Mumbai

ગરબા જોવા શાળામાંથી ભાગ્યા 5 વિદ્યાર્થી, અકસ્માત થતાં બેના મોત, મુંબઇના પાલઘરમાં માહોલ ગમગીન

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
પાલઘરમાં નવરાત્રી જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓમાંથી 2ના અકસ્માતમાં મોત થયા છે. જવાહર તાલુકાની હિરડપાડા આશ્રમ શાળામાંથી ફરવા નીકળેલા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓને મોટરસાઇકલ અકસ્માત નડ્યો હતો. 3 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. બેદરકારી બદલ શાળાના આચાર્ય, અધિક્ષક અને ચોકીદારને સસ્પેન્ડ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગરબા જોવા શાળામાંથી ભાગ્યા 5 વિદ્યાર્થી, અકસ્માત થતાં બેના મોત, મુંબઇના પાલઘરમાં માહોલ ગમગીન

Mumbai 2 Students Died : પાલઘર જિલ્લાના જવાહર તાલુકાના હિરડપાડા ખાતે આવેલી અનુદાનિત આશ્રમ શાળામાંથી નવરાત્રિ ઉત્સવ જોવા માટે ભાગીને નીકળેલા પાંચ વિદ્યાર્થીઓને પરત ફરતી વખતે મોટરસાઇકલ અકસ્માત નડતાં બે વિદ્યાર્થીઓનાં મોત થયાં  હતા. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા  હતા.  ત્રણેય ઘાયલ વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે નાશિકની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને શાળા સંચાલન દ્વારા માધ્યમિક વિભાગના આચાર્ય, અધિક્ષક અને ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જવાહર હિરડપાડાની ગગનગીરી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રવિવારે રાત્રે નવરાત્રિ ઉત્સવ જોવા માટે શાળામાંથી નીકળ્યા હતા. આ વિશે પ્રાપ્ત માહિતી મુજબ, ચાર નિવાસી વિદ્યાર્થીઓ શાળાની વાડ કૂદીને બહાર નીકળ્યા હતા અને એક બિન-નિવાસી વિદ્યાર્થી તેમની સાથે જોડાયો હતો. ગામના એક વ્યક્તિ પાસેથી મોટરસાઇકલ મેળવી પાંચેય વિદ્યાર્થીઓ એક જ મોટરસાઇકલ પર નવરાત્રિ જોવા ગયા હતા.

નવરાત્રિ જોઈને પરત આશ્રમ શાળા તરફ આવી રહ્યા હતા ત્યારે સોમવારે વહેલી સવારે સારસુનથી ગામ પાસે નદીના ઘાટ વિસ્તારમાં તેમની મોટરસાઇકલ રસ્તા પરથી લપસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુમિત ગિમ્બલ (18)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પ્રીતમ પો પોતિડા (15)ને જવાહરની પતંગશાહા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

ઘાયલ થયેલા અન્ય ત્રણ વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક નજીકની કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે નાશિકની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ હાલ ત્રણેય વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર છે. અકસ્માતનો ભોગ બનેલા પાંચ વિદ્યાર્થીઓ પૈકી બે ધોરણ નવમાં, એક ધોરણ દસમાં અને બે ધોરણ બારમાં અભ્યાસ કરતા હતા.

આ ઘટનાની જાણ થતાં સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ, જવાહરના પ્રોજેક્ટ ઓફિસર પી. કે. સિદ્ધાર્થ રામકુમારે તાત્કાલિક હિરડપાડાની આશ્રમ શાળાની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

તેના આધારે સંબંધિત સંસ્થાએ આશ્રમ શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય, અધિક્ષક અને ચોકીદારને સસ્પેન્ડ કર્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શાળા સંચાલક ટ્રસ્ટ સહિત સંબંધિતોને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે ઘટનાને ગંભીર ગણાવી મૃતક વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલ વિદ્યાર્થીઓને જરૃરી તમામ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું વહીવટીતંત્રે જણાવ્યું છે.