સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાના વિચાર બીજા પર થોપી મહાન ન બની શકે : નીતિન ગડકરી
Nitin Gadkari : કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર તેમના દમદાર નિવેદનથી રાજકારણમાં ચર્ચા જગાવી છે. નાગપુરમાં એક સંમેલનમાં આચાર્ય અને શિક્ષકોને સંબોધતા તેમણે કહ્યું કે સત્તા, ધન, જ્ઞાન અને સુંદરતા પ્રાપ્ત કરનારા લોકો અનેકવાર અહંકારી બની જાય છે. એકવાર જ્યારે લોકો એમ માનવા લાગે છે કે તે સૌથી બુદ્ધિમાન છે તો તેમની દૃઢતા બીજા પર પ્રભુત્વમાં બદલાવા લાગે છે. ગડકરીએ કહ્યું કે ગમે તે વ્યક્તિ હોય તે પોતાની જાતને બીજા પર થોપી મહાન ન બની શકે. જે લોકોને તમે સ્વીકાર્યા છે તેમણે ક્યારેય કોઈના પર પોતાની જાતને થોપવી નથી પડી.
સન્માન માગવાથી ના મળે તે કમાવો પડે....
ગડકરીએ નેતાઓ વચ્ચે અહંકારના આ જાળ સામે દુઃખ વ્યક્ત કરતાં ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે હું સૌથી બુદ્ધિમાન છું. હું સાહેબ બની ગયો છું. હું બીજાને મહત્ત્વ પણ નથી આપતો. આ પ્રકારનો અહંકાર સાચા નેતૃત્વને નબળો પાડી દે છે. ગડકરીએ સાચા નેતૃત્વની વ્યાખ્યા જણાવતા કહ્યું કે કોઈપણ સંસ્થાની તાકાત ભલે તે રાજકારણ હોય, સમાજ સેવા હોય કે કોર્પોરેટ, માનવી સંબંધોમાં જ નિહિત હોય છે. તમે તમારી નીચેના લોકો સાથે કેવું વર્તન કરો છો તે જ અસલ નેતૃત્વ કહેવાય છે. સન્માન માગવાથી ના મળે, તે કર્મોથી કમાવો પડે.
શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર શરમજનક...
વિપક્ષ દ્વારા ગડકરીની ટિપ્પણીઓને ભાજપના ટોચના નેતૃત્વ પર છુપો હુમલો ગણાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી નીતિન રાઉતે કહ્યું કે, "ગડકરીનું નિવેદન ભાજપમાં પ્રવર્તતા ઘમંડ અને સ્વાર્થી વલણનો સીધો સંકેત છે." ગડકરીએ શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર સામે પણ આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે "હું જાણું છું કે શિક્ષકોની નિમણૂકોમાં પણ લાંચ લેવામાં આવે છે. આ ખૂબ જ શરમજનક છે, આવી ભ્રષ્ટ વ્યવસ્થામાં રસ્તાઓ કેવી રીતે બનાવવામાં આવે છે? કેટલાક લોકો પડકારોને તકોમાં ફેરવે છે, જ્યારે કેટલાક તકોનો બગાડ કરે છે".
શું ગધેડો ઘોડો બની શકે?
સરકારી અધિકારીઓની જવાબદારીની ભાવના પર બોલતા ગડકરીએ કટાક્ષ કર્યો કે, "જો તમને નોકરી મળી ગઈ છે, તો હવે કંઈક કરો. હું પૂછું છું, શું તમે ગધેડાને ઘોડો બનાવી શકો છો?" હાર ન માનવી જોઇએ. જો તમે કહો છો કે સુધારા થઈ શકતા નથી, તો પછી તમને શા માટે બોલાવવામાં આવ્યા?"