કેનેડાનો ખતરનાક પ્લાન, લાખો ભારતીયો ટેન્શનમાં, અમેરિકા પણ આ મામલે પાડોશીની કરશે મદદ

Canada Visa Cancellation And Denial Plan Against Indians: કેનેડામાં એક બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે જેનાથી લાખો ભારતીયો ટેન્શનમાં આવી ગયા છે. આ બિલમાં એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે, કેનેડાની ઑથોરિટીને એ પાવર આપવામાં આવે કે, કામચલાઉ વિઝા ધરાવતા ભારતીય પ્રવાસીઓને ગમે ત્યારે દેશનિકાલનો આદેશ આપી શકાય. આનાથી ઑથોરિટીને ગમે ત્યારે કામચલાઉ વિઝા કેન્સલ કરી દેવાનો અથવા તો ઇશ્યૂ ન કરવાનો અધિકાર મળશે. એક અહેવાલ પ્રમાણે આ નિર્ણય બાંગ્લાદેશ અને ભારતના નાગરિકો માટે લેવામાં આવી રહ્યો છે. આ હેઠળ અમેરિકન વહીવટીતંત્રની પણ કેનેડા મદદ લેશે. આ બિલ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તે એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા વિઝા અરજીઓ ફગાવી દીધી છે.
ભારત-કેનેડાના સંબંધોમાં તણાવ
જસ્ટિન ટ્રુડોના કાર્યકાળથી જ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કેનેડા દ્વારા વિઝા નિયમો કડક બનાવવાને ભારત વિરુદ્ધ એક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પ્રમાણે કેનેડાના ઇમિગ્રેશન રિફ્યૂજી એન્ડ સિટિઝનશિપ ડિપાર્ટમેન્ટ, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી અને અમેરિકન ઑથોરિટી સાથે મળીને કામ કરશે. આ હેઠળ અધિકારીઓને કોઈપણ સમયે વિઝા કેન્સલ કરવાનો અથવા તો ઇશ્યૂ ન કરવાનો પાવર આપવામાં આવશે. જોકે, આ બિલના કારણે વિવાદ ઊભો થયો છે અને કેનેડામાં જ વિરોધ પ્રદર્શનો શરુ થઈ ગયા છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે, મહામારી અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આવા વિઝાને મોટા પાયે કેન્સલ કરવાનો અધિકાર હશે.
અમારી સરકાર આ નિર્ણય કોઈ દેશ વિરુદ્ધ નથી લઈ રહી
કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર લેના ડિયાબનું કહેવું છે કે અમારી સરકાર આ નિર્ણય કોઈ દેશ વિરુદ્ધ નથી લઈ રહી. અમારો પ્રસ્તાવ એ છે કે મહામારી કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં નિર્ણય લઈ શકાય. આ બિલ સંસદમાં મૂકવામાં આવ્યું છે અને પીએમ માર્ક કાર્નીની સરકાર તેને પસાર કરાવવાનો પ્રયાસ કરી રહી છે. કેનેડામાં 300 સિવિલ સોસાયટી ગ્રૂપ્સે આ બિલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, આનાથી તો સરકારને મોટા પાયે દેશમાંથી લોકોને દેશનિકાલ કરવાની શક્તિ મળી જશે. બીજી તરફ સરકારી સૂત્રોનું કહેવું છે કે આવો પ્રસ્તાવ એટલા માટે રજૂ કરવામાં આવી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં પેન્ડિંગ વિઝા અરજીઓ ફગાવી શકાય.
આ પણ વાંચો: ટિકિટ કેન્સલેશન ફ્રી, 21 દિવસમાં ફૂલ રિફંડ... હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી
ભારતમાંથી વિઝા અરજીઓમાં મોટો વધારો
એક મહત્ત્વપૂર્ણ વાત એ પણ છે કે, ભારતમાંથી વિઝા અરજીઓમાં મોટો વધારો થયો છે. કેનેડા જવા માટે મે 2023માં 500 અરજીઓ કરવામાં આવી હતી, જ્યારે જુલાઈ 2024માં આ આંકડો વધીને 2,000 થયો. કેનેડિયન વહીવટીતંત્ર આટલી મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સના આગમનથી ચિંતિત છે અને આ જ કારણોસર વિઝા નિયમો કડક કરવાની તૈયારી કરી રહ્યું છે. મોટી સંખ્યામાં વિઝા અરજીઓને કારણે પ્રોસેસિંગ ટાઇમમાં પણ વધારો થયો છે.

