Mumbai

મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનની પાંખો અથડાઈ

By GS Team
4 Feb 20262 mins read
મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનની પાંખો અથડાઈ

- એક લેન્ડ થયું, બીજું ઉડયન માટે રાહમાં હતું, ટેક્સી વે પર ટક્કર 

- બંને પ્લેનમાં પ્રવાસીઓ હતા, એર ઈન્ડિયાએ ફલાઈટ કેન્સલ કરી વિમાનને ઈન્સ્પેક્શનમાં મોકલ્યું ઈન્ડિગોના વિમાનને પણ નુકસાન

મુંબઈ : મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે બે વિમાનની પાંખ એકમેકને અથડાઈ હતી. બન્ને વિમાનમાં પ્રવાસીઓ હતા. એર ઈન્ડિયા ફલાઈટ એઆઈ૨૭૩૨ અને ઈન્ડિગો ફલાઈટ ૬ ઈ૭૯૧ બન્ને વિમાનની પાંખ અથડાઈ હતી. આજે રાતે આઠ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. હજુ થોડા દિવસો પહેલાં જ મુંબઈથી બારામતી જવા રવાના થયેલાં પ્લેનને અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત નીપજ્યા બાદ આ બીજો વિમાન અકસ્માત સર્જાયો છે. જોકે, સદભાગ્યે આજના આ અકસ્માતમાં કોઈ પ્રવાસીને ઈજા થઈ ન હતી પરંતુ બંને વિમાનને નુકસાન પહોંચ્યું હતું. 

એર ઈન્ડિયાએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતુ કે તેની ફલાઈટ એઆઈ ૨૭૩૨ કોઈમ્બતુર જવા માટે રવાના થઈ રહી હતી. આ ફલાઈટ ટેક ઓફ માટે ટેક્સી વેમાં લાવવામાં આવી હતી. ત્યાં ફલાઈટ ઉભી રાખવામાં આવી હતી. તે જ અરસામાં તેની પાંખની ટોચ સાથે અન્ય વિમાનની પાંખનો છેડો ટકરાયો હતો. 

એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં તેના કોઈ પ્રવાસીને હાનિ પહોંચી ન હતી. પરંતુ, પ્લેનને નુકસાન થયું હતું. આથી તમામ પ્રવાસીને પ્લેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા અને પ્લેનને ચેકિંગ માટે મેઈનટેનન્સ એરિયામાં લઈ જવાયું હતું. પ્રવાસીઓ માટે અન્ય વૈકલ્પિક  ફલાઈટની વ્યવસ્થાના પ્રયાસો કરાયા હતા. 

બીજી તરફ ઈન્ડિગો દ્વારા તેના નિવેદનમાં જણાવાયું હતું કે તેની ફલાઈટ ૬ઈ૭૯૭ હૈદરાબાદથી આવી હતી અને ટેક્સી વેમાં જ હતી તે દરમિયાન અન્ય વિમાનની પાંખ સાથે તેના વિમાનની પાંખ અથડાઈ હતી. 

તેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ ન હતી. તમામને સહીસલામત રીતે વિમાનમાંથી નીચે ઉતારી લેવાયા હતા. 

વિમાનને ઈન્સ્પેક્શન માટે લઈ જવાયું હોવાનું વિમાની કંપનીએ જણાવ્યું હતું.