70% જેન ઝી યુવાનોએ વહેલું રિટાયરમેન્ટ લેવું છે, પણ માત્ર 11% પાસે પૂરતા નાણાં! જાણો શું છે એના કારણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વહેલા રિટાયરમેન્ટ માટે Gen-Z ની તૈયારી: સપનું સોનેરી, પણ રસ્તો કેટલો કઠિન?
- રિટાયરમેન્ટ પ્લાનિંગ: શું 1 કરોડ રૂપિયા હવે પૂરતા છે? જાણો આજના યુવાનોની આર્થિક હકીકત
- રિટાયરમેન્ટ રિપોર્ટનું કડવું સત્ય: વહેલી નિવૃત્તિ લેવાનું આયોજન તો છે, પણ બચત નથી, દેશના 91% નોકરિયાતો શેનો અફસોસ કરે છે?
Gen-Z Early Retirement Plans : રિટાયરમેન્ટ (નોકરીમાંથી નિવૃત્તિ) એટલે 58-60 વર્ષે બનતી ઘટના, એવી આપણી સૌની સમજ રહી છે, કેમ કે આજ સુધી આપણે નોકરિયાત લોકોને આટલી ઉંમરે જ રિટાયર થતા જોયા છે. પરંતુ દુનિયા હવે ઝડપથી બદલાઈ રહી છે. ખાસ કરીને જેન ઝીના વિચાર રિટાયરમેન્ટ બાબતે ખાસ્સા અલગ છે. 1990 ના દાયકાના અંતથી 2010 ની વચ્ચે જન્મેલી આ પેઢીના યુવાનો ઝડપથી પૈસો કમાઈને, ખૂબ બધી બચત કરીને વહેલા નિવૃત્ત થઈ જવા માંગે છે, જેથી પાછલી જિંદગીમાં આરામથી જીવી શકાય, હરીફરી શકાય. તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ, મોટાભાગના યુવાનો વહેલા રિટાયર થવા તો માંગે છે, પણ તેમની પાસે ભવિષ્ય માટે પૂરતા ફંડની વ્યવસ્થા નથી. ચાલો આ પાછળના કારણો અને રિટાયરમેન્ટ આયોજનની વાસ્તવિકતાને સમજીએ.
વહેલા રિટાયરમેન્ટની વધતી જતી ઈચ્છા
Axis Max Life દ્વારા જુલાઈ અને ઓગસ્ટ 2026 દરમિયાન ભારતના 40 અલગ-અલગ શહેરોમાં એક મોટો સર્વે કરવામાં આવ્યો હતો. 'IRIS 6.0' નામના આ રિપોર્ટમાં 25 થી 65 વર્ષની વયના 4134 પરિવારોના નોકરીયાત લોકોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. આ રિપોર્ટ નીચે મુજબની ચોંકાવનારી હકીકતો રજૂ કરે છે.
- ભારતના શહેરોમાં રહેતા 70% લોકો જો તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી થઈ જાય, તો વહેલા રિટાયરમેન્ટ લેવા માંગે છે. આમાંના અડધા લોકોનો તો એવો લક્ષ્યાંક છે કે તેઓ 50 વર્ષની ઉંમર પહેલાં જ FIRE (Financial Independence, Retire Early - આર્થિક સ્વતંત્રતા અને વહેલું રિટાયરમેન્ટ) પ્રાપ્ત કરી લે.
યુવાનીમાં જ રિટાયરમેન્ટ માટેનું રોકાણ શરૂ
આજકાલ દર 2 માંથી 1 શહેરી યુવાન માને છે કે જેવો પહેલો પગાર હાથમાં આવે, ત્યારથી જ રિટાયરમેન્ટ માટે બચત શરૂ કરી દેવી જોઈએ. આ જ કારણ છે કે 62% Gen-Z યુવાનોએ અત્યારથી જ રિટાયરમેન્ટ માટે રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે.
