10 વર્ષમાં 152 પેપર લીક, એકને પણ સજા ન મળી... દેહરાદૂનમાં બોલ્યા રાહુલ ગાંધી, ભાજપ પર કર્યા પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi On Paper Leak Case : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેહરાદૂનમાં 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન તેમણે પીડિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી.
152 પેપર લીક છતાં એકપણને સજા નહીં
રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષમાં 152 પેપર લીકની ઘટનાઓ બની છે, પરંતુ આજ સુધી હિન્દુસ્તાનમાં એકપણ વ્યક્તિને આના માટે સજા મળી નથી. પેપર લીક કરવા માટે દેશમાં હાઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાની આજની સ્થિતિ છે. પેપર લીકના કારણે છેલ્લા 10 વર્ષમાં 7.5 કરોડ વિદ્યાર્થીઓને મોટું નુકસાન થયું છે.’
ભ્રષ્ટાચારના કારણે 99% પ્રામાણિક વિદ્યાર્થીઓને નુકસાન
દેશમાં પરીક્ષાઓની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, 'દેશમાં 9 કરોડ ઉમેદવારોમાંથી માત્ર 6 લાખ ઉમેદવારો જ સફળ થાય છે, એટલે કે 150 માંથી માત્ર 1 યુવાન જ સફળ થઈ શકે છે.' તેમણે ઉમેર્યું કે અત્યારે બે રસ્તા છે, એક ઈમાનદારીનો અને બીજો ભ્રષ્ટાચારનો. દેશના 99% વિદ્યાર્થીઓ ઈમાનદાર છે, પરંતુ માત્ર 1% લોકો સિસ્ટમનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર કરે છે અને બાકીના તમામ વિદ્યાર્થીઓની મહેનતનું અપમાન કરે છે.
પેપર લીક પાછળ આખી સિસ્ટમ જવાબદાર
રાહુલ ગાંધીએ શિક્ષણ વ્યવસ્થામાં થતા અન્યાય સામે સવાલો ઉઠાવતા કહ્યું કે, 'આખો સિસ્ટમ પેપર લીકની પ્રક્રિયામાં સામેલ છે, ઉપરથી લઈને નીચે સુધી બધા જ મળેલા છે.' તેમના મતે નીચલા સ્તરે કોચિંગ સેન્ટર, ત્યારપછી માફિયા, તેમની ઉપર એનટીએ (NTA) અને છેલ્લે મંત્રાલય આમાં જોડાયેલા છે, જે વિદ્યાર્થીઓની મહેનતની મજાક ઉડાવી રહ્યા છે.
ભાવુક દ્રશ્યો: દીકરીના મોતના પગલે પિતા રડી પડ્યા
આ કાર્યક્રમમાં એક અત્યંત દુઃખદ અને ભાવુક ઘટના પણ સામે આવી હતી. પેપર લીકથી પરેશાન થઈને આત્મઘાતી પગલું ભરનારી મૃતક વિદ્યાર્થીની રિયા થાપાના પિતા પણ રાહુલ ગાંધીના મંચ પર પહોંચ્યા હતા. મંચ પરથી બોલતા પિતાએ રડતા રડતા કહ્યું કે, 'મારી દીકરી દિવસ-રાત મહેનત કરીને ભણતી હતી, પરંતુ પેપર લીકના કારણે તેણે આત્મહત્યા કરી લીધી.' આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.








