બદનામીના ડરથી એક જ પરિવારના સાત જણની આત્મહત્યા : નદીમાં મૃતદેહ મળ્યા

Updated: Jan 24th, 2023


પુણેની કમકમાટીભરી ઘટના

પુત્ર સંબંધીની વિવાહિત મહિલા સાથે નાસી જતા હતાશામાં હતા

મુંબઈ :  પુણેમાં ભીમા નદીમાંથી કુલ સાત મૃતદેહો મળી આવતા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મૃતકમાં પતિ, પત્ની, તેમની પુત્રી, જમાઈ, ત્રણ પૌત્રનો સમાવેશ છે. પુત્ર સંબંધીની વિવાહિત મહિલા સાથે નાસી જતા પોતાના કુટુંબની બદનામી થશે એવા ડરથી મોહન પવારે ભીમા નદીમાં ઝંપલાવીને સામૂહિક આત્મહત્યા કરી હતી.

મૃતક મોહન પવાર મૂળ બીડના ગેવરાઈ પરિસરનો રહેવાસી હતો. તે એક વર્ષ અગાઉ પરિવાર સાથે પુણેના દૌંડ તાલુકામાં પારગાવ ખાતે રહેવા આવ્યો હતો. ખેતરમાં મજૂરી, ખોદકામ, શેરડીના પાકની કાપણી અને અન્ય કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેનો નાનો પુત્ર અમોલ તેમના સંબંધીની વિવાહિત મહિલાને લઈને પલાયન થઈ ગયો હતો. મોહન પવાર અને તેના પરિવારે આનો વિરોધ કર્યો હતો. પવારે પુણેમાં અલગ રહેતા મોટા પુત્ર રાહુલને ફોન કરીને અમોલને સમજવવા કહ્યું હતું. મહિલાને તેના ઘરે પાછી છોડી આવવા અમોલને કહ્યું હતું. જો અમોલ તેમની વાત માનશે નહીતો કુટુંબ સાથે આત્મહત્યા કરશે એવી પણ પિતા મોહન પવારે જણાવ્યું હતું.

પરંતુ અમોલ તેના નિર્ણયને બદલવા માગતો નહોતો. તેણે પિતાની વાત કાને ધરી નહોતી.

છેવટે હતાશામાં મોહન પવારે તેની પત્ની સંગીતા, પુત્રી રાણી, જમાઈ શ્યામ ફુલવરે, પૌત્ર સાત વર્ષીય રિતેશ, પાંચ વર્ષીય છોટૂ, ત્રણ વર્ષીય કૃષ્ણા સાથે ભીમા નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી હતી.

આ નદીમાંથી એક પછી એક સાત જણના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક એક મહિલા પાસેથી મળેલા મોબાઈલ ફોનથી તેમની ઓલખાણ થઈ હતી.


    Sports

    RECENT NEWS