મુલુંડમાં ફેરિયાઓ, દુકાનો, વેધર શેડના દબાણો હટાવાયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્લીન ફૂટપાથના હાઈકોર્ટના આદેશો બાદ કાર્યવાહી
મોટા પાયે સામાન જપ્ત કરાયોઃ સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે ૩ વોર્ડની ટીમોની કાર્યવાહી
મુંબઈ - મુંબઈ મહાપાલિકાએ આજે મુલુંડ વિસ્તારમાં ફૂટપાથ રોકીને બેઠેલા ફેરિયાઓ, ગેરકાયદે દુકાનો અને વરસાદી શેડ સામે બીએમસીએ તવાઈ બોલાવી હતી. બીએમસી વોર્ડ ટી, એસ અને એન વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ૪૦ વરસાદી શેડ(વેધર શેડ), ૮ ગેરકાયદે દુકાનો અને ૩૦ ફેરિયાઓને હટાવી દેવામાં આવ્યા હતા.
હાઇકોર્ટના નિર્દેશોને પગલે મુંબઈ મહાપાલિકા દ્વારા રાહદારી પ્રથમ અભિયાન શરુ કરાયું છે.
મુલુંડ પશ્ચિમના રામ રતન ત્રિવેદી માર્ગ, જવાહરલાલ નેહરુ માર્ગ, સેવારામ લાલવાણી માર્ગ, રતનજી હીરજી ભોગરાજ માર્ગ, ઝવેરી માર્ગ અને ગણેશ ગાવડે માર્ગ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. મુલુંડ પૂર્વમાં લોકમાન્ય ટિળક માર્ગ અને નવઘર માર્ગ પર પણ અતિક્રમણો હટાવવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન ફૂટપાથ પર અડચણરૃપ બનેલા સામાન પણ જપ્ત કરવામાં આવ્યા હતા પરિમંડળ-૬ના ૧૩ જુનિયર એન્જિનિયર, ૭ લાઇસન્સિંગ ઇન્સ્પેક્ટર અને ૬૬ કામદારો સહિતના સ્ટાફને કામગીરીમાં જોડવામાં આવ્યો હતો. ઉપરાંત ૧૦ વાહનો, પાંચ ડમ્પર અને પાંચ જેસીબી સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.









