પહલગામમાં શહીદ લેફ.વિનય નરવાલની પત્નીનું ટ્રોલિંગ, ગુસ્સામાં મહિલા આયોગે કહ્યું - આ તો અસ્વીકાર્ય
Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનારા ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલના નિવેદન અંગે સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલિંગ સામે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ સખત વાંધો ઊઠાવ્યો છે. કમિશને કહ્યું કે, 'કોઈપણ મહિલાને તેના વિચારો કે અંગત જીવન માટે નિશાન બનાવવું કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.'
'અમને ફક્ત શાંતિ જોઈએ છે'
અહેવાલો અનુસાર, પહલગામમાં આતંકી હુમલા બાદ હિમાંશીએ પહેલીવાર મીડિયા સાથે વાત કરતી વખતે ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે આખો દેશ વિનય માટે પ્રાર્થના કરે, તે જ્યાં પણ હોય, તેને શાંતિ મળે અને એક બીજી વાત, હું જોઈ રહી છું કે લોકો મુસ્લિમો અને કાશ્મીરીઓ સામે નફરત ફેલાવી રહ્યા છે. અમને આ નથી જોઈતું. અમને ફક્ત શાંતિ જોઈએ છે, ફક્ત શાંતિ.'
હિમાંશીના આ નિવેદન પછી, તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી. ઘણાં લોકો તેમના શાંતિના સંદેશની ટીકા કરી અને તેને નિશાન બનાવ્યું. આના પર પ્રતિક્રિયા આપતા, રાષ્ટ્રીય મહિલા આયોગે સોશિયલ મીડિયા પ્લોટફોર્મ 'X' પર લખ્યું કે, 'લેફ્ટનન્ટ વિનય નરવાલજીના મૃત્યુ પછી, તેમના પત્ની હિમાંશી નરવાલજી દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર જે રીતે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય અને ખેદજનક છે. કોઈપણ મહિલાને તેના વિચારો અથવા અંગત જીવનના આધારે ટ્રોલ કરવી અસ્વીકાર્ય છે.'
વધુમાં NCWએ લખ્યું કે, 'દરેક નાગરિકનો પોતાના વિચારો સાથે સંમતિ કે અસંમતિ વ્યક્ત કરવાનો બંધારણીય અધિકાર છે, પરંતુ આ હંમેશા શિષ્ટાચાર અને શિષ્ટાચારની મર્યાદામાં થવું જોઈએ. કમિશને ખાતરી આપી હતી કે તે દરેક મહિલાના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.'