દૂધ-કેળા ખાધા પછી અચાનક 32 બાળકોની તબિયત લથડતાં દોડધામ, MPમાં બની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madhya Pradesh Food Poisoning : મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં દૂધ અને કેળા ખાધા બાદ અચાનક 32 જેટલા બાળકોની તબિયત લથડતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભોજન આરોગ્યા બાદ બાળકોને સતત ઉલટીઓ થવા લાગતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકોને સંસ્થામાંથી આપવામાં આવેલા દૂધ, કેળા અને ચોળીના બીજ ખાધા પછી આ તકલીફ થઈ હોવાનું સામે આવ્યું છે.
ભીમપુરના ભાડરી ગામમાં અચાનક મચી દોડધામ
આ સમગ્ર બનાવ બેતુલ જિલ્લાના ભીમપુર વિકાસખંડ હેઠળ આવતી ચીખલી ગ્રામ પંચાયતના ભાડરી ગામનો છે. અહીં પરિવાર એજ્યુકેશન સોસાયટીની કુટીર સંસ્થા તરફથી બાળકોને દૂધ, કેળા અને ચોળીના બીજ આપવામાં આવ્યા હતા. આ નાસ્તો કર્યા પછી એકસાથે 32 બાળકો બીમાર પડતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોને ઉલટીઓ શરૂ થતાં પરિવારજનો ગભરાઈને તાબડતોબ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. SDM અને CMHO સહિતના ઉચ્ચ અધિકારીઓ ભીમપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા અને બાળકોની સારવારની સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે, જેથી પરિવારોએ મોટી રાહત અનુભવી છે.
દૂધના સેમ્પલ લેવાયા, તપાસ શરૂ
બેતુલના CMHO સંજીવ શર્માના જણાવ્યા અનુસાર, કુટીર સંસ્થામાંથી આપવામાં આવેલી ખાદ્યસામગ્રી ખાધા બાદ બાળકોને ઉલટીઓ થવા લાગી હતી. તમામ બાળકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને હાલ તેમની હાલત નિયંત્રણમાં છે. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે દૂધના સેમ્પલ લેબ ટેસ્ટિંગ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
કુટીરથી સ્કૂલે પહોંચતા જ બાળકો બીમાર પડ્યા
હોસ્પિટલમાં પોતાના બાળકની સારવાર કરાવી રહેલા સ્થાનિક વાલી સુમરત કાસદેએ જણાવ્યું કે, તેમનું બાળક કુટીર ગયું હતું જ્યાં તેને દૂધ અને કેળા આપવામાં આવ્યા હતા. ત્યાર પછી તે સીધો સ્કૂલે ગયો અને ત્યાં તેણે કશું ખાધું નહોતું. થોડી જ વારમાં શાળામાંથી સમાચાર મળ્યા કે બાળકોને ઉલટીઓ થઈ રહી છે, જેથી પરિવારજનો દોડી આવ્યા અને બાળકોને હોસ્પિટલ ખસેડ્યા હતા.




