ભુઇગાંવ બીચ પર તણાઈ આવેલા વ્હેલના બચ્ચાને મળ્યું જીવનદાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વહેલી સવારે બનેલી રોમાંચક અને હૃદયસ્પર્શી ઘટના
લાઇફગાર્ડની સતર્કતાથી દિશાહીન થયેલા બચ્ચાંને સુરક્ષિત રીતે ઊંડા સમુદ્રમાં છોડાયું
મુંબઈ - વસઈના ભુઇગાંવ બીચ પર શનિવારે સવારે એક રોમાંચક અને હૃદયસ્પર્શી ઘટના બની હતી. દરિયાના પાણીમાં ફસાઈને દિશાહીન બનેલા વ્હેલના એક બચ્ચાને બીચ પર ફરજ બજાવી રહેલા લાઇફગાર્ડ હિતેશ ટંડેલે સમયસર બચાવીને સુરક્ષિત રીતે ઊંડા સમુદ્રમાં છોડી દીધું હતું. તેમની સતર્કતા અને હિંમતને કારણે દરિયાઈ પ્રાણીનો જીવ બચી ગયો હતો.
આ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સવારે આશરે ૮.૩૦થી ૯ વાગ્યાની વચ્ચે ભુઇગાંવ બીચ પર એક વ્હેલનું બચ્ચું જોવા મળ્યું હતું. દરિયાકિનારે પાણીનું સ્તર ઓછું હોવાથી બાળક સમૃદ્ધના પાણીમાં ફસાઈ ગયું હતું અને દિશાહીન હાલતમાં વારંવાર મોજા સાથે કિનારા તરફ તણાઈ આવતું હતું. જેના કારણે તેના જીવ પર જોખમ ઊભું થયું હતું.
આ ઘટનાની જાણ બીચ પર ફરજ પર રહેલા લાઇફગાર્ડ હિતેશ ટંડેલને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે કોઈ ઉતાવળ કર્યા વિના ખૂબ જ કાળજીપૂર્વક વ્હેલના બચ્ચાને પાણીમાંથી બહાર કાઢીને ઊંડા સમુદ્ર તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
થોડા પ્રયત્નો બાદ બચ્ચું ઊંડા પાણીમાં પહોંચી ગયું હતું અને દરિયાના મોજામાં અદ્રશ્ય થઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને લાઇફગાર્ડ હિતેશ ટંડેલની કામગીરીની પ્રશંસા કરી હતી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના વ્હેલના બાળકને બચાવવા માટે પહેલ કરનાર હિતેશ ટંડેલની સતર્કતા, હિંમત અને દરિયાઈ જીવો પ્રત્યેની સંવેદનશીલતાને કારણે આ બચ્ચુ નવું જીવન મળ્યું હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.









