For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેમેરાની ઐતિહાસિક ક્લિક્ : 100 વર્ષ પછી કેન્યાના જંગલમાં 'બ્લેક પેન્થર'

- બ્રિટનનો ફોટોગ્રાફર બુરાર્ડ સીમાચિહ્ન ઘટનાનો જશ ખાટી ગયો

- ગુજરાતમાં વાઘની દુર્લભ તસવીરના અરસામાં જ 'બ્લેક પેન્થર' વૈશ્વિક ચર્ચાનો વિષય

Updated: Feb 16th, 2019

Article Content Image

બુરાર્ડે 'કેમટ્રાપ્શન' ટેકનોલોજીથી મધરાત્રે વિચરતા 'બ્લેક પેન્થર'ની તસવીર મેળવી

અમદાવાદ, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

ગુજરાતમાં મહિસાગરના જંગલમાં વાઘ પ્રવેશી ચૂક્યો છે તેના તસવીરી પુરાવાને રાજ્યના વન મંત્રાલયે પણ સમર્થન આપ્યું છે ત્યારે 'બ્લેક પેન્થર'' એટલે કે કાળો ચિત્તો (એશિયા અને આફ્રિકામાં તેને દિપડા તરીકે અને અમેરિકામાં 'જગુઆર' તરીકે પણ ઓળખાય છે.) ૧૦૦ વર્ષ પછી પૂર્વ આફ્રિકાના કેન્યાના લાઇકિપિયાના જંગલમાં જોવા મળ્યો છે. વન્ય પ્રાણી જગત સાથે સંકળાયેલા નિષ્ણાંતો અને સંશોધકો આ ઘટનાને સીમાચિહ્નરૃપ ગણે છે.

બ્રિટનના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર વિલ બુરાર્ડ લુકાસ 'બ્લેક પેન્થર'ની તસવીર વિશ્વને ભેટ આપવાનો જશ ખાટી ગયો છે. જો કે તેના માટેનો શ્રેય તેણે "Camtraption" ફોટોગ્રાફીની ટેકનીકને આપ્યો છે. આ ટેકનીકમાં ફોટોગ્રાફરને તસવીર ક્લીક કરવાનો રોમાંચ નથી મળતો પણ તે તેની સૂઝ તે અને વર્ષોનો અનુભવ કામે લગાડે છે કે જંગલના કયા ગીચ વિસ્તારમાં મોટેભાગે રાત્રે પ્રાણીઓ બહાર આવશે અને વિહરશે.

ફોટોગ્રાફર ત્યાં સ્ટેન્ડ બનાવી હાઇરીઝોલ્યુશન નાઈટ કેમેરા સુરંગની જેમ થોડા થોડા અંતરે જુદી જુદી દિશામાં ગોઠવી દે છે. આ કેમેરાની ખાસીયત એ છે કે અમુક મીટરની રેન્જમાં લેન્સની સામે કંઇપણ આવે તો તેની જાતે જ કેમેરો તે તસવીર ઝીલી લે છે. ગુજરાત સરકારે પણ વાઘને ઝડપવા કે ગીર પર નજર રાખવા સીસી ટીવી કેમેરાની જગાએ 'કેમટ્રામ્શન' અંગે વિચારી શકાય.

ફોટોગ્રાફર અમુક દિવસો બાદ આવીને ગાઢ જંગલમાં જ્યાં કેમેરા ગોઠવ્યા હોય ત્યાં એક પછી એક ફ્રેમ જોઈ શકે.

કેન્યાના જંગલ માટે છેલ્લાં દાયકાઓથી દંતકથાની જેમ વાતો ચર્ચાતી કે જંગલમાં 'બ્લેક પેન્થર' છે. અમેરિકાનું સાન ડિએગો પ્રાણી સંગ્રહાલય જગવિખ્યાત સંશોધન કેન્દ્ર પણ ચલાવે છે. તેઓએ કેન્યામાં 'બ્લેક પેન્થર'ના સગડ મેળવવા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ખડું કર્યું છે. તેમાં અગાઉ 'બ્લેક પેન્થર'ની આભા ઉભી કરતી તસવીરો ઝીલાઈ હતી પણ બારીકાઈથી નીરિક્ષણ કરતા તે તસવીરો માટે એવું પૂરવાર થયું હતું કે ચિત્તામાં એવી પ્રજાતિ હોય છે જે અમુક સમયે તેના ટપકાનો રંગ રંગસૂત્રોના બદલાવને (Melanism) લીધે બદલે છે તેથી તે રાત્રિ પ્રકાશમાં કાળાશ પડતા લાગે છે પણ હકીકતમાં તે 'બ્લેક પેન્થર'ના કહી શકાય.

જ્યારે હવે બુરાર્ડ લુકાસે જે તસવીરો મેળવી છે તે 'બ્લેક પેન્થર'ની છે. તેનો અભ્યાસ કરતા એવું પણ તારણ નીકળ્યું છે કે તે નર છે અને ૨ વર્ષની વયનો હશે. રસપ્રદ બાબત એ છે કે 'બ્લેક પેન્થર'ને જન્મ આપવા માટે નર અને માદાનું 'બ્લેક પેન્થર' હોવું જરૃરી નથી. હા, નર ચિત્તામાં તેવા રંગસૂત્રો વધુ હોય તે જરૃરી છે.

ફોટોગ્રાફર બુરાર્ડ લુકાસ બ્રિટનથી વધુ એક વખત જંગલમાં મુકેલા કેમેરા સામેની ફ્રેમ જોવા કેન્યા આવ્યો અને લાઇકિપિયાના જંગલના એક કેમેરાની વારાફરતી ફ્રેમ જોતા જ તે 'યુરેકા'નો અનુભવ કરતો હોય તેમ 'બ્લેક પેન્થર'ની ફ્રેમ જોતા જ ખુશીથી ઉછળી પડયો તેને ત્રણ ફ્રેમમાં બ્લેક પેન્થરે જાણે પોઝ આપ્યો છે. 

જો અંધારામાં બ્લેક પેન્થરની આંખો બેટરીની જેમ ચમકતી ના હોત તો કદાચ તે અંધારામાં જ ભળી જાય તેવો 'બ્લેક' છે. ભારતમાં પણ 'બ્લેક પેન્થર' હોઈ શકે તેમ માનવામાં આવે છે. આ બ્લેક પેન્થરના જન્મ વખતે બીજા કેટલાંક બચ્ચા પણ બ્લેક હોઈ શકે તેવું નિષ્ણાંતો માને છે. આવા તો કેટલાય તો પશુ-પંખી, કિટકો અને દરિયાઈ જીવો આપણી નજર પહોંચાની બહાર હશે.

Gujarat