રોકાણની શરૂઆત: કોણ ક્યારે જાગ્યું?
લોકોની સરેરાશ માનસિકતા એવી છે કે રિટાયરમેન્ટ માટેનું આયોજન 31 વર્ષની ઉંમર સુધીમાં તો શરૂ થઈ જ જવું જોઈએ. આ બાબતે અલગ-અલગ પેઢીઓની માન્યતાઓ જોઈએ.
• Gen-Z: સરેરાશ 29 વર્ષની ઉંમરે રોકાણ વિશે વિચારે છે. તેમાંથી 62% લોકોએ રોકાણ શરૂ પણ કરી દીધું છે.
• Millennials (મિલેનિયલ્સ): સરેરાશ 31 વર્ષની ઉંમરે આયોજન કરે છે. તેમાંથી 70% લોકોએ રોકાણ શરૂ કર્યું છે.
• Gen X+ (જૂની પેઢી): સરેરાશ 34 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી, પરંતુ તેમનામાં રોકાણ કરનારાઓનું પ્રમાણ સૌથી વધુ 75% છે.
આ આંકડાઓ દર્શાવે છે કે નવી પેઢી જાગૃત જરૂર થઈ છે, પરંતુ વાસ્તવિક રોકાણ શરૂ કરવાની બાબતમાં તેઓ હજુ જૂની પેઢી કરતાં થોડા પાછળ છે.
રકમની ખબર છે, પણ એકઠી કરવી મુશ્કેલ છે!
- રિટાયરમેન્ટ પછી આરામદાયક જીવન જીવવા માટે કેટલા પૈસાની જરૂર પડશે તેનો અંદાજ લગાવવો એક વાત છે, અને એ રકમ ભેગી કરવી એ બીજી વાત છે.
- રિપોર્ટ મુજબ, 61% લોકો બરાબર જાણે છે કે તેમને રિટાયરમેન્ટ પછી પોતાની વર્તમાન જીવનશૈલી જાળવી રાખવા માટે કેટલા રૂપિયા જોઈશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, માત્ર 11% લોકોને જ એવો પૂરો વિશ્વાસ છે કે તેમની પાસે એકત્ર થયેલું ભંડોળ આખી જિંદગી ચાલશે.
- બીજી તરફ, 39% લોકોને તો એવો ડર છે કે તેમની બચત રિટાયરમેન્ટ પછીના 5 વર્ષ પણ માંડ કાઢશે. આ વિશ્વાસના અભાવ પાછળના મુખ્ય કારણો છે: વધતી જતી મોંઘવારી (Inflation), દૈનિક ખર્ચાઓમાં થઈ રહેલો સતત વધારો અને લાંબાગાળાના મેડિકલ ખર્ચાઓ.
શું હવે રિટાયરમેન્ટ માટે '1 કરોડ' પૂરતા છે?
- એક સમય હતો જ્યારે 1 કરોડ રૂપિયા એટલે રિટાયરમેન્ટ માટે બહુ મોટી રકમ માનવામાં આવતી હતી, પણ હવે એવું નથી રહ્યું.
- 2025 માં 77% લોકો માનતા હતા કે રિટાયરમેન્ટ પછી 1 કરોડ કે તેથી ઓછી રકમ પૂરતી છે, પરંતુ 2026 માં આ આંકડો ઘટીને 70% થઈ ગયો છે. તેનો સીધો અર્થ એ છે કે વધુને વધુ લોકોને હવે સમજાયું છે કે ભવિષ્ય માટે 1 કરોડ રૂપિયાથી વધુની જરૂર પડશે.
- જે પરિવારોની વાર્ષિક આવક 15 લાખ રૂપિયાથી વધુ છે, તેમાંથી માત્ર 51% લોકો જ માને છે કે 1 કરોડ પૂરતા છે. મેટ્રો શહેરોમાં તો આ આંકડો 63% છે. જેમ જેમ લોકો રિટાયરમેન્ટની નજીક પહોંચે છે, તેમ તેમ તેમને આ નાણાકીય તફાવતની ગંભીરતા વધુ સમજાય છે.
