બાળકોને ન્યુમોનિયાથી બચાવવાના કેન્દ્ર સરકારના અભિયાન સાથે ઓરીના શંકાસ્પદ દર્દીઓ પણ શોધશે


- બીએમસીનું એક પંથ દો કાજ

મુંબઇ: એક તબક્કે  દેશભરના પાંચ વર્ષ સુધીના દર 1000 બાળકોમાંથી 74 મૃત્યુ પામતાં હતાં. પણ હવે આ દર ઘટીને 37 થઇ ગયો છે.પણ ખાટલે મોટી  ખોડ એ છે કે બાળકોને થતી ન્યુમોનિયા  જેવી વ્યાધિને પ્રભાવી ઉપચાર તેમ જ રસીકરણની જોગવાઇ હોવા છતાં અંકુશમાં નથી લઇ શકાઇ.જોકે આ બીમારીની ગંભીરતા અને વ્યાપકતા જોતાં કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 'સાંસ' અભિયાન હેઠળ ન્યુમોનિયાનાના ઉપચાર અને તે થતો અટકાવવાર્ની માર્ગદર્શિકા જારી કરી છે. મુંબઇમાં પણ આ માર્ગદર્શિકા લાગૂ કરવામાં આવી છે. આ મહિનાથી લઇને આગામી વર્ષના ફેબ્રુઆરી માસ  સુધી ચાલનારા આ અભિયાનના માધ્યમથી બીએમસી એક કાંકરે બે પક્ષી મારશે. સુધરાઇના કર્મચારીઓ  ઘરે ઘરે ફરીને સ્ક્રીનિંગના માધ્યમથી ન્યુમોનિયાની સાથે સાથે ઓરીના પ્રકોપ પર પણ અંકુશ લાવવાનો પ્રયાસ કરશે. 

કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ મુજબ બીએમસી આગામી વર્ષની 28મી ફેબુ્રઆરી સુધી 'સાંસ' અભિયાન ચલાવશે.  દરમિયાન સ્વાસ્થ્ય કેન્દ્રના કર્મચારીઓ ઘરે ઘરે ફરીને બીમાર બાળકોની તપાસ કરશે. જે બાળકોમાં ન્યુમોનિયાના લક્ષણો દેખાશે તો તેમને  ઇલાજ માટે નિકટના ક્લિનિક/રુગ્ણાલયમાં મોકલવામાં આવશે. એટલું જ નહીં, વધુમાં વધુ બાળકોને પીસીવી (ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સીન) અપાવવા તેમના માતાપિતાને સમજાવવામાં આવશે જેથી બાળકોને થતાં ન્યુમોનિયાને નાથવામાં મદદ મળે.

સુધરાઇના કાર્યકારી સ્વાસ્થ્ય અધિકારી ડૉ. મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ ઓરીનો પ્રકોપ પણ અંકુશમાં લઇ શકાશે. ત્રણ મહિના ચાલનારી આ સ્ક્રીનિંગમાં ઓરીના શંકાસ્પદ દર્દીઓની શોધ પણ થઇ શક્શે અને તેમને ઉપચાર માટે નિકટની હોસ્પિટલમાં જવાની ભલામણ કરવામાં આવશે. તદુપરાંત જે બાળકોને ઓરીની રસી આપવામાં નહીં આવી હોયતેમને એ વેક્સીન આપવામાં આવશે. ઘરે ઘરે ફરીને સ્ક્રીનિંગ કરવા ઉપરાંત બીએમસીના મુખ્ય,પરાઓમાં આવેલા દવાખાનાઓ અને મેટરનિટી હોમ્સની ઓપીડીમાં આવનારા બાળકોની તપાસ, ઉપચાર  કરવામાં આવશે.સાથેસાથે સંબંધિત બીમારી બાબતે તેમના માતાપિતાને જાગૃત પણ કરવામાં આવશે.

'સાંસ' અભિયાનનો ઉદ્દેશ્યઃ

૦ બાળકોને થતાં ન્યુમોનિયાને અટકાવવા સામાજિક જાગૃતિ કેળવવી.

૦ ન્યુમોનિયાને ઓળખી કાઢવા માતાપિતા/ બાળકોના સારસંભાળ લેનારાઓને સશક્ત કરવા.

૦ ન્યુમોનિયા વિશેની ભ્રમણાઓ દૂર કરવી.

૦ ન્યુમોકોકલ કંજુગેટ વેક્સીન (પીસીવી) વિષયક જાગૃતિ ફેલાવવી.

City News

Sports

RECENT NEWS