ઢોસામાંથી ઉંદરના કેસમાં ટ્વિસ્ટઃ બે બહેનોએ હોટલ માલિક પાસે ૨૫ લાખની ખંડણી માગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ ફરિયાદ તથા વીડિયો વાયરલ નહિ કરવાના પૈસા માગ્યા
બોરીવલીની રાધાકૃષ્ણ હોટલમાં જ પોલીસે ગોઠવેલાં છટકામાં છ લાખ લેવા આવેલી બહેન રંગે હાથ ઝડપાઈ
ઢોસામાં ઉંદરનો વીડિયો વાયરલ થયા બાદ એફડીએએ હોટલનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું, હવે મૂળ ફરિયાદી જ આરોપીના પિંજરામાં
મુંબઇ - બોરીવલીની રાધાકૃષ્ણ હોટલમાં મૈસુર મસાલા ઢોસામાંથી મરેલો ઉંદર મળી આવવાના કિસ્સામાં ંનવો વળાંક આવ્યો છે. બે બહેનોએ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ નહીં કરવા તથા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ નહિ કરવાના બદલામાં હોટલ માલિક પાસેથી પચ્ચીસ લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ હોટલ માલિકે કર્યા બાદ આ ખંડણીના ભાગ પેટે છ લાખ રુપિયા હોટલ પર આવેલી બે બહેનો રંગે હાથ ઝડપાઈ હતી.
કાંદિવલીમાં રહેતા હોટલ માલિક જય કિશોર શાહે આપેલી પોલીસ ફરિયાદ અનુસાર ૨૪ સપ્ટેમ્બરની રાતે નવ વાગ્યે ગોરાઈમાં રહેતી ૩૬ વર્ષીય માનસી આચાર્ય તથા તેની બહેન ૨૯ વર્ષીય કિંજલ ભાટિયા એક સગીર તથા બે પુરુષો સાથે રાધાકૃષ્ણ હોટલમાં આવ્યા હતા અને તેમણે મૈસુર મસાલા ડોસો મગાવ્યો હતો. તેમણે આ ઢોસામાં મરેલો ઉંદર મળ્યો હોવાનો દાવો કરી હંગામો મચાવ્યો હતો , વીડિયો બનાવ્યો હતો અને પોલીસને પણ બોલાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એફડીએ દ્વારા હોટલનું ફૂડ લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દેવાયું હતું.
દરમિયાન બાદમાં માનસી આચાર્યએ હોટલ માલિક સામે પોલીસ ફરિયાદ નહીં કરવા તથા ઢોસામાં ઉંદરનો વીડિયો વાયરલ નહીં કરવા બદલ પચ્ચીસ લાખની ખંડણી માગી હતી. હોટલ માલિકે આ રકમ વધારે પડતી હોવાનું જણાવતાં રકઝક બાદ સાત લાખ રુપિયાની રકમ નક્કી થઈ હતી. હોટલ માલિકે શરુઆતમાં એક લાખ રુપિયા ચૂકવી પણ દીધા હતા. પરંતુ બાદમાં માનસીએ વારંવાર બાકીના પૈસા ચૂકવવા દબાણ કર્યું હતું.
આખરે હોટલ માલિકે આ માગણીઓથી કંટાળીને પોલીસનો સંપર્ક કર્યો હતો. બોરીવલી પોલીસની સૂચના મુજબ હોટલમાં પાંચમી ઓક્ટોબરના પોણા છ વાગ્યે છટકું ગોઠવાયું હતું તેમાં માનસી છ લાખ રુપિયા રોકડા લેવા આવતાં રંગે હાથ ઝડપાઈ હતી.
બોરીવલી પોલીસે માનસી અમિત આચાર્ય તથા કિંજલ સુભાષ ભાટિયા સામે બીએનએસની કલમ ૩૦૮ (બ) તથા કલમ ૩ (૫) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ કેસમાં તત્કાળ કોઈ ધરપકડ કરવામાં આવી છે કે કેમ તે બોરીવલી પોલીસે કન્ફર્મ કર્યું ન હતું.




