વિરારમાં ઘરની પાણીની ટાંકી ઓવરફલો થાય તો એક હજાર દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અછતને પગલે પાણીનો બગાડ ટાળવા આકરાં પગલાં
ખાનગી સ્ત્રોતનો ઉપયોગ કરતા વ્હિલક વોશિંગ સેન્ટરોને પણ સપ્તાહમાં ૩ જ દિવસ મંજૂરી
મુંબઈ - વસઈ-વિરારમાં પાણીની અછતને પગલે ટૂંક સમયમાં દસ ટકા પાણી કાપ લાગુ કરવામાં આવનાર છે. પાણીનો બગાડ અટકાવવા માટે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ કડક નિયંત્રણો લાદ્યા છે. પાણીની ટાંકી ઓવરફ્લો થવા સહિતના નિયમભંગ બદલ દંડ વસૂલવા ઉપરાંત અનધિકૃત પાણીનાં જોડાણો સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મહાનગરપાલિકાના નિયમ મુજબ, ઘરની પાણીની ટાંકી ઓવરફ્લો થાય તો એક હજાર રૃપિયાનો દંડ વસૂલવામાં આવશે, જ્યારે ઇમારતની ભૂગર્ભ પાણીની ટાંકી ઓવરફ્લો થાય તો બે હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવશે.
પીવાના પાણીનો બિનજરૃરી ઉપયોગ અટકાવવા માટે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ જાહેર વાહન ધોવાનાં કેન્દ્રો તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, ખાનગી બોરવેલ અથવા કૂવાના પાણીનો ઉપયોગ કરતાં ખાનગી વાહન ધોવાનાં કેન્દ્રોને અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ એટલે કે રવિવાર, મંગળવાર અને ગુરુવારે જ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત, ખાનગી અને જાહેર સ્વિમિંગ પુલ તેમજ ઉદ્યાનોમાં પીવાના પાણીનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. શહેરમાં ક્યાંય પણ અનધિકૃત અથવા મોટા કદનાં પાણીનાં પાઇપ કનેક્શન મળી આવશે તો તેને તાત્કાલિક કાપી નાખવામાં આવશે. આવા કિસ્સામાં પાંચ હજાર રૃપિયાનો દંડ વસૂલવાની સાથે ફોજદારી કેસ પણ નોંધવામાં આવશે.
બીજી તરફ, પાણીનાં ટેન્કરમાંથી પાણી લીક થતું જણાશે તો ટેન્કરના માલિક પાસેથી દસ હજાર રૃપિયાનો દંડ વસૂલવામાં આવશે. પાણીની અછતને ધ્યાનમાં રાખીને નાગરિકો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે અને મહાનગરપાલિકાના નિયમોનું પાલન કરે એવી અપીલ મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજ બી.પી.એ કરી છે.




