VIDEO: 'મુજે યહાં આકર ખુશી હુઈ...', બ્રિટનના વડાપ્રધાને હિંદીમાં ભાષણ આપ્યું, તો PM મોદી પણ હસી પડ્યા

UK PM Keir Starmer Hindi Speech Viral Video: યુનાઇટેડ કિંગડમ (UK)ના વડાપ્રધાન કીર સ્ટાર્મર હાલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન, તેઓ 9 ઓક્ટોબરના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. આ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાંથી તેમનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર હિંદીમાં બોલતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કીર સ્ટાર્મરે હિન્દીમાં કહ્યું, "મુજે યહાં આકર ખુશી હુઈ." તેમના આ અંદાજને કારણે હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની હિન્દી સાંભળીને હસ્યા વિના ન રહી શક્યા અને તેમણે પણ તાળીઓ પાડી.
બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે સહકાર મજબૂત કરવાના ઉદ્દેશ્યથી કીર સ્ટાર્મરનો આ પ્રવાસ ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, તેમનો આ હિન્દી બોલતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
લોકોએ આપી પ્રતિક્રિયાઓ
આ વીડિયો ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, "આ ભારતની પ્રગતિ દર્શાવે છે. બ્રિટનના વડાપ્રધાન ફક્ત ભારતીયોને પ્રભાવિત કરવા માટે હિન્દીમાં બોલી રહ્યા છે. હવે 1900ના દાયકાની પરિસ્થિતિ જુઓ. હું ગર્વથી કહું છું કે મારો દેશ બદલાઈ રહ્યો છે... આગળ વધી રહ્યો છે."