આજે વિસર્જન માટે મુંબઈ સજ્જ, શહેરભરમાં અનેક માર્ગો બંધ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૩૬ ખાસ લોકલ તથા મેટ્રો થ્રી આખી રાત દોડાવાશે
૨૪ હજારથી વધુ પોલીસ જવાનો અધિકારીઓનો કાફલો, બીએમસીનો પચ્ચીસ હજારનો સ્ટાફ તૈનાત, એઆઈ એનેબલ્ડ તથા ડ્રોન કેમેરાની મદદ, દરિયાામાં પેટ્રોલિંગ
મુંબઈ - આવતીકાલે અનંત ચતુર્દશી નિમિત્તે મુંબઈની હજારો ગણપતિ પ્રતિમાઓની વિસર્જન યાત્રા યોજાશે. ગિરગામ, જુહૂ ચોપાટી, પવઈ તળાવ સહિતના કુદરતી સ્ત્રોતો ઉપરાંત કૃત્રિમ જળકુંડો ખાતે થનારાં વિસર્જનને અનુલક્ષીને પોલીસ, બીએમસી, ફાયર બ્રિગેડ, રેલવે સહિતની વિવિધ એજન્સીઓ સજ્જ થઈ છે. ચોપાટી સહિતનાં સ્થળોએ આજથી જ હજારો પોલીસ જવાનો ખડકાઈ ગયા હતા. બીજી તરફ બીએમસીના આશરે પચ્ચીસ હજાર કર્મચારીઓ ડયૂટી બજાવવાના છે. વિસર્જન યાત્રાઓને ધ્યાને રાખીને આવતીકાલે મેટ્રો થ્રી રાતભર દોડવાની છે. બીજી તરફ વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની ૩૬ વિશેષ લોકલો પણ રાતભર દોડવાની છે. શહેરના ૮૪ રોડ બંધ રહેશે અને ૨૦ રૃટ્સ પર વન-વે ટ્રાફિક લાગુ કરવામાં આવશે. કેટલાક રસ્તા ફક્ત વિસર્જન યાત્રા માટે અનામત રાખવામાં આવ્યા છે.
ે મુંબઈ ટ્રાફિક પોલીસે ે દક્ષિણ અને મધ્ય મુંબઈમાં વ્યાપક ટ્રાફિક નિયંત્રણો જાહેર કર્યું છે. વિસર્જન શોભાયાત્રા દરમિયાન ભીડ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ, ડાયવર્ઝન અને નો- પાર્કિંગના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયંત્રણો પચ્ચીસમી સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યાથી ૨૬ સપ્ટેમ્બરની સવારે ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે.
ઉત્તર અને દક્ષિણ મુંબઈ વચ્ચે અવરજવર કરતા વાહનચાલકોને શક્ય હોય ત્યાં સુધી મુંબઈ કોસ્ટલ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આમાં ઈસ્ટર્ન ફ્રીવે અથવા અટલ સેતુ તરફથી ઉત્તર મુંબઈ તરફ જતાં વાહનોને પાલિકા માર્ગ, મેટ્રો જંક્શન, શામળદાસ માર્ગ, શામળદાસ જંક્શન અને પ્રિન્સેસ સ્ટ્રીટ થઈને ઉત્તર તરફના કોસ્ટલ રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
કોલાબા, મરીન ડ્રાઈવ, કફ પરેડ, બધવાર પાર્ક વિસ્તારમાં ભારે ભીડને અનુલક્ષીને વાહનચાલકોને બિનજરુરી અવરજવર ટાળવા જણાવાયું છે. મરીન ડ્રાઇવમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગને જરૃરિયાત મુજબ બંધ કરીને વાહનોને મહષ કર્વે માર્ગ અથવા એન.એસ. રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. કાલબાદેવી, ગિરગાંવ, પાયધુની, ડી.બી. માર્ગ અને તાડદેવ વિસ્તારમાં પણ વિસર્જન શોભયાત્રાને કારણે જુદા જુદા રોડ વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે.
દરમિયાન મધ્ય મુંબઈમાં પણ ભાયખલા, ભોઈવાડા, વર્લી, દાદર, માહિમ અને માટુંગા વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ રહેશે. તો દાદરમાં સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગની દક્ષિણ તરફની લેન યેસ બેંક સિગ્નલથી સિદ્ધિવિનાયક મંદિર જંક્શન વચ્ચે બંધ રહેશે, જ્યારે ઉત્તર તરફની લેન વિસર્જન શોભાયાત્રા માટે રાખવામાં આવશે. વધુમાં ટિળક ફ્લાયઓવરનો એક ભાગ પણ બંધ રાખવામાં આવશે. મુલુંડ, ભાંડુપ, મલાડ, બોરીવલી, અંધેરી સહિતના વિસ્તારોમાં પણ અનેક માર્ગો ટ્રાફિક માટે બંધ કરાશે. અનેક માર્ગો પર નો પાર્કિંગ જાહેર કરાયાં છે.
જેવીએલઆર લાલબાગ, કાલાચોકી, જુહૂ, અંધેરી, મુલુંડ વગેરે વિસ્તારોમાં ભારે વાહનો પર પ્રતિબંધ અને નો-પાકગ ઝોન છે.
