LPG Cylinder Price Hike : નવા વર્ષ 2026ની શરૂઆત મોંઘવારીના મોટા ઝટકા સાથે થઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કર્યો છે. 1 જાન્યુઆરી, 2026થી દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે.
મુખ્ય શહેરોમાં નવા ભાવ
1 જાન્યુઆરી, 2026થી લાગુ થયેલા નવા દરો મુજબ, દેશના મુખ્ય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:
દિલ્હી: અહીં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹1580.50 થી વધીને હવે ₹1691.50 થઈ ગયો છે.
કોલકાતા: કોલકાતામાં સિલિન્ડરનો ભાવ ₹1684 થી વધીને ₹1795 પર પહોંચી ગયો છે.
મુંબઈ: મુંબઈમાં જે સિલિન્ડર ₹1531.50 માં મળતો હતો, તેની કિંમત હવે ₹1642.50 થઈ ગઈ છે.
ચેન્નઈ: ચેન્નઈમાં ભાવ ₹1739.5 થી વધીને ₹1849.50 કરવામાં આવ્યો છે.
સતત બે મહિનાના ઘટાડા બાદ વધારો
આ ભાવવધારો સતત બે મહિનાના ઘટાડા બાદ આવ્યો છે. આ પહેલા 1 ડિસેમ્બર, 2025ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી અને કોલકાતામાં ₹10 જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં ₹11નો ઘટાડો થયો હતો. નવેમ્બર 2025માં પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર
એક તરફ જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યાં 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ એપ્રિલ 2025ના સ્તર પર જ સ્થિર છે. હાલમાં ઘરેલુ સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:
દિલ્હી: ₹853
કોલકાતા: ₹879
મુંબઈ: ₹852
ચેન્નઈ: ₹868


