જમવા ગયેલા 7 બાળકોના એકસાથે મોત, બિહારના આ પરિવાર પર તૂટી પડ્યું આભ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raghopur Bihar Boat : બિહારના વૈશાલી જિલ્લામાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 13 બાળકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. મંગળવારે રાઘોપુર પ્રખંડના રામપુર શ્યામચંદ ગામ નજીક આ દુર્ઘટના બની હતી. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે મૃતકોમાં રામપ્રવેશ રાય ઉર્ફે રાજાના પરિવારનાં સાત બાળકોનો સમાવેશ થાય છે. ભોજન સમારંભમાં જવા નીકળેલાં આ બાળકોનાં મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી છે. બીજી તરફ, હોડી જૂની અને જર્જરિત હોવા છતાં તેને બદલવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વહીવટીતંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
ભોજન સમારંભમાં જવા નીકળેલાં બાળકો ક્યારેય ઘરે પરત ન ફર્યાં
રામપુર શ્યામચંદ ગામમાં જે ઘરમાં થોડા સમય પહેલાં બાળકોનાં હાસ્ય અને કિલકારીઓ ગુંજતાં હતાં, ત્યાં હવે માતમ છવાયો છે. રામપ્રવેશ રાય ઉર્ફે રાજાના પરિવારનાં સાત બાળકોનાં એકસાથે મોત થતાં પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. ભોજન સમારંભમાં જવા માટે ખુશીથી નીકળેલાં બાળકોના ઘરે પાછા ફરવાની રાહ જોવાઈ રહી હતી, પરંતુ તેમના મોતના સમાચારથી પરિવારજનો ભાંગી પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે, મંગળવારે રાત્રે આશરે 20 બાળકો હોડીમાં બેસીને ભોજન સમારંભમાં જવા નીકળ્યાં હતાં. આ દરમિયાન ગંગા નદીમાં હોડી ફાટતાં અથવા પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 13 બાળકોનાં મોત થયાં હોવાનું જણાવવામાં આવ્યું છે.
જર્જરિત હોડી બદલવાની માગ અવગણાઈ હોવાનો આક્ષેપ
દુર્ઘટના બાદ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અવરજવર માટે ઉપયોગમાં લેવાતી હોડી જૂની અને જર્જરિત હતી. હોડી બદલવા માટે અગાઉ અનેક વખત અરજી કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાયાં ન હતાં, એવો સ્થાનિક લોકોનો દાવો છે. સમયસર હોડી બદલવામાં આવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત, તેવી લાગણી ગ્રામજનોએ વ્યક્ત કરી છે.
આરોગ્ય સુવિધાઓ સામે પણ સવાલો
દુર્ઘટના બાદ બચાવ અને સારવારની વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊઠ્યા છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં માત્ર એક જ તબીબ હાજર હતા. ઘટનાસ્થળે સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચવા ઉપરાંત ઑક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર જેવી સુવિધાઓના અભાવના પણ આક્ષેપ થયા છે. આક્રોશિત ગ્રામજનોએ સંબંધિત અધિકારી સામે હત્યાનો ગુનો નોંધવાની માગ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના વિરોધમાં પણ સૂત્રોચ્ચાર કરવામાં આવતાં તેમને પરત ફરવું પડ્યું હોવાની માહિતી છે. અહેવાલ પ્રમાણે, મૃતદેહોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા અને ગ્રામજનો મૃતદેહો લઈ જવા દેતા ન હતા. એક જ પરિવારનાં સાત બાળકો સહિત 13 બાળકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. હવે ગ્રામજનોની મુખ્ય માગ દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સુરક્ષિત પરિવહન વ્યવસ્થા ઊભી કરવાની છે.




