ઝેપ્ટો, ઈન્ડિગો, ફિઝિક્સવાલા, બુક માય શો જેવી 9 એપ્સને 20 લાખનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટીની ડાર્ક પેટર્ન બદલ કાર્યવાહી
- એપ્સમાં બુકિંગ વખતે જે કિંમત બતાવતી હતી તેમાં હેન્ડલિંગ ચાર્જ વગેરે ઉમેરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા
નવી દિલ્હી : કેન્દ્ર સરકારી એજન્સી સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ડાર્ક પેટર્ન ધ્યાનમાં આવતા નવ એપ્સ સામે પગલાં ભર્યા છે. ડાર્ક પેટર્ન એટલે એવી ચાલાકી કે જેમાં ગ્રાહકને ઓરિજિનલ ભાવ કંઈક જુદો બતાવે ને પછી પેમેન્ટ કરીએ ત્યારે ખબર પણ ન પડે એ રીતે વધારાના ચાર્જ વસૂલી લેવામાં આવે છે. એપમાં ભ્રામક દાવો કરીને ગ્રાહક સાથે થતી આવી છેતરપિંડીને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે. હવે દેશમાં આવું કરનારી એપ્સને દંડ થયો છે.
કેન્દ્ર સરકારની સ્ટેચ્યૂટરી બોડી સેન્ટ્રાલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઝેપ્ટો, બુક માય શો, ઈન્ડિગો, ફિઝિક્સવાલા, ફર્સ્ટક્રાય, અનુજ જિંદાલ, ફાર્માઈઝી, સ્પાઈસજેટ, મેકફ્રી - એમ નવ એપ્સને ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ઝેપ્ટોને સાત લાખ રૂપિયાનો દંડ થયો હતો. ફિઝિક્સવાલાને પાંચ લાખની પેનલ્ટી ભરવી પડશે. ડાર્ક પેટર્નની એક્ટિવિટી બદલ આ એપ્સને એક લાખ રૂપિયાથી માંડીને મેક્સિમમ ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થયો છે.
સીસીપીએના ધ્યાનમાં આવ્યું હતું કે આ કંપનીઓ બુકિંગ વખતે જુદી રકમ બતાવતી હતી. એ પછી હેન્ડલિંગ ચાર્જ અથવા તો ચેરિટીના નામે એક રૂપિયાથી લઈને ૫૦-૧૦૦ રૂપિયા સુધીની રકમ વસૂલતી હતી. ઝેપ્ટો મેમ્બરશિપના નામે આવી રકમ વસૂલતી હતી. સામાન્ય રીતે મેમ્બરશિપ માટે ગ્રાહકને ઓપ્શન આપવામાં આવે છે, પરંતુ ઝેપ્ટોમાં મેમ્બરશિપની આપોઆપ જોડી દેવામાં આવતી હતી. બુક માય શોમાં પણ આપમેળે બુકિંગ વખતે બુકએસ્માઈલ નામથી એક રૂપિયો વસૂલાતો હતો. એમાં વિકલ્પ આપવામાં આવતો ન હતો તેના કારણે દંડ થયો હતો. આવી ઘણી એપ્સ તેની રીતે જ અમુક રકમ ઉમેરીને ગ્રાહક પાસેથી વસૂલી લેતી હોય છે. ઘણી વખત રકમ ખૂબ નાની હોવાથી ગ્રાહકને તુરંત તેનો ખ્યાલ પણ આવતો નથી.
ઓછા રૂપિયામાં સર્વિસ ઓફર કર્યા બાદ જ્યારે પેમેન્ટ કરવા સુધી ગ્રાહક પહોંચે ત્યારે એક નહીં તો બીજા નામે રકમ ઉમેરી દેવાતી જોવા મળી હતી. તેને બાસ્કેટ સ્નીચિંગ કહેવામાં આવે છે. એટલે કે છેલ્લે બાસ્કેટમાં રકમ ઉમેરીને ગ્રાહકને ગેરમાર્ગે દોરવામાં આવે છે. પહેલાંથી તેની જાણકારી આપવામાં આવતી નથી.









