Updated: Mar 17th, 2023
સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, હોટલ સંચાલકોનો મોરચો
સુપ્રીમના આદેશ બાદ પ્રાયોગિક ધોરણે શરુ કરાયેલી ઈ રિક્ષાઓેને સારો પ્રતિસાદ મળવા છતાં બંધ કરી દેવાતાં રોષ
મુંબઇ : એક પણ મોટર-વાહન વગરના ઇકો-સેન્ઝીટીવ ઝોનમાં આવેલા માથેરાનમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઇ-રિક્ષાઓ દોડતી કરવામાં આવ્યા બાદ ટ્રાયલ-રન પછી બંધ કરી દેવાતા સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે. આ ઇ-રિક્ષા કાયમી ધોરણે શરૃ કરવાની માગણી સાથે માથેરાનના વેપારીઓ, રહેવાસીઓ અને અન્ય વ્યાવસાયિકોએ આજે જડબેસલાખ બંધ પાળી મોર્ચો કાઢ્યો હતો.
માથેરાનમાં મોટર-વાહનો પર પ્રતિબંધ હોવાથી બધો વ્યવહાર માણસ દ્વારા ખેંચાતી રિક્ષા અને ઘોડાની મદદથી ચલાવવામાં આવે છે. માણસ દ્વારા હાથરિક્ષામાં માસને ખેંચવામાં આવે એને અમાનવિય કૃત્ય ગણાવી સ્થાનિક રહેવાસી સુનીલ શિંદે ૨૦૧૨થી લડત ચલાવતા હતા. ઠેઠ સુપ્રીમ કોર્ટમાં ધા નાખ્યા પછી ગયા વર્ષથી સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ ઇ-રિક્ષા પ્રાયોગિક ધોરણે શરૃ કરવામાં આવી હતી ગઇ ચોથી માર્ચે ટ્રાયલ પિરિયડ પૂરો થતા રિક્ષા ચોથી માર્ચથી બંધ કરવામાં આવી હતી.
પ્રાયોગિક ધોરણે શરૃ કરવામાં આવેલી સાત ઇ-રિક્ષાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ તો પર્યટકો માટે ખૂબ ઉપયોગી સાબીત થઇ હતી. એટલે જ આ રિક્ષા કાયમી ધોરણે શરૃ કરવાની માગણી સાથે આજે સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યોહતો અને નગરપાલિકા સામે મોર્ચો લઇ જવામાં આવ્યો હતો. ગુજરાતી વેપારીએ કહ્યું હતું કે બંધને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. અમને આશા છે કે આવનારા દિવસોમાં ઇ-રિક્ષા કાયમ માટે દોડતી કરવામાં આવશે.
માથેરાનમાં અત્યારે ૯૪ હાથરિક્ષા અને ૪૬૦ ઘોડા છે હાથરિક્ષાવાળાને તબક્કાવાર ઇ-રિક્ષા અપાવવાની યોજના છે. પરંતુ ઇ-રિક્ષાને કારણે પોતાના ધંધાને ફટકો પડશે એવું લાગતા અશ્વપાલકો આડકતરી રીતે વિરોધ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
મોર્ચામાં સ્કૂલના બાળકો પણ જોડાયા
ઇ-રિક્ષાના સમર્થનમાં આજે માથેરાનમાં યોજાયેલા મોર્ચામાં સ્કૂલના બાળકો પણ બેનરો લઈને જોડાયા હતા. કારણ અત્યાર સુધી તેમણે ઉબડખાબડ રસ્તે ચાલીને જવું પડતું અથવા ઘોડા પર જવું પડતું. પરંતુ ઇ-રિક્ષા શરૃ થયા પછી તેઓ પાંચ રૃપિયામાં ઘરથી સ્કૂલ સુધી પહોંચી શકે છે.
માથેરાનવાસીઓ અને પર્યટકોના હિતમાં ટૂંક સમયમાં નિર્ણય લેવાશે
ઇ-રિક્ષાના સમર્થનમાં તેમ જ ધૂળ ઉડતી બંધ થાય અને રિક્ષાઓ બરાબર દોડી શકે માટે માટીના ક્લે પેવર બ્લોક લગાડવા અને ઇ-રિક્ષા કાયમી ધોરણે શરૃ થાય એ માગણી સાથેનું આવેદનપત્ર સત્તાવાળાને સોંપવામાં આવ્યું હતું. માથેરાન નગર પરિષદના મુખ્ય અધિકારી સુરેખા ભણગેએ જાણકારી અને આવેદનપત્ર અમે વરિષ્ઠોને મોકલાવ્યું છે. માથેરાનવાસીઓ અને પર્યટકોના હિતમાં ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી અપેક્ષા છે.