ટીવી સ્પોર્ટસ પ્રેઝન્ટર શેફાલી બગ્ગાએ ઈડીમાં સવા કરોડ જમા કરાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહાદેવ એપ કસમાં શેફાલીને ત્યાં દરોડા પડયા હતા
શેફાલીનો દાવોઃ મહાદેવ એપનો અજાણતાં જ પ્રચાર કર્યો, ગતિવિધિઓ વિશે બહુ માહિતી ન હતી
મુંબઈ - હાઈ-પ્રોફાઇલ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તેની કથિત ભૂમિકા બદલ તપાસનો સામનો કરી રહેલી ટેલિવિઝન સ્પોર્ટસ પ્રેઝન્ટર શેફાલી બગ્ગાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ ૧.૨ કરોડ જમા કરાવ્યા છે. ઈડીનો એવો આરોપ છે કે આ રકમ શેફાલીએ મહાદેવ પ્લેટફોર્મ પર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા માટે મેળવી છે. મે મહિનામાં એજન્સીએ બગ્ગાના દિલ્હી અને મુંબઈના રહેઠાણોની તપાસ દરમિયાન ૩૦ લાખ જપ્ત કર્યા હતા. જેનાથી તેને મળેલી કુલ રકમ ૧.૫ કરોડ રૃપિયા થઈ હતી.
દેશના સૌથી મોટા ગેરકાયદેસર સટ્ટાબાજી સિન્ડિકેટમાંના એક એવા મહાદેવ એપ કૌભાંડમાં ઓનલાઈન જુગાર રમાડતાં પ્લેટફોર્મના સહપ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉષ્પલમૂળ છતીસગઢ ના હતા તેઓએ દુબઈથી સંચાલિત આ પ્લેટફોર્મને ફ્રેન્ચાઈઝી નેટવર્ક દ્વારા વિસ્તૃત કર્યું હતું અને બેનામી બેંક ખાતાઓના જટિલ નેટવર્ક દ્વારા મની લોન્ડરિંગ કર્યું હતું.
ઈડીએ જણાવ્યું હતું કે આ પ્રકરણની તપાસમાં શેફાલી બગ્ગાએ તેમને જણાવ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા ગેરકાયદે બાબતો વિશે તેને કોઈ જાણકારી નહોતી. તેણે છતીસગઢના રાયપુરની ખાસ કોર્ટને માહિતી આપી હતી કે તેણે પ્રમોશનલ પ્રવૃત્તિઓ માટે જે રકમ સ્વીકારી છે તે આરોપ મૂકેલી રકમ પરત કરી દીધી છે. બગ્ગા બિગબોસની ભૂતપૂર્વ સ્પર્ધક છે. તે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૫.૬ મિલિયન (૫૬ લાખ) ફોલોઅર્સ ધરાવે છે.
તપાસ દરમિયાન શેફાલી બગ્ગાએ ૧.૨ કરોડ રૃપિયાની બાકી રકમ ઈડીને પાછી આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેણે ૫૦ લાખ અને ૭૦ લાખ રૃપિયાના બે ડિમાન્ડ ડ્રાફ્ટ (ડીડી) ઈડીના રાયપુર યુનિટને સુપરત કર્યા હતા. ઈડીનું રાયપુર યુનિટ ૨૦૨૨થી આ કેસની બહુ રાજ્ય તપાસનું નેતૃત્વ કરે છે. જુલાઈમાં શેફાલીના પિતા અને ભાઈના નિવેદનો લેવામાં આવ્યા હતા.
આ બાબતે શેફાલીએ માધ્યમોને જણાવ્યું હતું કે મારી ભૂમિકા અજાણતાં જ સોશિયલ મીડિયા પર કેટલીક બ્રાન્ડ્સને પ્રમોટ કરવા સુધી મર્યાદિત હતી. જેમ ઘણી જાહેર હસ્તીઓ અને સેલિબ્રિટીઓ પ્રમોશનલ પ્રવૃત્તિઓ કરતી હોય છે. તેવી જ આ પ્રવૃત્તિ હતી. આ સિવાય મને તે બ્રાન્ડ્સ અથવા અન્ય કોઈ એન્ટિટી સંબંધિત અન્ય કોઈ પ્રવૃત્તિઓ અથવા કામગીરીની કોઈ જાણ નહોતી અને તેમા મારી કોઈ સંડોવણી પણ નહોતી. મે તપાસમાં પૂર્ણપણે સહકાર આપ્યો છે અને મને મળેલી સંપૂર્ણ રકમ પાછી સોંપી દીધી છે. મને આપણા કાયદા અને ન્યાયતંત્રમાં પૂર્ણ વિશ્વાસ છે તેવું શેફાલીએ જણાવ્યું હતું. શેફાલીનું નિવેદન ઈડીએ સાક્ષીના નિવેદન તરીકે નોંધ્યું છે.




