For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ. બંગાળમાં હિંસા વચ્ચે 11 રાજ્યોમાં 62 ટકા મતદાન

Updated: May 8th, 2024

પ. બંગાળમાં હિંસા વચ્ચે 11 રાજ્યોમાં 62 ટકા મતદાન

- હીટવેવ વચ્ચે લોકસભા ચૂંટણીના સતત ત્રીજા તબક્કામાં ઓછું મતદાન

- 10 મંત્રી, ચાર પૂર્વ સીએમ સહિત 1332 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ : ઉત્તર પ્રદેશના કેટલાક ગામોમાં મતદાનનો 100 ટકા બહિષ્કાર

- કર્ણાટકમાં બે અધિકારીઓના ચૂંટણી ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યાં

નવી દિલ્હી : લોકસભામાં ત્રીજા તબક્કાના મતદાનના ભાગરૂરે મંગળવારે ગુજરાત સહિત ૧૧ રાજ્યોની ૯૩ બેઠકો પર અંદાજે ૬૩ ટકાથી વધુ મતદાન થયું હતું. આજના દિવસે પશ્ચિમ બંગાળમાં આંશિક અથડામણની ઘટનાઓ નોંધાઈ હતી જ્યારે સમાજવાદી પક્ષે ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ કથિત રીતે ગેરરીતિ થયાની ફરિયાદો કરી હતી. દેશના અનેક રાજ્યોમાં હીટવેવની સ્થિતિ વચ્ચે સતત ત્રીજા તબક્કામાં ૨૦૧૯ની લોકસભા કરતાં ઓછું મતદાન થયું હોવાનું જોવા મળ્યું છે. આજના મતદાન સાથે ૧૦ મંત્રી સહિત ચાર પૂર્વ મુખ્યમંત્રીના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે. જોકે, ઉત્તર પ્રદેશના કેટલાક ગામોમાં મતદાનનો બહિષ્કાર કરાયો હતો.

લોકસભાના ત્રીજા તબક્કાના મતદાનમાં ૧૧ રાજ્યોમાં આસામમાં સૌથી વધુ ૭૭.૦૬ ટકા, ગોવામાં ૭૫.૧૩ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૭૩.૯૬ ટકા મતદાન થયું હતું. બીજીબાજુ સૌથી ઓછું મતદાન ઉત્તર પ્રદેશમાં ૫૭.૩૪ ટકા, ગુજરાતમાં ૫૮.૦૬ ટકા અને બિહારમાં ૫૮.૧૬ ટકા જેટલું મતદાન થયું હતું તેમ ચૂંટણી પંચે જણાવ્યું હતું. 

રસપ્રદ બાબત એ છે કે દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મુસ્લિમ અનામત મુદ્દે ભાજપ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લાલુપ્રસાદ યાદવ મુસ્લિમોને અનામતની તરફેણ કર્યા પછી બચાવની સ્થિતિમાં આવી ગયા હતા જ્યારે ભાજપે લાલુ પ્રસાદ યાદવની ઝાટકણી કાઢી હતી.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ મતદાનનો સત્તાવાર સમય સાંજે ૬.૦૦ વાગ્યે પૂરો થઈ ગયો હતો ત્યારે મતદાન મથકમાં લાઈનમાં ઊભા રહેલા મતદારોને મતદાનની તક આપવામાં આવી હોવાથી મતદાનની નિશ્ચિત ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે દેશમાં ત્રીજા તબક્કાના મતદાનમાં ૮.૩૯ કરોડ મહિલાઓ સહિત કુલ ૧૭.૨૪ કરોડ લોકો મતદાન કરવા સક્ષમ હતા. ૧૧ રાજ્યોમાં મતદાન માટે ૧.૮૫ લાખ મતદાન મથકો બનાવાયા હતા તેમજ ૧૮.૫ લાખ કર્મચારીઓને આ મતદાન મથકો પર તૈનાત કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સવારના તબક્કામાં જ મતદાન કરી લીધું હતં. પીએમ મોદીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અમદાવાદના રાણિપ વિસ્તારમાં મતદાન કર્યું હતું જ્યારે અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું હતું. ત્રીજા તબક્કાના મતદાન સાથે ગુજરાત અને ઓડિશામાં લોકસભાનું મતદાન પૂરું થઈ ગયું છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ૧૦ મંત્રીઓ, ચાર પૂર્વ મુખ્યમંત્રી સહિત ૧૩૩૨ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે. 

ઉત્તર પ્રદેશમાં લોકસભાના સાતેય તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ત્રીજા તબક્કામાં ૧૦ બેઠકો પર મતદાન થયું હતું, જેમાં સમાજવાદી પક્ષના ગઢ ગણાતી મૈનપુરી બેઠક પર ૫૮.૫૯ ટકા મતદાન થયું હતું. તેમનો મુકાબલો જયવીર સિંહ સામે છે. આ સિવાય મુસ્લિમ બહુમતી ધરાવતી સંભલ બેઠક પર કુલ ૬૨.૮૧ ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં આ તબક્કામાં અન્ય કોઈ બેઠક પર ૬૦ ટકાથી વધુ મતદાન થયું નથી. જોકે, ઉત્તર પ્રદેશના બદાયુના કેટલાક ગામોમાં સરકારે તેના વચનો પૂરા કર્યા નહીં હોવાથી મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરાયો હતો. આ ગામોમાં ધોરાનપુર, ફિરોઝાબાદ, નાગલા જવાહર, નીમ ખેરિઆ અને નાગલા ઉમરનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશની જેમ બંગાળમાં પણ સાતેય તબક્કામાં મતદાન થવાના છે ત્યારે ત્રીજા તબક્કામાં ચાર બેઠકો પર મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ ૭૬.૪૯ ટકા મતદાન મુર્શિદાબાદ બેઠક પર થયું હતું. બંગાળમાં ચૂંટણી પંચને મતદાન સંબંધિત ગેરરીતિઓની૧૮૨ ફરિયાદો મળી હતી. દરમિયાન કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોષી અને ભગવંત ખુબા તથા કર્ણાટકના મંત્રી પ્રિયંકા ખરગેએ સવારે વહેલા મતદાન કર્યું હતું.  કર્ણાટકમાં ચૂંટણી ફરજ દરમિયાન બે સરકારી અધિકારીઓના હાર્ટ એટેક આવતા મોત નીપજ્યાં હતા.

Gujarat