Kailash Vijayvargiya News : મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં દૂષિત પાણીના સપ્લાયને કારણે થયેલી ભયાનક દુર્ઘટના બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઘટનાને લઈને સવાલ પૂછવા પર રાજ્યના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય મીડિયા પર ગુસ્સે ભરાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમણે માફી માંગી હતી.
શું છે સમગ્ર ઘટના?
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થવાને કારણે ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયું હતું. આ દૂષિત પાણી પીવાથી વિસ્તારમાં ઉલટી-ઝાડાનો રોગચાળો ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 2000થી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે, જેમાંથી સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે એક તપાસ સમિતિની રચના કરી છે. તેમણે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને એકને સેવામાંથી બરતરફ કરી દીધા છે. સરકાર પ્રભાવિતોના સારવારનો ખર્ચ ઉઠાવી રહી છે અને ટેન્કરો દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી રહી છે.
મંત્રી વિજયવર્ગીયનો વિવાદિત જવાબ
બુધવારે એમજીએમ મેડિકલ કોલેજમાં મુખ્યમંત્રીની બેઠક બાદ, કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય (જેમનો વિધાનસભા ક્ષેત્ર ઇન્દોર-1 ભાગીરથપુરામાં આવે છે) બહાર નીકળ્યા હતા. તે સમયે એક પત્રકારે તેમને સવાલ પૂછ્યો કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને હજુ સુધી રિફંડ કેમ નથી મળ્યું અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કેમ નથી થઈ?
આ સવાલ પર મંત્રી ભડકી ગયા અને બોલ્યા, "અરે છોડો યાર, ફાલતુ સવાલો ન પૂછો." જ્યારે પત્રકારે ફરીથી આગ્રહ કર્યો, ત્યારે તેમણે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. આ દરમિયાન, એક સ્થાનિક કોર્પોરેટર (કમલ વાઘેલા)એ પણ પત્રકાર સાથે ઉગ્ર દલીલ કરી હતી.
વીડિયો વાયરલ થયા બાદ મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. વિવાદ વધતા, મોડી રાત્રે મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ X (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને માફી માંગી. તેમણે લખ્યું: "હું અને મારી ટીમ છેલ્લા બે દિવસથી ઊંઘ્યા વગર પ્રભાવિત વિસ્તારમાં સતત પરિસ્થિતિ સુધારવામાં લાગેલા છીએ. દૂષિત પાણીથી મારા લોકો પીડિત છે અને કેટલાક આપણને છોડીને ચાલ્યા ગયા છે, આ ઊંડા દુઃખની સ્થિતિમાં મીડિયાના એક સવાલ પર મારા શબ્દો ખોટા નીકળી ગયા. તે માટે હું ખેદ વ્યક્ત કરું છું. પરંતુ જ્યાં સુધી મારા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ નહીં થઈ જાય, ત્યાં સુધી હું શાંત નહીં બેસીશ."
રાજકીય ગરમાવો
કોંગ્રેસે મંત્રીના આ નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. પાર્ટીએ આને "સત્તાના અહંકારનું પ્રતિક" ગણાવ્યું અને માંગ કરી કે મંત્રી જાહેરમાં માફી માંગે. વિપક્ષનું કહેવું છે કે સ્વચ્છતાના દાવાઓ છતાં આવી બેદરકારી વહીવટીતંત્રની નિષ્ફળતા દર્શાવે છે. બીજી તરફ, વહીવટીતંત્રનો દાવો છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


