ટાઈગર પર ફાયરિંગ પછી દિશાના બરેલીના ઘરે સુરક્ષા વધારાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભૂતકાળના હુમલાને ધ્યાનમાં રાખીને તકેદારી રખાઈ
ચોવીસ કલાક પોલીસ પહેરો, સીસીટીવી દ્વારા ચાંપતી નજર, દિશાના પિતાને સતર્ક રહેવા સૂચના
-મુંબઈમાં બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબાર પછી બરેલીમાં રહેતા અભિનેત્રી દિશા પટણીના પિતા અને નિવૃત્ત ડેપ્યુટી એસપી જગદીશ સિંહ પટણીના નિવાસ સ્થાને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ગત વર્ષે પટણી પરિવાર પર પણ આવા જ ગોળીબારની ઘટના બની હોવાથી પોલીસે સાવચેતી રૃપે આ મહત્વનું પગલુ ભર્યું છે.
સર્કલ ઓફિસર આશુતોષ શિવમે પટણીના નિવાસ સ્થાનની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે પરિસરમાં અંદર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ તૈનાત જવાનોને સતર્ક રહેવા સૂચના આપી હતી. જગદીશ પટણી સાથે વાતચીત કરીને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન પટણીના નિવાસ સ્થાને બે દિવસ સુધી ગોળીબારની ઘટનાઓ બની હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈ તેમજ ગોલ્ડી બ્રાર ગેન્ગની સંડોવણી સામે આવી હતી. ત્યાર પછી ઉત્તર પ્રદેશ એસટીએફ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે શૂટર્સ માર્યા ગયા હતા, જ્યારે સગીરો સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.
બીજી તરફ મુંબઈના જુહુ વિસ્તારમાં મોટરસાઈકલ સવાર અજાણ્યા હુમલાખોરોએ ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઈગર શ્રોફ સુરક્ષિત રહ્યા હતા, પણ તેમના ડ્રાઈવર અને એક રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે મુંબઈ પોલીસે રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.




