2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દોષ મુક્ત
Supreme Court: સુપ્રીમ કોર્ટમાં માત્ર બે રૂપિયાના ભ્રષ્ટાચારનો એક મામલો પહોંચ્યો હતો. બે દસકા પહેલા વર્ષ 2003માં સ્ટેમ્પ પેપર માટે માત્ર બે રૂપિયા વધુ લઇ લીધા હતા, જે બદલ તેની સામે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો અને ટ્રાયલ કોર્ટે 2008માં સજા આપી હતી, હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ સજાને રદ કરીને આરોપીને મૂક્ત કરી દીધો હતો.
સ્ટેમ્પ વેન્ડરે 2 રૂપિયા વધુ લઇ 20 વર્ષ ચાલ્યો કેસ
સુપ્રીમ કોર્ટ સમક્ષ એ સવાલ ઉપસ્તિત થયો હતો કે શું સ્ટેમ્પ વેન્ડર જાહેર કર્મચારી કહેવાય? અને તેની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'સ્ટેમ્પ વેન્ડર પબ્લિક સર્વન્ટ કહેવાય, જો કે બે દસકા જુના આ કેસમાં સ્ટેમ્પ વેન્ડરને બે રૂપિયા લાંચ તરીકે લેવા બદલ ટ્રાયલ કોર્ટ દ્વારા જે સજા અપાઈ હતી તેને રદ કરી દીધી હતી.
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કરવામાં આવી હતી ધરપકડ
આ ઘટના જનકપુરીની સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં 9 ડિસેમ્બર, 2003ના રોજ સામે આવી હતી. એક સ્ટેમ્પ વેન્ડરે 10 રૂપિયાના સ્ટેમ્પ પેપરના રૂ. 10 ના બદલે 12 રૂપિયા માગ્યા હતા. તેને કેમિકલ લગાવેલી ચલણી નોટો અપાઈ હતી, બાદમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ તેની ધરપકડ કરાઈ હતી અને પીસી કાયદા હેઠળ કાર્યવાહી થઇ હતી.
ટ્રાયલ કોર્ટે એક વર્ષની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ
વર્ષ 2008માં ટ્રાયલ કોર્ટે તેને પબ્લિક સર્વન્ટ ગણાવી દોષિત ઠેરવી એક વર્ષની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટને મામલાનો નિકાલ કરવામાં 6 વર્ષ લાગ્યા હતા અને સજાને યોગ્ય ઠેરવી હતી.
બાદમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ 11 વર્ષ પેન્ડિંગ રહી હતી. સુપ્રીમે કહ્યું હતું કે આરોપો સાબિત કરવામાં તપાસ અધિકારી નિષ્ફળ રહ્યા છે માટે પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડરને છોડવામાં આવે છે. જોકે સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે સ્ટેમ્પ વેન્ડર જાહેર સેવક કહેવાય.