મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: 'વોટ ચોરી' મુદ્દે રાજ ઠાકરે લાલઘૂમ, બેલેટ પેપરથી ચૂંટણીની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raj Thackeray Garjna March Mumbai Election Commission Vote Theft Ballot Paper | આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના સંયુક્ત નેતૃત્વમાં ચૂંટણી પંચ સામે મુંબઈના રસ્તા પર 'ગર્જના માર્ચ' કાઢવામાં આવી હતી. મતદાર યાદીઓમાં થયેલી કથિત ગેરરીતિ અને 'વોટ ચોરી' મુદ્દે ચૂંટણી પંચ સામે મોરચો માંડતા રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી કમિશન પર આકરા પ્રહારો કર્યા હતા.
રાજ ઠાકરેએ ચૂંટણી પંચ સમક્ષ બે મોટી માગણીઓ મૂકી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર 6 મહિનાના ગાળામાં મહારાષ્ટ્રમાં લાખો નવા મતદારો ક્યાંથી અને કેવી રીતે આવી ગયા?
ચૂંટણી પંચ સમક્ષ રાજ ઠાકરેની બે મુખ્ય માગણીઓ
રાજ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યું કે જો લોકશાહી બચાવવી હોય તો ચૂંટણી વ્યવસ્થામાં મૂળભૂત સુધારા કરવા પડશે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણાની સમગ્ર કામગીરી શંકાસ્પદ હોવાથી તેને તાત્કાલિક રદ કરવામાં આવે. ઇલેક્ટ્રોનિક વોટિંગ પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો હોવાથી હવે દેશમાં ફરીથી બેલેટ પેપર દ્વારા જ મતદાન થવું જોઈએ.
'2018-19 માં સોનિયા ગાંધીને કહ્યું હતું કે ચૂંટણીનો બહિષ્કાર કરો'
રાજ ઠાકરેએ દાવો કરતાં કહ્યું કે, મેં વર્ષ 2018-19 માં જ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને તેમને કહ્યું હતું કે દેશમાં મતોની ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે, તેથી તમામ વિપક્ષોએ સાથે મળીને ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ. કારણ કે આ પ્રકારે અકુદરતી મતદાન ક્યારેય શક્ય જ નથી.
વિધાનસભામાં બહુમતી મળી છતાં સન્નાટો કેમ? 6 મહિનામાં 40 લાખ મતદારો વધ્યા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અને મતદાર યાદીના આંકડા સામે લાવતાં રાજ ઠાકરેએ ગંભીર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મળવા છતાં સમગ્ર મહારાષ્ટ્રમાં સ્મશાનવત સન્નાટો કેમ હતો? લોકોમાં કોઈ ઉત્સાહ નહોતો. આ કેવો વિજય છે? લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે માત્ર 6 મહિનાનો સમય હતો. આ 6 મહિનામાં મતદારોની સંખ્યામાં 40 લાખથી 60 લાખનો તોતિંગ વધારો કેવી રીતે થઈ ગયો? એવું તે શું બન્યું કે અચાનક આટલા લાખો વોટ ઉમેરાઈ ગયા?
'એરપોર્ટ, પોર્ટ અને જંગલ એક જ ઉદ્યોગપતિને કેમ?'
ચૂંટણી પંચ ઉપરાંત રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશના જંગલો, એરપોર્ટ અને બંદરો જેવી રાષ્ટ્રીય સંપત્તિઓ માત્ર એક જ ઉદ્યોગપતિને સોંપવામાં આવી રહી છે. આટલી બધી સત્તા અને તાકાત ક્યાંથી આવી રહી છે? કોંગ્રેસના શાસનકાળમાં પણ દેશના અનેક ઉદ્યોગપતિઓ આગળ વધ્યા હતા, પરંતુ વર્તમાન શાસનમાં માત્ર એક જ ચોક્કસ ઉદ્યોગપતિને અઢળક ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે.
'જનતા ગમે તેટલા મોરચા કાઢે, સરકારનું વલણ બદલાતું નથી'
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, પ્રજા ગમે તેટલા વિરોધ પ્રદર્શનો કરે, મોરચા કાઢે કે અવાજ ઉઠાવે, પણ સરકાર સંવેદનહિન થઈ ગઈ છે.




