એમબીબીએસના ફર્સ્ટ યરની પરીક્ષા માટે ચારથી વધુ પ્રયાસ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ હાઈકોર્ટે એમબીબીએસની વિદ્યાર્થિનીની અરજી ફગાવી
ચાર વખત પરીક્ષા આપવા છતં પાસ ન થયેલી વિદ્યાર્થિનીએ વધુ એક તક માગી, પરંતુ નિયમને આધિન આ વધુ તક ન આપવાની કોર્ટની સ્પષ્ટતા
મુંબઈ - મુંબઈ હાઈકોર્ટે પ્રથમ વર્ષની એમબીબીએસ કોર્સની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થિનીને વધુમાં વધુ ચાર જ પ્રયાસો કરવાની મંજૂરી હોવાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને જણાવ્યું કે, આ મર્યાદા વિદ્યાર્થીએ કયા વિષયની પરીક્ષા કેટલા વખત આપી છે તેના આધારે અલગથી લાગુ પડતી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પ્રથમ વર્ષ એમબીબીએસ માટે ચાર પ્રયાસોની કુલ મર્યાદા છે. આ નિર્ણય એક વિદ્યાર્થિની દ્વારા એનાટોમીની પરીક્ષા ચોથી વખત આપવા માટે મંજૂરી માગતી દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં આપવામાં આવ્યો હતો.
આ કેસમાં વિદ્યાર્થિનીએ ઓગસ્ટ ૨૦૨૩માં પ્રથમ વર્ષ એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો હતો. તે એનાટોમી સિવાયના તમામ વિષયોમાં આંતરિક મૂલ્યાંકનમાં પાસ થઈ હતી. જે થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષામાં બેસવા માટે જરૃરી હતું. ત્યારબાદ તેણે એનાટોમીની પરીક્ષા ત્રણ વખત આપી હતી, પરંતુ થિયરી પરીક્ષામાં સફળતા મેળવી શકી નહોતી. જ્યારે તેને વધુ એક વખત પરીક્ષા આપવાની મંજૂરી ન હોવાનું જણાવાયું, ત્યારે તેણે બોમ્બે હાઈકોર્ટમાં ધા નાંખી હતી. વિદ્યાર્થિનીની દલીલ હતી કે, તેણે એનાટોમીની પરીક્ષા માત્ર ત્રણ વખત આપી હોવાથી તેને ચોથી વખત પરીક્ષા આપવાની તક મળવી જોઈએ.
વિદ્યાર્થિનીની આ દલીલનો વિરોધ કરતાં સંબંધિત પક્ષોએ જણાવ્યું હતું કે, લાગુ પડતાં નિયમ મુજબ પ્રથમ વર્ષ એમબીબીએસ માટે વિદ્યાર્થીને ચારથી વધુ પ્રયાસોની મંજૂરી આપી શકાય નહીં અને આ વિદ્યાર્થિની ચાર પ્રયાસો પહેલેથી જ કરી ચૂકી હતી. કોર્ટે ૨૦૨૩ના નિયમોની રેગ્યુલેશન ૨૧નો ઉલ્લેખ કરતાં નોંધ્યું કે, પ્રથમ વર્ષ (ફર્સ્ટ પ્રોફેશનલ એમબીબીએસ) માટે કોઈપણ સંજોગોમાં ચારથી વધુ પ્રયાસોની મંજૂરી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, નિયમમાં ચાર પ્રયાસોની મર્યાદા અલગ-અલગ વિષયોના પ્રયાસો માટે નથી, પરંતુ સમગ્ર પ્રથમ વર્ષ એમબીબીએસ કોર્સ માટે છે. તેથી વિદ્યાર્થીએ કયા વિષયમાં કેટલા પ્રયાસો કર્યા છે તેનાથી આ મર્યાદામાં કોઈ ફેરફાર થતો નથી.
ન્યાયમૂર્તિ ફરદોશ પી. પૂનીવાલા અને ન્યાયમૂર્તિ આર. આઈ. છાગલાની ડિવિઝન બેન્ચે નોંધ્યું કે વિદ્યાર્થિનીએ પ્રથમ વર્ષ એમબીબીએસ પરીક્ષાના ચાર પ્રયાસો પૂર્ણ કરી લીધા હોવાથી તેને એનાટોમીની વધુ એક પરીક્ષા આપવા માટે મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે રેગ્લુલેશન ૨૧ના આધારે વધુ એક પ્રયાસની માગણીને નકારી કાઢી અને વિદ્યાર્થિનીની રિટ અરજી ફગાવી દીધી.




