જયપુરના બે ઈડી અધિકારીઓએ બેફામ ૨.૨૫ કરોડની ખંડણી પડાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈના ઉદ્યોગપતિને ગુના દ્વારા મળેલી રકમના ઉપયોગનો આક્ષેપ કરી ધમકાવ્યા
પાંચ કરોડ માગ્યા બાદ સવા બે કરોડમાં પતાવટ માટે તૈયાર થયાઃ રકમ મળી ગયા પછી પણ વધુ પૈસા તથા હપ્તાની માગણી
મુંબઈ - મુંબઈના એક ઉદ્યોગપતિને કાર્યવાહીની ધમકી આપી તેમના પાસેથી ૨.૨૫ કરોડ રૃપિયાની ખંડણી વસુલવાના આરોપસર જયપુરમાં કાર્યરત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના બે અધિકારીઓ સામે ગોરેગાંવના બાંગુરનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ પ્રકરણની વધુ તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. વિન્ટ્રી ટેક પ્રાઇવેટ લિમિટેડના માલિક અમૂલ્ય વસા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
૨૦ જુલાઈના રોજ જયપુર ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મોહિત ગર્ગ (૩૬) અને એક એન્ફોર્સમેન્ટ અધિકારી દેવેન્દ્ર ગુપ્તા (૩૫)એ મલાડ પશ્ચિમમાં કેન પ્લાઝા ખાતે વસાની ઓફિસની મુલાકાત લીધી હતી. તેમણે વસા પર ગુનામાંથી મળેલી રકમનો દુરુપયોગ કરવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. કોઈ પણ સત્તાવાર દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા વિના બન્નેએ સર્ચ ઓપરેશન, જપ્તી અને ધરપકડની ધમકી આપી હતી.
શરૃઆતમાં તેમણે પાંચ કરોડ રૃપિયાની માગણી કરી હતી અને અંતે ૨.૨૫ કરોડમાં સમાધાન થયું હતું. વાટાઘાટો પછી બીજા દિવસે આરોપીએ એક કરોડ રૃપિયા ચૂકવ્યા હતા. બાકીના ૧.૨૫ કરોડ રૃપિયા માટે આરોપી દિલ્હીના એક મોલમાં વસાના સહયોગીઓને મળ્યા હતા. ત્યાં બાકીની રકમ ખોટા દસ્તાવેજો બતાવીને પડાવી લેવામાં આવી હતી, જેમાં કેસનો ઉકેલ આવી ગયો હોવાનું જણાવ્યું હતું. આટલી મોટી રકમ પડાવ્યા પછી પણ આરોપીઓ તરફથી વધારાના પૈસા અને નિયમિત માસિક હપ્તાની માગણી કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આ લોકોએ કહ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓ નારાજ થયા છે.
આ ઘટના બાદ જ્યારે વસાએ આ બાબતે વધુ તપાસ કરી ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. શરૃઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને આરોપીઓ સાથે જ ઈડીના અધિકારીઓ હતા. આ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બન્ને અધિકારીઓ સામે તેમના પદ અને સત્તાનો દુરુપયોગ કરી કાવતરું ઘડવા બદલ સઘન તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે ફરિયાદમાં નામ આપવામાં આવેલા બન્ને માણસો ખરેખર ઈડીના અધિકારીઓ હતા.
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ગર્ગ અને ગુપ્તાએ ઈડીમાં કામ કરતી વખતે તેમના હોદ્દા અને એજન્સીના અધિકારનો દુરુપયોગ કર્યો હતો. વસાને ગુનાની આવક સાથે સંકળાયેલા વ્યવહારોમાં સામેલ હોવાનું ખોટી રીતે દર્શાવી ડરાવવાનું કાવતરું ઘડયું હતું અને ૨.૨૫ કરોડ રૃપિયાની માગણી કરી આ રકમ સ્વીકારી હતી.




