તમારી ફિલ્મની જેમ પૈસા પણ લાપતાઃ સુપ્રીમની યાદવને ટકોર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને કોર્ટની સખત ચેતવણી
સારી ફિલ્મ બનાવીને છબી સુધારવાની સલાહ સાથે બાકી રૃપિયા નિર્ધારીત સમયમાં ચુકવી દેવાનો કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં કડક ચેતવણી આપતા બાકી રકમ ૧૩ ઓક્ટોબર સુધીમાં ચૂકવવાનો અંતિમ મોકો આપ્યો છે. મુરલી પ્રોજેક્ટ્સ પ્રા. લિ. સાથેના લાંબા સમયથી ચાલતા વિવાદમાં કોર્ટે બે કરોડ રૃપિયા જમા કરવાનો આદેશ આપ્યો હતો. યાદવે ૧.૧૫ કરોડનો ડ્રાફ્ટ તૈયાર હોવાનું જણાવ્યું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફરિયાદી કંપનીને નક્કી કરેલા નાણાં મળ્યા બાદ જ તેમની સજા સામેની અપીલ પર આગળ વિચાર કરશે.
આ કેસ ૨૦૧૦માં શરૃ થયો હતો, જ્યારે રાજપાલ યાદવે ફિલ્મ 'અતા પતા લાપતા' બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી પાંચ કરોડની નાણાંકીય મદદ લીધી હતી. ફિલ્મ નિષ્ફળ જતા ચુકવણીનો વિવાદ સર્જાયો. સમાધાન માટે આપવામાં આવેલા રૃા. ૧.૦૫ કરોડના સાત ચેક બાઉન્સ થયા હતા. ૨૦૧૨માં વ્યાજ સહિત આશરે રૃા. ૧૧ કરોડ ચુકવવાની સંમતિ દર્શાવવામાં આવી હતી.
દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને સાતેય કેસમાં ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી અને ફરિયાદીને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ તેમની ચુકવણીમાં વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમ્યાન રાજપાલ યાદવે પોતાની ફિલ્મી કારકિર્દી અને ભારે નુકસાનીની વાત કરી હતી, જેના પર મુખ્ય ન્યાયાધીશે હળવી રમૂજ કરી.
રાજપાલ યાદવના વકીલે કોર્ટને જણાવ્યું કે રૃા. ૧.૧૫ કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર છે અને બાકીના ૮૫ લાખ રૃપિયા સંપત્તિના વેચાણથી મેળવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવ દ્વારા જમા કરાયેલા રૃા. ૧.૧૫ કરોડની નોંધ લીધી અને કહ્યું કે તેમનું વર્તન સંતોષકારક નથી, છતાં તેમને સુધરવાની તક આપવામાં આવી રહી છે.
રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા'થી થયેલા બસો કરોડના નુકસાનનો ઉલ્લેખ કર્યો. તેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે તેમને સારી ફિલ્મ બનાવી ફરીથી લોકોનું મનોરંજન કરવા અને પોતાની છબી સુધારવાની સલાહ આપી. કોર્ટે હળવા અંદાજમાં કહ્યું કે અહીં કેટલાક વકીલો પણ સારા કલાકાર છે, તેમને પણ ફિલ્મમાં લઈ શકાય. હવે આ મામલે આગામી સપ્તાહે વધુ સુનાવણી થશે.




