Narmada

VIDEO| નર્મદા: SoU ખાતેના શૂલપાણેશ્વર ઘાટની ₹15.10 કરોડના ખર્ચે કાયાપલટ, રોજ સાંજે થાય છે વારાણસી જેવી ભવ્ય મહાઆરતી

By GS Team
30 Oct 20263 mins read
TukuTouch Logo
સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે ₹15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું આધુનિકીકરણ કર્યું છે. એકતાનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ અને આકર્ષક શિલ્પકલા સાથે, આ ઘાટ હવે ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર બન્યો છે. વારાણસીની જેમ 108 દીવાઓ સાથે ભવ્ય મહાઆરતી યોજાશે. આ પ્રોજેક્ટથી પ્રવાસીઓની ક્ષમતા 4,000થી 6,000 થઈ છે અને સ્થાનિક રોજગારી વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| નર્મદા: SoU ખાતેના શૂલપાણેશ્વર ઘાટની ₹15.10 કરોડના ખર્ચે કાયાપલટ, રોજ સાંજે થાય છે વારાણસી જેવી ભવ્ય મહાઆરતી

Statue Of Unity Shoolpaneshwar Narmada Ghat Makeover: વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન બનેલા સ્ટેચ્યુ ઑફ યુનિટી(SOU) ખાતે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના આધ્યાત્મિક અનુભવને વધુ દિવ્ય અને સમૃદ્ધ બનાવવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી સત્તામંડળ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ₹15.10 કરોડના માતબર ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું અત્યાધુનિક આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી એકતાનગર હવે માત્ર એક સામાન્ય પ્રવાસન સ્થળ નહીં પરંતુ એક ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ અને આકર્ષક શિલ્પકલા

નર્મદા ઘાટના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઘાટના વિસ્તરણની સાથે સાથે મુલાકાતીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ છે. સમગ્ર પરિસરમાં લાલ રેતીના પથ્થરો, આકર્ષક ભીંતચિત્રો અને મંત્રમુગ્ધ કરી દે તેવી ભગવાન મહાદેવની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જે દર્શનાર્થીઓને આકર્ષિત કરે છે. આ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ધાર્મિક વિધિઓ અને મેળાવડાઓનું આયોજન વધુ સુગમ બનશે.

મુલાકાતીઓની ક્ષમતામાં વધારો અને રંગબેરંગી રોશની

નવા અપગ્રેડેશન બાદ ઘાટની મુલાકાતો અને શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા 4,000થી વધારીને સીધી 6,000 કરવામાં આવી છે. આ ઉપરાંત 2,000 લોકો આરામથી બેસી શકે તેવી ઓપન એમ્ફીથિયેટર જેવી આધુનિક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાત્રિના સમયે આખો ઘાટ રંગબેરંગી એલ.ઇ.ડી. લાઇટોથી ઝળહળી ઉઠે છે, જે મા નર્મદાના તટ પર એક અલૌકિક અને આધ્યાત્મિક વાતાવરણ રચે છે.

વિસ્તરણ અને સુરક્ષાના પુખ્ત પગલાં

નદીકિનારે ભીડ નિયંત્રણ અને સરળતા માટે ઉપરવાસ તરફ 31x47 મીટર અને કિનારા તરફ 95x10.5 મીટર જેટલો વિસ્તાર વધારવામાં આવ્યો છે. વાહનોની ભીડભાડ અટકાવવા માટે એકતા નર્સરી ગેટથી 190 મીટર લાંબો નવો એપ્રોચ રોડ તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન નદીના પૂરથી કિનારાનું ધોવાણ ન થાય તે માટે મજબૂત આરસીસી રિટેનિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે લપસી ન જવાય તેવી એન્ટિ-સ્લીપ ફર્શ અને કોતરણીયુક્ત સુંદર રેલિંગ બેસાડવામાં આવી છે. એકતા નર્સરીથી ઘાટ સુધીના રસ્તે સાંસ્કૃતિક ભીંતચિત્રો પણ દોરવામાં આવ્યા છે.

વારાણસીની તર્જ પર ભવ્ય મહાઆરતી

અહીંની સૌથી મોટી વિશેષતા વારાણસીની જેમ જ વિશિષ્ટ તાલીમબદ્ધ પૂજારીઓ દ્વારા 108 દીવાઓ સાથે કરવામાં આવતી મહાઆરતી છે. સાંજે 7:30 વાગ્યે યોજાતી આ આરતીમાં હિન્દી અને સંસ્કૃત શ્લોકો(નર્મદાષ્ટકમ)ના ગાન સાથે સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા હાર્મોનિયમ, તબલા અને બેન્જો જેવા વાદ્યો સાથે સંગીતમય માહોલ સર્જવામાં આવે છે. આ ઘાટને સીધો જ શૂલપાણેશ્વર મહાદેવ મંદિર સાથે જોડી દેવાયો છે, જ્યાં સુવ્યવસ્થિત પગથિયાં અને પૂજારીઓ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે.

સ્થાનિક રોજગારી અને પ્રવાસનને વેગ

સત્તામંડળના જણાવ્યા મુજબ, ટ્રાફિક મેનેજમેન્ટ અને અવરોધમુક્ત પ્રવેશના કારણે અહીં આવતા ભક્તોને પરમ શાંતિનો અનુભવ થશે. શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું આ નવું સ્વરૂપ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષીને પ્રવાસન ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે, સાથે જ સ્થાનિક આદિવાસી યુવાનો માટે રોજગારીની અનેક નવી તકોનું સર્જન કરશે.