લોકલ- મેટ્રોના ટાઈમિંગ
વેસ્ટર્ન રેલવે દ્વારા ૧૨ વિશેષ મિડનાઈટ સ્લો લોકલ ટ્રેનો ચર્ચગેટથી વિરાર અને પરત ચલાવવામાં આવશે. આ તમામ સ્ટેશનો પર થંભશે.ચર્ચગેટથી વિરારથ રાતે ૧.૧૫, ૧.૪૫ ., ૨.૧૫ ., ૨.૫૫ ., ૩.૧૫ . અને ૩.૪૫ કલાકે જ્યારે વિરારથી ચર્ચગેટ રાતે ૧૨.૧૫., ૧૨.૩૦ ., ૧.૧૦ ., ૧.૩૦ ., ૨.૦૦. અને ૩.૦૦. ગિરગાંવ ચોપાટીની ભીડના કારણે આવતીકાલ સાજના પાંચથી રાતના ૧૧.૩૦ સુધી ચર્ચગેટ તરફ જતી કેટલીક ટ્રેનો ચર્ની રોડ પર નહીં થંભે. ૩૭ અપ ફાસ્ટ ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટ વચ્ચે તમામ સ્ટેશન પર હોલ્ટ અપાશે.
-સેન્ટ્રલ રેલવે દ્વારા સીએસએમટીથી કલ્યાણ-થાણે એમ બંને દિશામાં કુલ ૨૨ ખાસ ટ્રેનો દોડાવાશે. હાર્બ રલાઈન પર સીએસએમટીથી પનવેલ વચ્ચે બંને દિશામાં કુલ ચાર ટ્રેનો દોડશે.
-મુંબઈ મેટ્રો એક્વા લાઈન આખી રાત ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે.
પોલીસની તૈયારી
-૨૪,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આમાં ૬ જોઈન્ટ કમિશનર, ૯ એડિશનલ કમિશનર, ૩૮ ડીસીપી, ૬૬ એસીપી, ૩,૨૧૩ અધિકારીઓ, ૧૮,૯૪૦ કર્મચારીઓ અને ૧,૦૫૦ ટ્રેઈનીઝ સામેલ છે.
-વિશેષ યુનિટ્સ જેમ કે રેપિડ એક્શન ફોર્સ, એસઆરપીએફ, ફોર્સ વન, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયટ કન્ટ્રોલ, એન્ટી-ડ્રોન સ્ક્વોડ અને હોમ ગાર્ડ્સ પણ તૈનાત છે.
-પહેલી વાર ઘોડેસવાર યુનિટ બીચો પર પેટ્રોલિંગ માટે મૂકવામાં આવી છે.
-૧૦,૦૦૦ સીસીટીવી કેમેરા (જેમાં એઆઈ અને ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજીવાળા સામેલ) અને ડ્રોન્સથી ભીડનું મોનિટરિંગ કરવામાં આવશે.
- ટ્રાફિક નિયંત્રણો માટે ૩,૫૦૦થી વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને આશરે ૭,૦૦૦ વોલન્ટિયર્સ તૈનાત.
બીએમસીની વ્યવસ્થા
-૩૮૩ કૃત્રિમ તળાવો (કૃત્રિમ પોન્ડ્સ) અને ૬૭ કુદરતી વિસર્જન સ્થળો (૪૪ બીચ/જેટી અને ૨૩ તળાવ/લેક્સ) તૈયાર કરવામાં આવ્યા છે. ૬ ફૂટથી નાની મૂતઓ ફક્ત કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરવાની ફરજિયાત છે.
-૨૫,૦૦૦થી વધુ કર્મચારીઓ વિવિધ વિસર્જન સ્થળોએ ફરજ બજાવવાના છે.
-વિસર્જન સ્થળ પર ૧,૧૯૪ સ્ટીલ પ્લેટ, ૨૩ જર્મન તરાપા, ૩૪ ક્રેન, ૮૫ એમ્બ્યુલન્સ, ૧૦ મોટરબોટ, ૧,૧૩૨ લાઈફ ગાર્ડ , ૪૯૮ નિર્માલ્ય કળશ, ૩૨૬ નિર્માલ્ય ડમ્પર, ૨૬૧ સ્વાગત કક્ષ, ૨૨૮ નિયંત્રણ કક્ષ અને ૭૫ નિરીક્ષણ મિનારા તૈયાર કરાયા છે.
- વિસર્જન સ્થળોએ ૬,૦૫૨ ફ્લડલાઇટ-સર્ચલાઇટ તથા ૪૮૯ મોબાઈલ શૌચાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- સ્વરાજ્યભૂમિ એટલે કે ગિરગાંવ ચોપાટી પર સૌથી વધુ વિસર્જન થતું હોવાથી અહીં ૧૨ કૃત્રિમ તળાવો, ૨૦ મિનારા, ૯૦ શૌચાલય, ૨૨ તરાપા, ૧,૧૯૪ સ્ટીલ પ્લેટ, ૨૨ નિર્માલ્ય કળશ, ત્રણ એમ્બ્યુલન્સ, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આશરે ૧,૦૦૦ કર્મચારીઓ તૈનાત રહેશે.




