India

નાગપુરના 17 વર્ષના યુવાને એ કરી બતાવ્યું જે ભલભલા ન કરી શકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
નાગપુરના 17 વર્ષીય હિતેન ધારપુરેએ વિશ્વનો સૌથી નાનો, 39.250 મિલીમીટરનો, સંપૂર્ણ કાર્યરત ઇલેક્ટ્રો-મિકેનિકલ રોબોટિક આર્મ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. FDM-બેઝ્ડ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી બનેલો આ રોબોટિક આર્મ નાની વસ્તુઓ ચોકસાઈપૂર્વક પકડી શકે છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ હેલ્થકેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગપુરના 17 વર્ષના યુવાને એ કરી બતાવ્યું જે ભલભલા ન કરી શકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
IMAGE - LinkedIn/@Hiten Dharpure

Smallest Robotic Arm Guinness: મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી 17 વર્ષના વિદ્યાર્થી હિતેન ધારપુરેએ વિજ્ઞાન જગતમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હિતેને દુનિયાનો સૌથી નાનો અને સંપૂર્ણપણે કામ કરી શકે તેવો ઇલેક્ટ્રો-મિકેનિકલ રોબૉટિક આર્મ (યાંત્રિક હાથ) બનાવ્યો છે. આ અદ્ભુત અને અનોખી શોધ બદલ હિતેનનું નામ પ્રતિષ્ઠિત 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધાઈ ગયું છે.

આંગળીના કદ કરતાં પણ અડધો છે આ રોબૉટિક આર્મ

તમને જાણીને નવાઈ લાગશે કે હિતેને બનાવેલા આ રોબૉટિક આર્મનું કદ માત્ર 39.250 મિલીમીટર છે, જે માણસની આંગળીના કદ કરતાં પણ લગભગ અડધું છે. આ પહેલાં વિશ્વના સૌથી નાના રોબૉટિક આર્મનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ 44.49 મિલીમીટરનો હતો. હિતેને આ કદમાં 5.24 મિલીમીટરનો ઘટાડો કરીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કદમાં નાનો હોવા છતાં આ ડિવાઇસ કોઈપણ કામગીરી ચોકસાઈપૂર્વક કરવા સક્ષમ છે. તે નાની વસ્તુઓને મજબૂતાઈથી પકડી શકે છે અને સરળતાથી ઉઠાવી પણ શકે છે.

આ આધુનિક ટેક્નોલોજીની મદદથી તૈયાર થયું ડિવાઇસ

હિતેને આ નાનકડો રોબૉટિક આર્મ તૈયાર કરવા માટે 'FDM-બેઝ્ડ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી'નો ઉપયોગ કર્યો છે. આ સિવાય તેમાં માઇક્રો સર્વો મોટર્સ, PWM-બેઝ્ડ કંટ્રોલ સિસ્ટમ અને ખાસ પ્રકારની ડિઝાઇનવાળા મિકેનિકલ જોઇન્ટ્સ (સાંધા) લગાવવામાં આવ્યા છે. આ આધુનિક સિસ્ટમના કારણે જ આ ડિવાઇસ કદમાં આટલું નાનું હોવા છતાં કોઈપણ અડચણ વગર ખૂબ જ સરળતાથી ઓપરેટ કરી શકાય છે.

3-એક્સિસ મોશન પાથ પર કરે છે કામ

આ રોબૉટિક આર્મની કાર્યશૈલી ખૂબ જ રસપ્રદ છે. આ ડિવાઇસનો મોશન પાથ 'થ્રી-એક્સિસ' (3-Axis)વાળો છે, જેની મદદથી તે અત્યંત નાની અને હલકી વસ્તુઓને પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકે છે. સંરક્ષણ અને તબીબી નિષ્ણાતોના મતે, ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ હેલ્થકેર ક્ષેત્રે (જટિલ સર્જરીમાં) અને પ્રિસિઝન એન્જિનિયરિંગમાં મોટા પાયે થઈ શકે છે.

નાનપણની જિજ્ઞાસા બની સફળતાનું કારણ

હિતેનની આ ઐતિહાસિક સફળતા પર તેની માતાએ ગર્વ અનુભવતા જણાવ્યું હતું કે, હિતેનને નાનપણથી જ એન્જિનિયરિંગમાં ખૂબ રસ હતો. તે નાનો હતો ત્યારે રમકડાંથી માત્ર રમતો જ નહોતો, પરંતુ તે રમકડાં કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે તેમને ખોલી નાખતો હતો. તેની આ જ જિજ્ઞાસા અને ખોજ કરવાની વૃત્તિના કારણે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે તેનો રસ વધ્યો અને આજે તેણે આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે.