Narmada

VIDEO:'સવર્ણો આદિવાસીઓની જેમ રહી જુએ, મેલુ ઉપાડવાની નોકરી આપુ', શંકરસિંહનો વીડિયો વાઈરલ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદે ફરી જોર પકડ્યું છે. 2 ઓક્ટોબરે ખોપી ગામે સભા યોજાઈ, જેમાં શંકરસિંહ વાઘેલા, અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. શંકરસિંહે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, "મેલું ઉપાડવાની નોકરી કરશો તો 50 હજાર આપીશ." તેમણે આદિવાસીઓને જમીનના સાચા માલિક ગણાવી, શાસન બદલવાની હાકલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO:'સવર્ણો આદિવાસીઓની જેમ રહી જુએ, મેલુ ઉપાડવાની નોકરી આપુ', શંકરસિંહનો વીડિયો વાઈરલ

Shankersinh Vaghela Statement Video Viral: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીનના ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ ફરી વકર્યો છે. આ વિવાદ સંદર્ભે ગાંધી જયંતી (બીજી ઓક્ટોબર)ના રોજ સાગબારાના ખોપી ગામે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તથા બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના અગ્રણી રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું.

શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન

સભાને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'હું ઘણાં લોકોને કહું છું કે જો મેલું ઉપાડવાની નોકરી કરવી હોય – પછી ભલે તમે વાણિયા, બ્રાહ્મણ કે પટેલ ગમે તે હોવ, મેલું ઉપાડવા બદલ મહિને 50 હજાર રૂપિયા હું તમને આપીશ. તમે આ લોકોનું મેલું ઉપાડો અને તેઓ જે હાલતમાં રહે છે તે હાલતમાં રહી જુઓ, ત્યારે ખબર પડશે કે તેઓ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વીજળી નથી, પાણી નથી, કશું જ નથી. અહિયાં વર્ષોથી તેમનો હક અને અનામત છે. SC, ST અને OBC મળીને 70 ટકા છો. તમે જ ગુજરાતના સાચા માલિક છો.' તેમણે ઉમેર્યું હતું કે, માત્ર આંદોલનો કરીને સમય વેડફવાને બદલે હવે શાસન અને સરકાર બદલવાની દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓને સંબોધતાં જણાવ્યું કે, 'જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને સરકાર તથા વન વિભાગ માત્ર વ્યવસ્થાનો ભાગ છે.' તેમણે આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં સત્તાવાર વાપસી ન થઈ હોવા છતાં શંકરસિંહ વાઘેલા મંચ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે એકસૂરે અવાજ ઉઠાવતા જોવા મળ્યા હતા. જોકે, કેટલાક લોકોનું માનવું છે કે શંકરસિંહે તેમના આ નિવેદન થકી આદિવાસીઓની સ્થિતિ અને અનામત હોવા છતાં તેમને પડતી હાલાકીને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે કોઈ સમાજને નીચું દેખાડવાનો નહીં

શું છે સમગ્ર જમીન વિવાદ?

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સ્થાનિક આદિવાસીઓ વચ્ચે જંગલની જમીન પર કબજા અને ખેડાણને લઈને લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. સાગબારા તાલુકાના આશરે 12 જેટલા ગામોના ઉકાઈ ડેમ અસરગ્રસ્ત ખેડૂતોને ઉમરપાડા વિસ્તારમાં ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. સાગબારાના ખેડૂતો છેલ્લાં 20 વર્ષથી ઉમરપાડામાં આ જમીન પર ખેતી કરતા આવ્યા છે, પરંતુ છેલ્લાં 2 વર્ષથી બંને તાલુકાના ખેડૂતો વચ્ચે ખેડાણ મુદ્દે વિવાદ વધી ગયો છે.

વન વિભાગના અધિકારીઓ ગ્રામસભાના ઠરાવની માગણી કરીને સાગબારાના ખેડૂતોને જમીન ખેડતા અટકાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.