4 વર્ષમાં 111 સાંસદ-ધારાસભ્યોએ બદલ્યો પક્ષ! ભાજપ નહીં આ પાર્ટીમાં જોડાયા સૌથી વધુ પક્ષપલટુઓ: રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ADR Report Party Defection India : ચૂંટણી કોઈ એક પક્ષની ટિકિટ પર લડવી અને જીત્યા બાદ બીજા પક્ષમાં જોડાઈ જવું તે છેલ્લા થોડા વર્ષોમાં આ વલણ ભારતીય રાજકારણમાં ખૂબ વધ્યું છે. હવે આ અંગે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચના અહેવાલ મુજબ, વર્ષ 2022થી 2026 વચ્ચે કુલ 111 સાંસદો અને ધારાસભ્યોએ ચૂંટણી જીત્યા બાદ પોતાનો પક્ષ બદલી નાખ્યો છે. સૌથી વધુ પક્ષપલટો નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળમાં થયો હતો.
ક્યાં થયો સૌથી વધુ પક્ષપલટો?
આ યાદીમાં ટોચે છે નાગાલેન્ડ છે, જ્યાં કુલ 32 ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો જે દેશમાં સૌથી વધુ છે. આમાંથી 25 ધારાસભ્યોએ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) છોડી હતી. બીજી તરફ, નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ને સૌથી વધુ ફાયદો થયો હતો અને વિવિધ પક્ષોમાંથી કુલ 32 ધારાસભ્યો આ પક્ષમાં જોડાયા હતા. બીજા ક્રમે પશ્ચિમ બંગાળ છે, જ્યાં 20 લોકસભા સાંસદોએ પક્ષ બદલ્યો. આ તમામ TMCની ટિકિટ પર જીત્યા હતા અને બાદમાં નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં જોડાયા હતા. આ સાંસદોએ તેને 'વિલય' ગણાવ્યો છે, અને આ મામલો હાલ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ પડતર છે.

NDPP, TMC અને કોંગ્રેસમાંથી જ 58% સાંસદ-ધારાસભ્યોએ પક્ષ છોડ્યો
તેલંગાણામાં 9 ધારાસભ્યોએ BRS છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો. ગોવામાં 8 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાયા, તો પંજાબમાં 8 કિસ્સા સામે આવ્યા, જેમાં 6 રાજ્યસભા સાંસદો અને 2 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના 6 સાંસદો શિંદે જૂથની શિવસેનામાં જોડાયા. એકલા NDPP, TMC અને કોંગ્રેસમાંથી જ 64 એટલે કે 58% સાંસદ-ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે. જ્યારે નેતાઓને પોતાના પક્ષમાં લેવામાં NPF, ભાજપ અને NCPI સૌથી આગળ રહ્યા. આ ત્રણેય પક્ષોએ મળીને કુલ 73% પક્ષપલટુઓને પોતાની સાથે જોડ્યા.
ADRએ શું ભલામણ કરી?
ADRએ જણાવ્યું કે અનેક રાજ્યોમાં પક્ષપલટાને કારણે સરકારો પણ પડી ભાંગી છે. સંસ્થાએ પક્ષપલટા વિરોધી કાયદામાં સુધારાની ભલામણ કરી છે. અયોગ્યતા અંગેની અરજીઓ પર નિર્ણય લેવાનો અધિકાર અધ્યક્ષ પાસેથી લઈને રાષ્ટ્રપતિ (સાંસદો માટે) અને રાજ્યપાલ (ધારાસભ્યો માટે)ને સોંપવો જોઈએ, જેઓ ચૂંટણી પંચની સલાહ પર નિર્ણય લે. સાથે જ અયોગ્યતાના નિર્ણય માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી થવી જોઈએ અને પક્ષપલટો કરનાર નેતા ફરી ચૂંટાય નહીં ત્યાં સુધી કોઈ પદ ધારણ ન કરી શકે, તેવી પણ ADRએ માંગ કરી છે.




