઊંચાઈએ આવેલા પવિત્ર ગુફા મંદિરમાં બાબા બરફાનીના દર્શન કરી ચૂક્યા છે. હિમાલયની પહાડીઓમાં સ્થિત આ પવિત્ર ગુફામાં બરફનું શિવલિંગ (સ્ટેલેગ્માઇટ) બને છે, જે ચંદ્રની કળા સાથે ઘટે અને વધે છે. ભક્તોમાં એવી ગાઢ આસ્થા છે કે બરફનું આ શિવલિંગ ભગવાન શિવની દિવ્ય અને અલૌકિક શક્તિઓનું પ્રતીક છે.
આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી અને સુરક્ષા વ્યવસ્થા
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પવિત્ર ગુફા અને પહાડી વિસ્તારની ભૌગોલિક સ્થિતિને જોતાં ખરાબ હવામાનના કારણે બંને રૂટ પર જોખમ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા કારણોસર આ વર્ષે બેઝ કેમ્પથી આગળનો વિસ્તાર 'નો ફ્લાય ઝોન' જાહેર કરાયો હોવાથી હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ નહોતી. જોકે, જમ્મુ-કાશ્મીર પોલીસ, સીએપીએફ (CAPF) અને ભારતીય સેનાના 24 કલાકના સતત કડક બંદોબસ્તને કારણે આ વર્ષની અમરનાથ યાત્રા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ છે.









