Get The App

સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે RSF દ્વારા ભારતીય યુવક આદર્શ બહેરાનું અપહરણ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે RSF દ્વારા ભારતીય યુવક આદર્શ બહેરાનું અપહરણ 1 - image


Indian Youth Adarsh Behera kidnapped by RSF: સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે એક ભારતીય નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે RSF એટલ કે રેપિડ સપોર્ટ ફોર્સે જે યુવકનું અપહરણ કર્યું છે તે ઓડિશાનો રહેવાસી છે અને છેલ્લા બે વર્ષથી સુદાનની એક ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે હાથ જોડીને બેઠો છે અને ઓડિશા સરકાર પાસે મદદ માગી રહ્યો છે. તેનું કહેવું છે કે, છેલ્લા બે વર્ષથી સુદાનમાં તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. 

સુદાન એપ્રિલ 2023થી SAF અને RSF વચ્ચે સંઘર્ષની લપેટમાં છે. બંને પક્ષો વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.

કોણ છે આદર્શ બહેરા?

સુદાનમાં અપહરણ કરાયેલા યુવકની ઓળખ આદર્શ બહેરા તરીકે થઈ છે. તે ઓડિશાના જગતસિંહપુર જિલ્લાનો રહેવાસી છે. સૂત્રોના હવાલે આપવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે તેનું ખારતૂમથી લગભગ 1,000 કિલોમીટર દૂર અલ ફશીરથી અપહરણ કરવામાં આવ્યું હતું અને માનવામાં આવી રહ્યું છે કે તેને દક્ષિણ દારફુરમાં આરએસએફના ગઢ ન્યાલા લઈ જવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે 36 વર્ષીય બહેરા વર્ષ 2022થી સુદાનમાં કામ કરી રહ્યો છે. તે અહીં સુકૃતિ પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરે છે. એક ચેનલ સાથે વાત કરતા તેમની પત્ની સુષ્મિતાએ કહ્યું કે, અમારા 8 અને 3 વર્ષના બે પુત્રો છે.

શું છે RSF?

એક અહેવાલ પ્રમાણે  આ જૂથ કથિત જંજાવીદ મિલિશિયાથી બન્યું છે, જે વર્ષ 2000માં દારફુર ક્ષેત્રમાં થયેલા સંઘર્ષમાં સામેલ હતું. ખાસ વાત એ છે કે, ત્યાં સરકાર જ બળવાને રોકવા માટે તેનો ઉપયોગ કરી રહી હતી. આ સંઘર્ષમાં 3 લાખ લોકોના મોત થયા હતા અને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે સરકારી અધિકારીઓ અને મિલિશિયાના કમાન્ડરો પર આરોપ લગાવ્યો હતો. 

સમયની સાથે વધતું ગયું અને 2013માં RSFમાં પરિવર્તિત થઈ ગયુ હતું. તે સમયે તેના દળોનો ઉપયોગ સરહદ સુરક્ષા માટે થતો હતો. 2015માં RSFએ સુદાનની સેના સાથે મળીને સૈનિકોને યુદ્ધમાં યમન મોકલવાનું શરૂ કરી દીધુ હતું. તે જ વર્ષે જૂથને રેગ્યુલર ફોર્સનો દરજ્જો મળ્યો. 2017માં RSFને સ્વતંત્ર સુરક્ષા દળનો દરજ્જો આપતો કાયદો પસાર કરવામાં આવ્યો.

દારફુર ઉપરાંત RSFને દક્ષિણ કોર્ડોફાન જેવા વિસ્તારોમાં પણ મોકલવામાં આવ્યા, જ્યાં તેના પર માનવ અધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો. 2015ના એક અહેવાલમાં હ્યુમન રાઇટ્સ વોચે આ દળને 'નિર્દય લોક' ગણાવ્યું હતું.

આગળ શું?

ભારતમાં સુદાનના રાજદૂત મોહમ્મદ અબ્દુલ્લા અલી એલ્ટોમે કહ્યું કે 'તેમનો દેશ સુદાનના અધિકારીઓ અને વિદેશ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યો છે. જ્યારથી ભારતીય નાગરિકના અપહરણના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી અમે ભારતીય વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. આ પહેલા પણ સુદાનના એક શહેરની ઘેરાબંધી દરમિયાન મંત્રાલયે અમારો સંપર્ક બીજા એક ભારતીય નાગરિક વિશે કર્યો હતો, જેણે તે 500 દિવસો દરમિયાન અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.'

આ પણ વાંચો: 43 વર્ષ અમેરિકાની જેલમાં રહ્યો નિર્દોષ ભારતીય, ડિપોર્ટેશનના આદેશ બાદ હવે કોર્ટનું હૃદય પીગળ્યું

એલ્ટોમે કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે. અને અમે જોયું છે કે તેઓ શું કરવામાં સક્ષમ છે. અમને આશા છે કે તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવશે. અને અમને આશા છે કે અમે તેમને જલ્દી સુરક્ષિત પાછો ફરતા જોઈશું.'

હોસ્પિટલમાં 400થી વધુ લોકોની હત્યા

ઓક્ટોબરમાં RSFએ સુદાનની એક મુખ્ય હોસ્પિટલમાં સેંકડો નાગરિકોની હત્યા કરી નાખી હતી. WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયેસસે પણ કહ્યું હતું કે હું 460 લોકોની કથિત હત્યાથી આઘાતમાં છું. આ પહેલા સુદાન ડોક્ટર્સ નેટવર્કે જણાવ્યું હતું કે, RSF લડવૈયાઓએ સાઉદી હોસ્પિટલની અંદર મળી આવેલા તમામ લોકોની ક્રૂર હત્યા કરી નાખી હતી, જેમાં દર્દીઓ, તેમના સહાયકો અને હાજર અન્ય કોઈપણ વ્યક્તિઓ સામેલ હતા. 

Tags :