વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલીને 22 હજાર લોકો સાથે છેતરપિંડી, 22 ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દિલ્હી પોલીસના ચાર રાજ્યોમાં ૧૭ સ્થળે દરોડા
- ૨૨ હજારથી વધુ મોબાઇલમાં એપીકે ફાઇલ મોકલાઇ લાખોની છેતરપિંડી કરાઇ, દેશવ્યાપી ગેંગનો પર્દાફાશ
નવી દિલ્હી : વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલીને ૨૨ હજારથી વધુ લોકો સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે, પોલીસે દેશવ્યાપી નેટવર્ક સાથે સંકળાયેલા ૧૭થી વધુ સ્થળે દરોડા પાડયા હતા અને ૨૨થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી. ૨૨ હજાર મોબાઇલમાં એપીકે ફાઇલો મોકલવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
દિલ્હી પોલીસે ચાર રાજ્યોના આઠ જિલ્લામાં દરોડા પાડયા હતા, આ દરમિયાન ૬૮થી વધુ મોબાઇલ સાથે આરોપીની ગેંગને ઝડપી પાડી હતી. આ ગેંગ દેશભરમાં અત્યાર સુધીમાં ૨૨ હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી ચુકી છે. દિલ્હી પોલીસના વેસ્ટ જિલ્લાની સાઇબર ટીમને સાઇબર ઠગીની ફરિયાદો મળી હતી, આ મામલાઓની તપાસ દરમિયાન સામે આવ્યું કે લગભગ તમામ કેસમાં લોકો સાથે છેતરપિંડી કરવાની પદ્ધતી એક સરખી છે. લોકોને વોટ્સએપ દ્વારા એપીકે ફાઇલ મોકલવામાં આવે છે.
દિલ્હી પોલીસની આશરે ૬૨ ટીમો ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે સ્થળે એક સાથે ત્રાટકી હતી. આ સમગ્ર ફ્રોડનું મુખ્ય કેન્દ્ર ઝારખંડનું જામતાડા માનવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ગોરખપુર સહિત અન્ય વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. કેટલાક આરોપીઓએ ખેતરોમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે અંતે તેઓ ઝડપાઇ ગયા હતા. આ ગેંગ દ્વારા આશરે ૨૨૦૦૦ મોબાઇલમાં વોટ્સએપ પર એપીકે ફાઇલો મોકલવામાં આવી હતી. એપીકે ફાઇલ એન્ડ્રોઇડ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવા માટેની ફાઇલ હોય છે. જેની મદદથી ઠગો લોકોના મોબાઇલમાં ઘૂસવા પ્રયાસ કરે છે. જ્યારે ઇન્સ્ટોલ કરાય છે ત્યારે કોલ, ગેલરી, મેસેજ જેવી સુવિધા માટે મંજૂરી માગવામાં આવે છે, આ મંજૂરી આપતા જ ફોનની અંગત જાણકારી છેતરપિંડી કરનારા સુધી પહોંચી જાય છે. આ જ નેટવર્ક સાથે જોડાયેલી ૨૦૮૦ જેટલી ફરિયાદો પોલીસને મળી હતી.




