ઓગસ્ટ ક્રાંતિ મેદાન પર તુષાર ગાંધી, ઈમરાન ખાન સહિત સેંકડોેની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણી સાથે મુંબઈમાં ઠેરઠેર પ્રદર્શન
હુતાત્મા ચોક, શિવાજી પાર્ક અને અન્ય સ્થળોએ પણ સુરક્ષા વધારાઈઃ પ્રકાશ આંબેડકરના સંગઠનના સેંકડોને તાબામાં લેવાયા
મુંબઈ - નવી દિલ્હીમાં શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શનને સમર્થન આપવા માટે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં વિરોધ પ્રદર્શન પર ઉતરેલા એક્ટિવિસ્ટ તુષાર ગાંધીની આગેવાની હેઠળના સંગઠનના સભ્યો અને સીપીઆઈ (એમ)ના સમર્થકો તથા અભિનેતા ઈમરાન ખાન સહિત સહિત લગભગ ૪૦૦થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
એક અલગ કાર્યવાહીમાં પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળના વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના ઘણા કાર્યકરોને દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોક પાસે સીજેપીને સમર્થન આપવા માટે પ્રદર્શન કરતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
તુષાર ગાંધીના નેતૃત્વ હેઠળના 'હમ ભારત કે લોગ' સંગઠનના સભ્યો અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના કાર્યકરો સહિત સેંકડો લોકો પરવાનગી વિના દક્ષિણ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં એકઠા થયા હતા અને તેમાંથી લગભગ ૨૦૦ લોકોને વિરોધ પ્રદર્શન કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પ્રસ્તાવિત આંદોલન પહેલા ઝોનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રાગસુધા આર એ જણાવ્યું હતું કે આ પ્રદર્શન અંગે ગામદેવી પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી સબમિટ કરવામાં આવી નથી અને મેળાવડા માટે કોઈ સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. તેમની સામે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આંદોલન કરનારાઓમાંના એક રુબૈદ ભોજાણીએ આરોપ લગાવ્યો કે પોલીસે પ્રદર્શનકારીઓને ખૂબ જ ક્રૂરતાથી કસ્ટડીમાં લીધા હતા. અમે વડા પ્રધાનને મત આપ્યો, પરંતુ તેમણે અમને દગો આપ્યો છે. અમે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાાનેશ કુમારના રાજીનામાની માંગ કરીએ છીએ, એમ ભોજાણીએ કહ્યું હતું.
આજે વહેલી સવારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીને બાંદ્રાથી ઉપાડીને ડીએન નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ પણ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મોડી સાંજે તુષાર ગાંધીને મુક્ત કરાયા હતા.
હમ ભારત કે લોગ સંગઠનના વડા ગાંધીએ એકસ પર એક પોસ્ટ કરી હતી. જેના દ્વારા લોકોને ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં બપોરે ૩-૩૦ વાગ્યે વિરોધ પ્રદર્શનમાં જોડાવા વિનંતી કરવામાં આવી હતી.
કાર્યકર્તા ફીરોઝ મીઠી બોરવાલાને પણ તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન સીજેપીના સભ્યોને પ્રદર્શન કરતા અટકાવવા માટે દાદરના શિવાજી પાર્કમાં મહિલા અધિકારીઓ સહિત વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. મુંબઈના અન્ય સ્થળોએ પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર ઓગસ્ટ ક્રાંતિ મેદાનને વિરોધ પ્રદર્શન કરવાના સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરુરી પગલાં લેવામાં આવ્યા છે.
મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દરમિયાન મતદાર યાદીમાં છેડછાડ અને મતદાર નોંધણી માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ ૬ સંબંધિત ફેરફારોના આરોપોને લઈ સીજેપીએ સીઈસી વિરુદ્ધ જંતર-મંતર પર પ્રદર્શનનું આયોજન કર્યું હતું.




