For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવનીત રાણા સહિત 204 ઉમેદવારોનું ભાવિ મતદારોએ ઈવીએમ મશીનમાં સીલ કર્યું

Updated: Apr 27th, 2024

નવનીત રાણા સહિત 204 ઉમેદવારોનું ભાવિ મતદારોએ ઈવીએમ મશીનમાં સીલ કર્યું

2જા તબક્કામાં મહારાષ્ટ્રની 8 બેઠકો પર સરેરાશ 53.51 ટકા મતદાન

સૌથી ઓછુ મતદાન હિંગોલીની બેઠક ઉપર 52.03 ટકા ગરમીની અસર વર્તાઈ

પરભણીના એક ગામડાના રહેવાસીઓ ચૂંટણીનો બહિષ્કાર કર્યો : 5 કલાક બાદ જિલ્લાધિકારીએ હસ્તક્ષેપ કરતાં મતદાન કરાયું

મુંબઈ :  મહારાષ્ટ્રમાં આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આઠ બેઠકો પર સરેરાશ ૫૩.૫૧ ટકા સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન અસહ્ય ગરમી વચ્ચે થયુ હતું. નવનીત કૌર રાણા સહિત ૨૦૪ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ. મશીનમાં સીલ થયું છે અને ૪ જૂનના રોજ મતગણતરી થશે.  જો કે આજે સૌથી મતદાન હિંગોલીમાં ૫૨.૦૩ ટકા થયું હતું.

રાજ્યમાં વિદર્ભ (પૂર્વ) મહારાષ્ટ્રની અકોલા, અમરાવતી, બુલઢાણા, વર્ધા અને યવતમાળ - વાશિમ બેઠકો અને મધ્ય મરાઠાવાડા ક્ષેત્રમાં હિંગોલી, નાંદેડ અને પરભણી બેઠકો પર નાના છૂટછવાયા છમકલાની વચ્ચે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા વચ્ચે મતદાન થયું હતું.

આજે સાંજે ૫ વાગ્યા સુધી વર્ધમાં ૫૬.૬૬ ટકા, અમરાવતીમાં ૫૪.૫૦ ટકા, પરભણીમાં ૫૩.૭૯ ટકા, અકોલામાં ૫૨.૪૯ ટકા, નાંદેડમાં ૫૨.૪૭ ટકા, બુલઢાણામાં ૫૨.૨૪ ટકા અને હિંગોલીમાં ૫૨.૦૩ ટકા મતદાન નોંધાયું હતું, એમ ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું.

આ મત વિસ્તારોમાં મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધ્યો ન હતો અને પ્રક્રિયા મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે થઈ હતી. એમ અધિકારીએ ઉમેર્યું હતું.

નાંદેડ લોકસભા મત વિસ્તારના રામપુરીમાં એક ૨૬ વર્ષીય વ્યક્તિએ કથિત રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ને લોકંડની વસ્તુ વડે ફટકારીને નુકસાન પહોંચાડયું હતું અને તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પૂછપરચ કરતાં તેણે પોલીસને કહ્યું હતું કે તે સત્તામાં ખેડૂત અને મજૂર તરફી સરકાર ઈચ્છે છે.

અધિકારીઓએ જણાવ્યા અનુસાર કુલ ૨૦૪ ઉમેદવારો મેદાનમાં હતા. બુલઢાણામાં ૨૧, અકોલામાં ૧૫, અમરાવતીમાં ૩૭, વર્ધમાં ૨૪, યવતમાળ વાશિમમાં ૧૭, હિંગોલીમાં ૩૩, નાંદેડમાં ૨૩ અને પરભણીમાં ૩૪ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ. મશીનમાં સીલ થયું છે.

રાજ્યમાં આઠ બેઠકોના ૧૬, ૫૮૯ મતદાન કેન્દ્રોમાં લગભગ ૧.૪૯ કરોડ મતદારોમાં પુરુષની સંખ્યા ૭૭,૨૧,૩૭૪ અને મહિલાઓની સંખ્યા ૭૨,૦૪,૧૦૬ છે. તેમજ તૃતીય પંથી ૪૩૨ મતદારો મતદાન માટે પાત્ર હતા.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા અને રાજ્ય સભાના સાંસદ ભાજપ વતી બન્યા છે. નાંદેડમાં પ્રારંભિક કલાકોમાં તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું.

બુલઢાણા, યવતમાળ - વાશિમ અને હિંગોલીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે સીધો મુકાબલો જોવા મળી છે.

અમરાવતીની બેઠકમાં ત્રિશુંક લડત છે. કોંગ્રેસના બળવંત વાનખેડે, ભાજપના નવનીત રાણા તેમજ પ્રહાર જનશક્તિ પાર્ટીના ઉમેદવાર દિનેશ બુબ વચ્ચે જોરદાર લડત છે.

વર્ધામાં એન.સી.પી. (શરદ પવાર)ના ઉમેદવાર અમર કાળે અને ભાજપના સાંસદ રામદાસ તાડસે સામે જંગ છે.

નાંદેડમાં ભાજપના પ્રતાપ ચિખલકર સામે કોંગ્રેસના ઉમેદવાર વસંત ચવ્હાણ સામે સીધી લડત છે.

અકોલામાં ભાજપના અનુપ ઘોષ અને કોંગ્રેસના અભય પાટીલ વચ્ચે મુકાબલો છે. પણ ત્રીજા ઉમેદવાર તરીકે વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકર છે.

પરભણીમાં મહાયુતિના ઘટક પક્ષ રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર મહાદેવ જાનકરની સામે શિવસેના (યુ.બી.ટી.)ના ઉમેદવાર સંજ ય જાધવ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

આ આઠ બેઠકો પર નવનીતરાણા સહિત ૨૦૪ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ. મશીનમાં સીલ થયું છે અને ૪ થી જૂનના રોજ મતગણતરી થશે.

આઠ બેઠકો પર મતદાનની ટકાવારી

વર્ધા ૫૬.૬૬ ટકા

અકોલા ૫૨.૪૯ ટકા

અમરાવતી ૫૪.૫૦ ટકા

બુલઢાણા ૫૨.૨૪ ટકા

હિંગોલી ૫૨.૦૩ ટકા

નાંદેડ ૫૨.૪૭ ટકા

પરભણી ૫૩.૭૯ ટકા

યવતમાળ-વાસિમ ૫૪.૦૪ ટકા


Gujarat