યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પસ, ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ સ્ટાર્મરની પ્રથમ ભારત યાત્રા

PM Modi And Keir Starmer: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે આજે બંને દેશો વચ્ચેના શૈક્ષણિક સંબંધોને વધુ ગાઢ બનાવતાં ઐતિહાસિક પગલું લીધું છે. બંને દેશના વડાએ આજે મુંબઈમાં બેઠક યોજી જાહેરાત કરી છે કે, યુનિવર્સિટી ઑફ સાઉથમ્પ્ટન સહિત નવ અગ્રણી બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે. યુનિવર્સિટી ઑફ સાઉથમ્પ્ટનનું ગુરુગ્રામ ખાતે પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ એડમિશન પણ લીધા છે.
આ પહેલ ભારત-યુકે શૈક્ષણિક સહયોગમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે અને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સુસંગત છે. તેનો ઉદ્દેશ ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડ્યા વિના વતનમાં જ વિશ્વસ્તરીય શિક્ષણની સુવિધા પૂરી પાડવાનો છે. તેમજ ઈનોવેશન અને કૌશલ્ય વિકાસને વેગ આપવા માટે સહયોગી રિસર્ચ અને શૈક્ષણિક-ઉદ્યોગ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.
યુકેની પાંચ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ભારત આવશે
યુકેની પાંચ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ ભારતના મુખ્ય શહેરોમાં કેમ્પસ સ્થાપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સાઉથમ્પ્ટન ઉપરાંત, યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટોલે મુંબઈમાં એક નવું એન્ટરપ્રાઇઝ કેમ્પસ ખોલવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરફથી મંજૂરી મળી છે, જે 2026ના ઉનાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે.
આ પણ વાંચોઃ ભારત-બ્રિટન વચ્ચે એફટીએ કરારથી આર્થિક ક્ષેત્રે અસીમ તકો: સ્ટાર્મર
આ પાંચ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે
1. યુનિવર્સિટી ઑફ સાઉથમ્પ્ટન - ગુરુગ્રામ (કેમ્પસ પહેલાંથી જ કાર્યરત)
2. યુનિવર્સિટી ઑફ લિવરપૂલ - બેંગ્લુરુ
3. યુનિવર્સિટી ઑફ યોર્ક - મુંબઈ
4. યુનિવર્સિટી ઑફ એબરડીન - મુંબઈ
5. યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટોલ - મુંબઈ
બ્રિટિશ PM ભારતની મુલાકાતે
બ્રિટિશ PM કીર સ્ટાર્મર આઠ અને નવ ઑક્ટોબરની બે દિવસીય ભારત મુલાકાતે છે. આ તેમની વડાપ્રધાન પદે ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન બંને નેતાઓએ વિઝન 2035 રોડમેપ હેઠળ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસની સમીક્ષા કરી છે. આ 10-વર્ષીય યોજના વેપાર, રોકાણ, ટૅક્નોલૉજી, ઇનોવેશન, સંરક્ષણ, સુરક્ષા, આબોહવા, ઊર્જા, આરોગ્ય, શિક્ષણ અને પીપલ-ટુ-પીપલના જોડાણોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ મુલાકાત યુકેના અત્યાર સુધીના સૌથી મોટા વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે પણ સુસંગત છે, જે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊર્જા આપશે. તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલ વ્યાપક આર્થિક અને વેપાર કરાર આયાત ખર્ચ ઘટાડવા, યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવા, વેપારને વેગ આપવા અને બંને દેશોમાં ઉદ્યોગો અને ગ્રાહકોને લાભ આપવાની અપેક્ષા છે.
વિઝન 2035: શિક્ષણનો એક નવો યુગ
પીએમ મોદીની જુલાઈ, 2025ની યુકે મુલાકાત દરમિયાન અપનાવવામાં આવેલા ભારત-યુકે વિઝન 2035 રોડમેપથી ઉચ્ચ શિક્ષણમાં સહયોગ માટે નવા માર્ગો ખુલ્યા છે. ભારતમાં યુકે યુનિવર્સિટી કેમ્પસની સ્થાપનાથી ભારતીય વિદ્યાર્થીઓને વૈશ્વિક-સ્તરીય શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ ભારતીય તથા યુકે સંસ્થાઓ વચ્ચે સહયોગી સંશોધનને પ્રોત્સાહન મળશે.