બચત મોડેથી શરૂ કરવાનો અફસોસ
- સમયસર રોકાણ ન કરવાની ભૂલનો અહેસાસ પાછળથી બહુ કઠે છે.
- 45 + વયના 91% લોકો આજે એ વાતનો અફસોસ કરી રહ્યા છે કે તેમણે રિટાયરમેન્ટ માટેનું રોકાણ વહેલું કેમ શરૂ ન કર્યું!
- 82% લોકોને લાગે છે કે રિટાયરમેન્ટ પછી પણ આવક જાળવી રાખવા માટે તેમને લાંબા સમય સુધી કામ કરતા રહેવું પડશે.
- સરેરાશ લોકોને લાગે છે કે તેઓ તેમના રિટાયરમેન્ટના કુલ લક્ષ્ય કરતાં ફક્ત 28% જ રકમ જ ભેગી કરી શક્યા છે.
નિષ્ણાતોની સલાહ
Axis Max Life ના MD અને CEO સુમિત મદન એક સુંદર વાત કહે છે: ‘રિટાયરમેન્ટ એટલે માત્ર નોકરી છોડી દેવી એવું નથી, પરંતુ આર્થિક સ્વતંત્રતા મેળવવી છે. એવી સ્થિતિ જ્યાં કામ કરવું એ તમારી 'પસંદગી' બની જાય, તમારી 'મજબૂરી' નહીં.’
રિટાયરમેન્ટ માત્ર પૈસા વિશે નથી, સ્વાસ્થ્ય અને પરિવાર પણ છે!
- જ્યારે આપણે રિટાયરમેન્ટની વાત કરીએ છીએ, ત્યારે માત્ર બેંક બેલેન્સ જ નહીં, પણ સ્વાસ્થ્ય અને પરિવાર પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે.
• સ્વાસ્થ્યની જાગૃતિ: 75% લોકો રિટાયરમેન્ટ પછી સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ રહેવાની અપેક્ષા રાખે છે. તેમાંથી 52% લોકો પાસે મેડિકલ ઇમરજન્સી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ (આરોગ્ય વીમો) છે. 44% દરરોજ નિયમિત કસરત કરે છે. 21% લોકો સ્માર્ટવોચ જેવા 'વેરેબલ ડિવાઇસ' (Wearable devices) નો ઉપયોગ કરીને પોતાના સ્વાસ્થ્યનું મોનિટરિંગ પણ કરે છે.
• પરિવારનો સાથ: રિટાયરમેન્ટ પછી 87% લોકો પોતાના બાળકો સાથે રહેવા માંગે છે અને તેમના સાથની અપેક્ષા રાખે છે. ચિંતાજનક બાબત એ પણ છે કે પરિવાર અને સમાજ તરફથી આર્થિક કે ભાવનાત્મક ટેકો મળશે કે નહીં, તે અંગેનો વિશ્વાસ લોકોમાં 87% થી ઘટીને હવે 84% થઈ ગયો છે.
રિટાયરમેન્ટનું આયોજન એક દિવસનું કામ નથી
રિટાયરમેન્ટનું આયોજન એ એક દિવસનું કામ નથી, પણ એક સતત પ્રક્રિયા છે. યુવા પેઢી ભલે વહેલા નિવૃત્ત થવાના સપના જોતી હોય, પરંતુ જો યોગ્ય રકમની ગણતરી કરીને સમયસર, નિયમિત અને પર્યાપ્ત રોકાણ નહીં કરવામાં આવે, તો આ સપનું સાકાર કરવું મુશ્કેલ બની જશે. પૈસાની સાથે-સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને યોગ્ય હેલ્થ કવર લેવું એ પણ સુખી રિટાયરમેન્ટ માટે અત્યંત જરૂરી છે.




