Mumbai

ભાજપના નેતાઓની સંકુચિત માનસિકતાની ઝાટકણી કાઢી દિયાનો વીડિયો ફરી રિસ્ટોર કરવા હાઈકોર્ટનો આદેશ

By GS Team
4 Nov 20263 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે BMCને દિયા મિર્ઝાનો પર્યાવરણલક્ષી દિવાળીનો વીડિયો રિસ્ટોર કરવાનો આદેશ આપ્યો છે. ભાજપના વાંધા બાદ BMCએ આ વીડિયો ડિલીટ કર્યો હતો. હાઈકોર્ટે આ ઘટનાક્રમની સુઓ મોટો નોંધ લઈ તંત્રને ઝાટક્યું હતું. કોર્ટે કહ્યું કે, આપણો દેશ સેક્યુલર છે અને પર્યાવરણ જાગૃતિના વીડિયોને રાજકીય રંગ આપવો દુર્ભાગ્યપૂર્ણ છે. આ મુદ્દો પર્યાવરણ સંબંધિત છે અને દરેક વ્યક્તિ એક જ હવામાં શ્વાસ લે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના નેતાઓની સંકુચિત માનસિકતાની ઝાટકણી કાઢી દિયાનો વીડિયો ફરી રિસ્ટોર કરવા હાઈકોર્ટનો આદેશ

આપણો દેશ સેક્યુલર છે, દરેક ધર્મની વ્યક્તિ આ હવામાં શ્વાસ લે છે

હાઈકોર્ટની જ સૂચનાથી બીએમસીએ અપલોડ કરેલો વીડિયો ભાજપના કહેવાથી ડિલીટ કરાતાં હાઈકોર્ટે સુઓ મોટો નોંધ લઈ તંત્રને ઝાટક્યું ઃ સમગ્ર ઘટનાક્રમ ભારે દુર્ભાગ્ય પૂર્ણ, બેફામ ટિપ્પણીઓ કરનારા નેતાઓએ પોતે કેટલી જનજાગૃતિ ફેલાવી ?  તેવો સવાલ

મુંબઈ -  અમુક વ્યક્તિઓ અને ખાસ કરીને જેઓ જનપ્રતિનિધિઓ છે તેમની સંકુચિત માનસિકતાથી પોતે  વ્યથિત  છે  તેવું જણાવી બોમ્બે હાઈકોર્ટે બીએમસીને પર્યાવરણપૂરક દિવાળીની ઉજવણીની અપીલ કરતો દિયા મિર્ઝાનો વીડિયો ફરી  રિસ્ટોર કરવા આદેશ આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે જ બીએમસીને પ્રદૂષણ નાબૂદી તથા ક્લિન એર  મુદ્દે જનજાગૃતિ ફેલાવવા સેલિબ્રિટીઓની મદદ લેવા જણાવ્યા બાદ બીએમસીએ દિયા મિર્ઝાને આમંત્રણ આપી આ વીડિયો રેકોર્ડ કરાવ્યો હતો. પરંતુ મુંબઈ ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય અમિત સાટમે દિયા મિર્ઝા દ્વારા ફટાકડા મુક્ત દિવાળીની અપીલ સામે વાંધો લેવાતાં  બીએમસીએ આ વીડિયો ડિલિટ કર્યો હતો. દિયા હિન્દુત્વની તથા પીએમ નરેન્દ્ર મોદીની વિરોધી છે તેથી તેને બીએમસીમાંથી બ્લેકલિસ્ટ કરીએ છીએ તેવાં ઉચ્ચારણો બીએમસીએ કર્યાં હતાં. આ સમગ્ર ઘટનાક્રમ અંગે  ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી તથા ન્યાયમૂર્તિ નીલા ગોખલેની બેન્ચે ભારે પીડા તથા નારાજગી વ્યક્ત કરી બીએમસીને ફટકાર લગાવતાં કહ્યું હતું કે  આપણો ભારત દેશ એક સેક્યુલર દેશ છે. પર્યાવરણ, વાયુ અને ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે બનાવેલા વિડીયોને આવો રંગ આપવામાં આવ્યો તે  ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ  છે.

કોઈ પણ વ્યક્તિ એ પ્રશ્ન કરી શકે નહીં કે અધિકારીઓ દ્વારા જાગૃતિ ફેલાવવા માટે ચોક્કસ સેલિબ્રિટીને કેમ પસંદ કરવામાં આવી, એમ  હાઈકોર્ટે જણાવ્યું  હતું. 

શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ વચ્ચે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશને અનુસરીને જ બીએમસીએ નાગરિકોને ફટાકડા ફોડવાથી બચવા અને પર્યાવરણને અનુકૂળ દિવાળી ઉજવવાની અપીલ  કરવા માટે દિયા સહિતના સેલિબ્રિટીઓનો સામે ચાલીને સંપર્ક કર્યો હતો. આ સેલિબ્રિટીઓએ રેકોર્ડ કરેલા વીડિયો બીએમસીએ પોતાનાં તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યા હતા.   શહેર ભાજપ પ્રમુખના વિરોધ બાદ બીએમસીએ દિયા મિર્ઝાનો વીડિયો ડિલીટ કર્યો હતો.  જોકે, લગભગ એકસરખી અપીલ કરતા માધુરી દિક્ષિત તથા નિશિગંધા વાડ અને અજિંક્ય રહાણેના વીડિયો યથાવવત રખાતાં ભારે વિવાદ થયો હતો.

હાઈકોર્ટે  આ સમગ્ર ઘટનાક્રમની સુઓ મોટો નોંધ લેતાં જણાવ્યું હતું કે જાગૃતિ ફેલાવવા માટે સેલિબ્રિટીઓની પસંદગીમાં બીએમસી કમિશનર એકદમ સાચા હતા અને તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અન્ય બિનજરૃરી મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા  હતા.

 ધર્મનિરપેક્ષ ભાવના હોવી જોઈએ, અને બંધારણ નાગરિકો પાસેથી તેને પ્રોત્સાહન આપવાની અપેક્ષા રાખે છે. જો ક્લિપ દૂર કરવામાં આવી હોય, તો તે આદર્શ રહેશે કે તેને ફરીથી અપલોડ કરવામાં આવે,એમ કોર્ટે કહ્યું હતું.

મુંબઈ જેવું શહેર એકતા અને સમાજ સાથે જોડાયેલા રહેવાની મજબૂત લાગણી પર ટકી રહે છે અને કોઈપણ    નીચલી કક્ષાની ટિપ્પણીઓથી  આ માહોલને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, એમ તેમાં કહેવામાં આવ્યું છે.

જે નેતાઓએ ગઈકાલે ટિપ્પણીઓ કરી હતી તેમણે પોતે કોઈ જનજાગૃતિનો વીડિયો મૂક્યાનું અમે જોયું નથી.

 અમે કોઈ રાજકારણી કે ગઈકાલે ટિપ્પણી કરનાર કોઈપણ વ્યક્તિને જાગૃતિ ફેલાવતો વીડિયો પોસ્ટ કરતા જોયા નથી. આપણે એક ધર્મનિરપેક્ષ દેશ છીએ. અમને આ ઘટનાક્રમથી ખરેખર બહુ પીડા થઈ છે. આ મુદ્દો પર્યાવરણ સાથે સંબંધિત છે અને દરેક  ધર્મ કે જાતિની વ્યક્તિ એક જ હવામાં શ્વાસ લઈ રહી છે એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

જાહેરમાં ફટાકડા ફોડવાના નિર્દેશો બાબતે હાઈકોર્ટે કહ્યું હતું કે હવે દિવાળી છે એ સંયોગ છે પરંતુ અમે કોઈ ખાસ તહેવાર નહીં કાયમ માટે જાહેરમાં ફટાકડા નહીં ફોડવા જણાવીએ છે. લગ્ન, સરઘસો, ચૂંટણી જીત, ક્રિકેટ મેચ પછી પણ ફટાકડા ફોડવામાં આવે છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણ પર અંકુશ મૂકાવો જ જોઈએ.

કોઈપણ માનવી આવીને પર્યાવરણ વિશે ચર્ચા કરી શકે છે, અને કોઈ પણ વ્યક્તિવાદ માટે કોઈ અવકાશ નથી, કોર્ટે કહ્યું કે સમુદાયની ભાવના સૌથી મહત્વપૂર્ણ છે.

 પર્યાવરણને લગતા મુદ્દાઓની વાત આવે ત્યારે આપણે સદ્ભાવના અને એકતાની ભાવના અને સમાજ પ્રત્યેના પોતાનાપણાની મજબૂત ભાવનાને પોષવાની જરૃર છે. આ શું તુચ્છ માનસિકતા છે? અમને આ મંજૂર નથી.  એમ હાઈકોર્ટે કહ્યુું હતું.