8th Pay Commission: નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આ પંચની જોગવાઈઓ આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણાશે. જોકે, તેનો વાસ્તવિક લાભ મળતા થોડો સમય લાગી શકે છે. આ નિર્ણયથી દેશના અંદાજે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત પેન્શનરોને સીધો ફાયદો થશે.
સેલેરીમાં કેટલો થઈ શકે છે વધારો?
8મા પગાર પંચના અમલીકરણ બાદ કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં મોટો ફેરફાર જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અને નિષ્ણાતોના મતે, જો 'ફિટમેન્ટ ફેક્ટર'ના આધારે ગણતરી કરવામાં આવે, તો લઘુત્તમ બેઝિક સેલેરી ₹18,000થી વધીને સીધી ₹51,480 સુધી પહોંચી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 રાખવામાં આવે જેને અત્યારના સંજોગોમાં નિષ્ણાતો યોગ્ય માની રહ્યા છે), તો તે મુજબ બેઝિક સેલેરીમાં આટલો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો
પગાર લેવલ:
લેવલ 1: એન્ટ્રી-લેવલ / ગ્રુપ D કર્મચારીઓ
લેવલ 2–9: ગ્રુપ C કર્મચારીઓ
લેવલ 10–12: ગ્રુપ B કર્મચારીઓ
લેવલ 13–18: ગ્રુપ A કર્મચારીઓ
શું મોંઘવારી ભથ્થું(DA) બંધ થશે?
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર સરકારે સ્પષ્ટતા કરી છે કે મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિવૃત્તિ પછીના લાભો અને DA વધારો માત્ર ત્યારે જ અટકાવી શકાય જો કોઈ કર્મચારીને ગંભીર ગેરવર્તણૂક માટે બરતરફ કરવામાં આવ્યો હોય. સામાન્ય સંજોગોમાં આ લાભો ચાલુ રહેશે.
ક્યારથી મળશે એરિયર્સ અને વધેલો પગાર?
8મા પગાર પંચની ભલામણો સત્તાવાર રીતે 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણવામાં આવશે, પરંતુ તેના અંતિમ રિપોર્ટ અને વાસ્તવિક અમલીકરણમાં થોડો વિલંબ થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે, પગાર પંચને તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સોંપવા માટે સામાન્ય રીતે 18 મહિના જેટલો સમય આપવામાં આવતો હોય છે, જેના કારણે નવી પગાર મર્યાદાની અંતિમ જાહેરાત 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં થઈ શકે છે. જોકે, કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે નિયમ મુજબ તેમને 1 જાન્યુઆરી, 2026થી લઈને અમલીકરણની વાસ્તવિક તારીખ સુધીનો તફાવત એટલે કે એરિયર્સ (બાકી રકમ) એકસાથે ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: 'અરે, છોડો યાર... ફાલતુ સવાલ ન કરો...', 10ના મોત પર ભાજપના મંત્રીનું બેજવાબદાર નિવેદન
શા માટે જરૂરી છે 8મું પગાર પંચ?
સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે જેથી વધતી મોંઘવારી અને આર્થિક સ્થિતિ મુજબ કર્મચારીઓના પગારનું મૂલ્યાંકન થઈ શકે. 7મું પગાર પંચ 2016માં અમલમાં આવ્યું હતું, જેની મુદત હવે પૂર્ણ થઈ રહી છે. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 સુધી રહેવાની પણ શક્યતા છે, જે જો સાચું ઠરશે તો કર્મચારીઓના પગારમાં બમ્પર ઉછાળો જોવા મળશે.


